ગુપ્ત ચોરખાનામાંથી મળી આવ્યો 1.55 કરોડનો ‘પોસડોડા’
સુરત જિલ્લાના કડોદરામાંથી એક ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. Surat Rural LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કામગીરીમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 1034.435 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ‘પોસડોડા’ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹1,55,16,525 ગણાય છે. કુલ મુદ્દામાલ સાથે આ આંકડો ₹1.75 કરોડથી પણ વધુ થાય છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સતર્ક હતી કન્ટેનર ટ્રક નંબર GJ-26-T-9628 કડોદરા ચાર રસ્તા નજીક સર્વિસ રોડ પર શંકાસ્પદ રીતે ઉભું હતું.તરત જ પોલીસે સ્થળ પર પહોંચી કન્ટેનરને ઘેરી લીધું. બહારથી સામાન્ય દેખાતી આ ટ્રકની જ્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ, ત્યારે કેબિનમાં બનાવેલું એક ખાસ ગુપ્ત ચોરખાનું મળી આવ્યું.આ ચોરખાનામાંથી જ મોટા પ્રમાણમાં પોસડોડાનો જથ્થો બહાર આવ્યો.પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર શ્રવણકુમાર હનુમાનરામ બિશ્નોઈ અને તેની સાથે ક્લીનર વિક્રમ ઓમપ્રકાશ ગોદારાની ધરપકડ કરી છે. બંને આરોપી મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ માદક પદાર્થ મધ્યપ્રદેશના મંદસૌર ખાતેથી ભરાવવામાં આવ્યો હતો અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય થવાનો હતો.આ સાથે જ સમગ્ર મામલે રાજસ્થાનના વિકાસ બાબુરામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે મધ્યપ્રદેશના એક અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે.
પોલીસે ડ્રગ્સ સિવાય ₹20 લાખની કિંમતનું કન્ટેનર, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ₹1,75,61,455નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી હેઠળ Kadodara Police Station ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.ડ્રગ્સ માફિયાઓ પોલીસથી બચવા માટે ખાસ ડિઝાઇન કરેલા કન્ટેનરનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થયો છે, પરંતુ એલ.સી.બી.ની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીથી આ મોટું નેટવર્ક બેનકાબ થયું છે.આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી. ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ, એમ.જી. રાઠોડ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કડોદરાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે સુરત જિલ્લા પોલીસ ડ્રગ્સના કાળા કારોબાર સામે સખત એક્શન મોડમાં છે.