સુરત (Surat): ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં બણગાં ફૂંકતી મોદી સરકાર માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માત્ર સુરત એકમની વાત કરીએ તો લોકડાઉનમાં પણ ભ્રષ્ટાચારીઓએ લાચાર અને મજબૂર લોકોને ખંખેરવાની કોઈ કસર બાકી રાખી નથી. ભ્રષ્ટાચાર (Corruption) પર અંકુશ મૂકવા માટે મોદી સરકારે ભલે ગમે તેટલાં પગલાં લીધાં હોય, પરંતુ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શક્યો નથી. જે એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) દ્વારા કરવામાં આવેલા કેસની સંખ્યા જોતા કહી શકાય છે.
ભ્રષ્ટાચાર શહેર, સમાજ માટે કેન્સરનો સડો છે. સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યૂરો સુરત એકમ દ્વારા વર્ષ-2020માં થયેલા કેસની માહિતી આપવામાં આવી હતી. ગયું વર્ષ અડધું કોરોનાને કારણે લોકડાઉનમાં વિતી ગયું હતું. તેમ છતાં ભ્રષ્ટાચારીઓએ લોકડાઉન અને આર્થિક મંદીના સમયમાં પણ લાચાર લોકોને છોડ્યા નથી. એસીબી સુરત એકમ દ્વારા સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ મળી કુલ 40 કેસ વર્ષ-2020માં કરવામાં આવ્યા છે.
લોકડાઉનમાં સમયમાં પણ આટલી મોટી સંખ્યામાં ભ્રષ્ટાચારના કેસ નોંધાવા એ બાબતને સૂચવે છે કે, ભ્રષ્ટાચારનું કેન્સર કઈ હદ સુધી ફેલાયું છે. તેમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો ધબ્બો ખાખીના (Police) નામે છે. ગૃહ વિભાગમાં કુલ 11 કેસ નોંધાયા છે. જેમાં પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીનો સમાવેશ થાય છે. ત્યારબાદ સૌથી ભ્રષ્ટ ખાતું એટલે મહેસૂલ અને શહેરી વિકાસ છે. જ્યાં શહેર વિકાસ કરતાં સરકારી બાબુઓ સ્વવિકાસમાં વધારે માને છે. ત્યારબાદ કૃષિ અને સહકાર વિભાગ અને પંચાયત વિભાગમાં 5-5 કેસ નોંધાયા છે. જલ વિભાગ, ઉદ્યોગ અને માઈન્સ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, શિક્ષણ વિભાગ, ઊર્જા વિભાગ અને કેન્દ્ર સરકારના 1-1 કેસ નોંધાયા છે.
વર્ષ-2018 અને 2019માં 61 કેસ નોંધાયા હતા:
વર્ષ | કેસ |
2015 | 42 |
2016 | 41 |
2017 | 23 |
2018 | 61 |
2019 | 61 |
2020 | 40 |
લોકડાઉનમાં પણ સુરત શહેરમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર:
સુરત એકમમાં ગયા વર્ષે 40 કેસ થયા છે. જે પૈકી 17 કેસ સુરત શહેરમાં અને 4 સુરત ગ્રામ્ય વિસ્તારમાં થયા છે. ત્યારબાદ તાપી જિલ્લામાં સૌથી વધારે 7 કેસ નોંધાયા છે. વલસાડ અને નવસારી જિલ્લામાં ગયા વર્ષે 6-6 કેસ નોંધાયા છે. નોંધાયેલા કુલ કેસમાં 71 આરોપી વિરુદ્ધ કેસ નોંધાયા છે. જેમાં વર્ગ-1ના એક, વર્ગ-2ના 13, વર્ગ-3 ના 36 તથા 21 ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે.
વર્ષ 2020 માં અપ્રમાણસર મિલકતના સૌથી વધારે 9 કેસ દાખલ:
એસીબી સુરત એકમ દ્વારા વર્ષ 2020 માં અપ્રમાણસર મિલકતના સૌથી વધારે 9 કેસ નોંધવામાં આવ્યા છે. ગયા વર્ષોની સરખામણીમાં સૌથી વધારે કેસ દાખલ થયા છે. ગયા વર્ષે સરકારી બાબુઓની કુલ 13.95 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવી છે. વર્ષ 2019 માં નવસારી એસીબીએ જીએલડીસીના અધિકારી પ્રવિણકુમાર બાલચંદ્ર પ્રેમલ, મદદનીશ નિયામક તથા તેના પરીવારના સભ્યો વિરૂધમાં રૂપિયા 10.54 કરોડ અપ્રમાણસર મિલકત વસાવ્યાનો કેસ દાખલ કર્યો હતો.