SURAT

વેસુ સામૂહિક આપઘાત કેસમાં મોટો બ્રેકથ્રુ: મુખ્ય આરોપી વૈભવ રૂંગટા દિલ્હીથી ઝડપાયો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં બનેલી સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું છે. આ હૃદયદ્રાવક બનાવમાં હવે પોલીસને મોટી સફળતા મળી છે. પરિવારને આત્મહત્યા જેવા અતિશય મુશ્કેલ પગલાં સુધી દોરી જવાનો આરોપ ધરાવતા મુખ્ય આરોપી વૈભવ શિવકુમાર રૂંગટાને દિલ્હીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડેટાના આધારે સુરત પોલીસની ટીમ દિલ્હીમાં પહોંચી અને આરોપીને કાબૂમાં લીધો. જોકે સ્થાનિક અદાલતે ટ્રાન્ઝિટ રિમાન્ડ ન આપતા તેને સુરત કોર્ટમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં પિતા બાલમુકુંદ ખેતાન, માતા પ્રિયંકા અને 9 વર્ષની પુત્રી ભવ્યાનું મોત નિપજ્યું હતું, જ્યારે 7 વર્ષની પ્રાથ્વી એકમાત્ર જીવિત બચી છે. સારવાર હેઠળ રહેલી પ્રાથ્વી હવે જોખમ બહાર છે, પરંતુ હોશમાં આવ્યા બાદ તે સતત “મમ્મી-પાપા ક્યાં છે?” અને “ભવ્યા ક્યાં ગઈ?” જેવા સવાલો કરી રહી છે, જે સાંભળી પરિવારજનો વ્યથિત બની રહ્યા છે.

મૃતક બાલમુકુંદે લખેલી 3 પાનાની સુસાઈડ નોટમાં વ્યાજખોર વૈભવ રૂંગટાના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપી બાલમુકુંદના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરતો અને પૈસા માટે સતત દબાણ કરતો હોવાની વાત સામે આવી છે. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આર્થિક અને માનસિક દબાણથી કંટાળીને પરિવારે એલ્યુમિનિયમ ફોસ્ફેટ જેવું ઝેરી પદાર્થ પી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાના દિવસે પ્રિયંકાએ પોતાના પિતા સંજય અગ્રવાલને ફોન કરીને ઝેર પી લીધાની જાણ કરી હતી. તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી, પરંતુ બાલમુકુંદને સ્થળ પર જ મૃત જાહેર કરાયા હતા, જ્યારે પ્રિયંકા અને ભવ્યાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. માત્ર પ્રાથ્વીને તબીબો મોતના મુખમાંથી બચાવવામાં સફળ રહ્યા. અલથાણમાં રહેતા રૂંગટાએ બાલમુકુંન્દનું મોપેડ પડાવી લીધું હતું અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતો હતો અને તેનું પેમેન્ટ ખેતાન પરિવારે ચૂકવવું પડતું હોવા સહિતની કેટલીક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ પણ અંતિમ ચિઠ્ઠીમાં કરાયો છે. જેથી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, પરિવારના અત્યંતિક પગલાની જાણ થતા પડોશી અને સંબંધીઓ દોડી આવ્યા ત્યારે વૈભવ ત્યાં જ હાજર હતો. પરંતુ પોતાનું નામ આવશે તેવું જણાતા તે ધીરે રહીને જતો રહ્યો હતો.

હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછની તૈયારીમાં છે. અન્ય કોઈ વ્યાજખોરો કે સાગરિતો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનની વિગતો ખંગાળી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બાળકીનું સત્તાવાર નિવેદન કેસમાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે. દોષિતોને કડક સજા અપાવવા પોલીસ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે.

Most Popular

To Top