છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી સામે આવી છે. સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં આજે શનિવારે વહેલી સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં કુલ 14 નક્સલીઓ માર્યા ગયાની માહિતી સામે આવી છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ આ અંગે પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુકમા જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોની એક ટીમ નક્સલ વિરોધી અભિયાન પર હતી. આ દરમિયાન નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં સુકમામાં 10 નક્સલીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહ અને હથિયારો પણ મળી આવ્યા છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જ્યારે બીજી તરફ પાડોશી બીજાપુર જિલ્લામાં પણ નક્સલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. અહીં રાજ્ય પોલીસની ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ની ટીમ વહેલી સવારે નક્સલ વિરોધી અભિયાન પર હતી. સવારે લગભગ 5 વાગ્યે જંગલ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અહીંથી પણ નક્સલીઓના મૃતદેહ મળ્યા છે અને વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ કરવામાં આવી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને વિસ્તારોમાં સમયાંતરે ગોળીબાર થયો હતો અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સુરક્ષા દળો કોઈપણ સંભવિત ખતરા સામે સતર્ક છે અને વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે છત્તીસગઢમાં નક્સલીઓ સામે થયેલી અલગ-અલગ કાર્યવાહી દરમિયાન કુલ 285 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. રાજ્ય સરકાર અને સુરક્ષા દળો નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે સતત અભિયાન ચલાવી રહી છે.