નવી દિલ્હી: લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં વધુ એક દુ:ખદ અકસ્માત થયો છે. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે અહીં એક ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન નદી પાર કરતી વખતે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું જેના કારણે સૈનિકો ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સેનાના જેસીઓ સહિત 5 જવાનો શહીદ થયા છે.
શુક્રવારે દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક એક્સરસાઇઝ ચાલી રહી હતી અને અહીં સેનાની ઘણી ટેન્ક હાજર હતી. ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે T-72 ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. કવાયતના ભાગરૂપે જ્યારે એક ટેન્કે નદી પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી જતાં ટેન્ક તણાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટેન્કમાં કુલ 4-5 સૈનિકો હતા.
સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, ‘ગઈ સાંજે દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં રિવર ક્રોસિંગ પ્રેક્ટિસ દરમિયાન થયેલા અકસ્માતમાં એક JCO અને ચાર સૈનિકો સહિત પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પાંચેય મૃતદેહો મળી આવ્યા છે.
શહીદ થયેલા જવાનોનાં નામ આરઆઈએસ એમઆર કે રેડ્ડી, ડીએફઆર ભૂપેન્દ્ર નેગી, એલડી અકદુમ તૈયબમ, હવાલદાર એ ખાન (6255 એફડી વર્કશોપ), સીએફએન નાગરાજ પી (એલઆરડબ્લ્યુ) છે.
સામાન્ય રીતે ટેન્કમાં કમાન્ડર, એક ગનર અને એક ડ્રાઇવર હોય છે. શુક્રવારે રાતે ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન તેમાં 5 જવાનો હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નદીના ઉપરના વિસ્તારમાં વરસાદને કારણે પાણી વધ્યું હતું. રાત હોવાને કારણે જવાનો તેના વિશે જાણી શક્યા ન હતા. T-72 ટેન્ક 5 મીટર (16.4 ફૂટ) સુધીની ઊંડી નદીઓને પાર કરવામાં સક્ષમ છે. તે નાના વ્યાસના સ્નોર્કલની મદદથી નદી પાર કરે છે. ઈમરજન્સીના કિસ્સામાં તેમાં સવાર તમામ ક્રૂ સભ્યોને રિબ્રીધર આપવામાં આવે છે.