સુરત: સુરતના હજીરા સ્થિત AMNS ઇન્ડીયા કંપનીનાં સ્ટીલ પરિસરમાં આવેલા કોરેકસ પ્લાન્ટમાં થર્ટી ફર્સ્ટની સાંજે 6 વાગ્યાની આસપાસ અચાનક ધડાકા સાથે આગ લાગતાં 4 કર્મચારીઓ ઘટના સ્થળે જ આગમાં ભડથું થઈ મૃત્યુ પામ્યા છે તથા એક કર્મચારી ગંભીર રીતે દાઝી જતા તેને કંપનીની ઇનહાઉસ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
- હજીરાની AMNS કંપનીનાં કોરેક્સ પ્લાન્ટમાં ધડાકા સાથે આગ
- પ્લાન્ટમાં કોઈલ ફાટીને કર્મચારી પર પડી અને ચારેય કર્મીના ઘટનાસ્થળે જ મોત
- મોતને ભેટેલામાં વ્યારાના 2, અડાજણનાં 1 અને મહારાષ્ટ્રનાં 1 કામદારનો સમાવેશ
- પ્લાન્ટમાં ટુ યર પ્લેટફોર્મથી આગ શરૂ થઈ અને લીફ્ટ સુધી પહોંચી ગઈ, કર્મીઓને બચવાનો મોકો જ નહીં મળ્યો
- પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, એફએસએલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, વધુ મોત-ઈજાગ્રસ્તની આશંકા
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ દુર્ઘટના બનતા મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજનો અને કામદારોનું મોટું ટોળું રાતે નવી સિવિલ હોસ્પિટલનાં પોસ્ટ મોર્ટમ રૂમ બહાર ભેગુ થયું હતું. સાંજે આ ઘટના બની ત્યારે કંપનીની નજીકના ગામોમાં એના ધડાકાનો અવાજ સંભળાયો હતો.
વિગતો પ્રમાણે, હજીરાની AMNS કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં કોઈલ ફાટી જતા ઓઈલ એલીવેટર મેન્ટેનન્સના 4 કર્મચારી પર પડતા મોત થયા છે. કોઈલ ફાટીને 30 ફુટ દૂર એલીવેટર ઉપર ચાર જણા ઉપર પડી હતી.
કોરેક્સ-2 પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. આગ ટૂ યર પ્લેટફોર્મ પરથી શરૂ થઈ હતી અને લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. આગના કારણે લીફ્ટ મેન્ટેનન્સનું કામ કરનાર ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. હાઈ ટેમ્પરેટર ઉપર બની રહેલા લીક્વિડ મેટલની કોઈલ ફાટીને ચાર કર્મચારીઓ ઉપર પડતા તેમના મોત થયા હતા.
લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં તાપમાન વધી જતાં ધડાકા સાથે આગ લાગી હતી. ઘટના સ્થળે FSL ની ટીમ બોલાવવામાં આવી છે.હજીરા પોલીસ ઘટના સ્થળે કેટલા કામદારો હતાં,એની તપાસ કરી રહી છે. કોરેકસ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓનાં નિવેદન લેવાઈ રહ્યાં છે.
હજીરા પોલીસે 4 મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે: પો.કમિ. ગેહલૌત
ઘટનાને પગલે હજીરા AMNS કેમ્પસમાં પહોંચેલા સુરતનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તબક્કે એવું લાગે છે કેકંપનીનાં કોરેકસ પ્લાન્ટમાં ટેમ્પ્રેચર વધી જતાં આ દુર્ઘટના બની હોય શકે છે. ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં કુલ 4 કામદારોનાં મોત થયાં છે.
એક કારીગર ગંભીર રીતે દાઝ્યો છે. તેને કંપની પરિસરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકોમાં વ્યારાના 2, અડાજણનાં 1 અને મહારાષ્ટ્રનાં વતની 1 કામદાર મળી કુલ 4 કામદારનો સમાવેશ થાય છે. સુરત શહેરની હજીરા પોલીસે 4 મૃતદેહ ફોરેન્સિક પીએમ.માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે.
શટડાઉન પછી COREX પ્લાન્ટ રિ-સ્ટાર્ટ કરતી વખતે ઘટના બની: AMNS ઇન્ડિયા
AMNS ઇન્ડિયાનાં પ્રવકતા એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, AMNS હજીરા ઓપરેશન્સ ખાતે સાધનોની નિષ્ફળતાને કારણે COREX પ્લાન્ટમાં અકસ્માતની જાણ કરવા બદલ અમે દિલગીર છીએ. આ અકસ્માત 31 ડિસેમ્બરની સાંજે 6:00 વાગ્યાની આસપાસ શટડાઉન પછી યુનિટના પુનઃપ્રારંભ દરમિયાન થયો હતો.
નજીકની લિફ્ટ (લિફ્ટ) પર જાળવણી કરી રહેલા ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો આગ લાગવાનું અસરમાં ફસાઈ ગયા હતા અને તેઓ બચી શક્યા ન હતા. એક કામદારને થોડી ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે સાજો થઈ રહ્યો છે.
અમે અસરગ્રસ્ત જવાનોના પરિવારોને તમામ મદદ આપી રહ્યા છીએ. તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. અમે જમીન પર સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે. જ્યારે વધુ વિગતોની ખાતરી કરવામાં આવશે ત્યારે અમે અપડેટ્સ શેર કરીશું. સલામતી એ અમારી કામગીરીનો પાયાનો પથ્થર છે અને આ ઘટના અમને આગળ શીખવા માટે દબાણ કરશે.
4 કર્મચારીઓ મોત અંગે હજીરા પોલીસે શું કહ્યું?
હજીરા પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસ દરમિયાન માહિતી મળી છે કે, આજે સાંજે છ વાગ્યાના સમયે હજીરા એમએમએસ કંપનીમાં ફોરેક્સ ટુ પ્લાન્ટ માં ટુયેર પ્લેટફોર્મમાં રો મટીરીયલ્સની ટ્યુબ ફાટી જતા તેમાંથી નીકળેલું ગરમ રો મટીરીયલ ફોરેક્સ ટુ પ્લાન્ટમાં લિફ્ટમાં જતા અને લિફ્ટમાં હાજર (1) જીગ્નેશ દિલીપકુમાર રહેવાસી અડાજણ સુરત પટેલ (2) ધવલકુમાર નરેશભાઈ રહેવાસી પાટી જવાહર ફળિયુ વ્યારા તાપી જિલ્લો (3) પટેલ સંદીપકુમાર અશોકભાઈ ખાન્ડલ મહુવા કોદાદા સુરત (4) ગણેશ સુરજ બુધ (રહે,બાલાપુર રોડ દશરા નગર સેગાવ બુલદાના મહારાષ્ટ્ર) ના શરીરે પડતાં તેઓ દાજીને મૃત્યુ પામ્યા હતા.તેઓને પી.એમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.ચારેય મૃતકો યુડી એલીવેટર ના કર્મચારી કોઈલ ફાટીને દાઝી જવાથી મોતને ભેટેલા ચારેય કર્મચારી લીફ્ટ મેન્ટેનન્સના માણસો હતા. તેઓ યુડી એલીવેટર કંરનીમાંથી રિપેરીંગ માટે આવ્યા હતા. દરમિયાન કંપનીની બેદરકારીથી ઘટના બનતા ચારેયના વર્ષનો છેલ્લો દિવસ જીંદગીનો છેલ્લો દિવસ બન્યો હતો.
કોના કોના મોત થયા
- ધવલકુમાર નરેશભાઈ પટેલ (ઉ.વ.૨૫, રહેવાસી પાટી જવાહર ફળિયુ વ્યારા),
- ગણેશ સુરેશભાઈ પટેલ (ઉ.વ.૨૮, રહે. બાલાપુર રોડ દશરા નગર સેગાવ બુલ ધાના)
- લીફ્ટ ઓપરેટર, જીજ્ઞેશ દિલીપભાઈ પારેખ (ઉ.વ.૩૮, રહેવાસી અડાજણ સુરત)
- સુપરવાઈઝર અને સંદિપ અશોકભાઈ પટેલ (ઉ.વ.૨૫, ખાન્ડલ મુહવા કોદાદા સુરત)
હાઇ ટેમ્પરેચર હીટિંગ પર લીક્વિડ મેટલ બને છે
AMNS કંપનીના પ્લાન્ટમાં લીક્વિડ મેટલ બનાવવા માટે ધાતુ વિગલન (metallurgical process)ની વપરાશ થાય છે. આ માટે કાચા માલસામાનનું પ્રોસેસિંગ થાય છે. કાચો લોખંડ, કોક, અને ચુનાનો પથ્થર જેવા માલસામાનનો ઉપયોગ થાય છે. આ માલસામાનને મિશ્રિત કરીને મશીનોમાં ટાકવામાં આવે છે. તેને હાઇ ટેમ્પરેચર હીટિંગ કરાય છે. પ્લાન્ટમાં ઉચ્ચ તાપમાનવાળી ભઠ્ઠી (Blast Furnace) દ્વારા ધાતુ ઓગાળવામાં આવે છે. ભઠ્ઠીમાં કોકના દહનથી તાપમાને વધારો થાય છે અને આ પ્રક્રિયામાં લોખંડ ઓગળી જઈ લિક્વિડ મેટલ બને છે.