SURAT

હજીરાના AMNS પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ક્રેઈન તૂટી પડતા એક કામદારનું મોત

સુરતઃ શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AMNS) કંપનીમાં આજે સોમવારે તા. 29 સપ્ટેમ્બરની સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક મસમોટી ક્રેઈન અચાનક તૂટી પડતા એક કામદારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે 3 કામદારોને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હજીરાની AMNS કંપનીના પ્લાન્ટના કોકો ગેટ નજીક દુર્ઘટના બની છે. અહીં એક ક્રેઈન તૂટી પડી હતી. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે. 3 કામદારોને ઈજા થઈ છે. ઘાયલ કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

કંપનીના એક કામદાર આલમગિરી શાહે કહ્યું કે, સવારે 8 વાગ્યે કામદારો પ્લાન્ટ પર પહોંચ્યા હતા. સેફ્ટીને લગતી કાર્યવાહી પુરી કર્યા બાદ દરેક કામદારને કામ પર જવા સાઈન કરાવાયું હતું. સેફ્ટી બેલ્ટ પર કામ કરવા જઈ રહ્યાં હતાં ત્યારે બીજી બાજુથી અવાજ સંભળાયો હતો. પોતાને બચાવવા કામદારો આમ તેમ ભાગ્યા. પરંતુ લોકો જે તરફ દોડ્યા તે તરફ ક્રેઈનનું ટાવર પડતા તેઓ કચડાઈ ગયા હતા. એકનું મોત થયું છે જ્યારે કેટલાંક ઈન્જર્ડ થયા છે.

શાહે વધુમાં કહ્યું કે, અંદાજે 100 લોકો હતા. અમારું 20 જણાનું ગ્રુપ હતું. તે પૈકી ચાર જણા ઘટનાની જગ્યા તરફ દોડ્યા હતા. તેમાંથે ત્રણ ચાર ઈન્જર્ડ થયા છે, એકનું મોત થયું છે. મૃતકનું નામ વિનોદ પાસવાન હતું. તેની ઉંમર 45 વર્ષ છે.

કામદારે વધુમાં કહ્યું કે પ્લાન્ટમાં આઈડિટી સિમેન્ટેશન પ્લાન્ટેશન માટે ઈંટકામ ચાલી રહ્યું છે. ટાવરની અંદર ઈંટકામ થઈ રહ્યું છે. જે ઓપરેટર ક્રેઈન ચલાવતો હતો તેની ભૂલ થઈ હશે. ક્રેઈન ટાવરમાં ફસાઈ હતી. અમે સવારે આવ્યા ત્યારે જ એક જણ ક્રેઈનમાં ફસાયેલો હતો. પણ અમને કોઈ જાણ કરાઈ નહોતી. કંપનીના એન્જિનિયરે કહ્યું કામ પર જાઓ.

AMNS એ નિવેદન જાહેર કર્યું
આર્સલેર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા આ ઘટના મામલે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે અમારી કોક ઓવન પ્રોજેક્ટ સાઇટ, જે અમારા કોન્ટ્રાકટર ITD સિમેન્ટેશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે, ત્યાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું છે. કોન્ટ્રાકટર દ્વારા સંચાલિત ટાવર ક્રેન તૂટી પડતાં ITD સિમેન્ટેશનના એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને અન્ય ત્રણ કર્મચારીઓ ઇજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. કંપની તેમને યોગ્ય સારવાર મળે તેનું ધ્યાન રાખી રહી છે.

Most Popular

To Top