વસ્ત્રો હોય કે એક્સેસરિઝ, હંમેશા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છતાં યુવાવર્ગમાં અત્યારે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાનો ક્રેઝ જોવા મળે છે. આજનો યુવા વર્ગ જેટલો એડવાન્સ્ડ છે એટલો જ પર્યાવરણને લઈને જાગૃત પણ છે, માટે જ આજના વધી રહેલા ગ્લોબલ વોર્મિંગમાં પોતાનું યોગદાન આપવા તેઓ ઇકોફ્રેન્ડલી ફેશન તરફ વળી રહ્યાા છે આજ કારણે સુરતમાં યોજાતા મોટાભાગના મેળાઓમાં પણ ઇકો ફ્રેંડલી વસ્તુઓનો સ્ટોલ તો જોવા મળી જ જાય છે અને આ વસ્તુઓ શરીરને નુકશાનકારક ન હોવાથી સુરતીઓ બિન્દાસ્ત ખરીદી કરતાં જોવા મળે છે, તો કેટલાક યુવાનો તો જાતે જ અમુક વસ્તુઓ બનાવીને પહેરતાં પણ થયા છે, એ જોઈને હાલમાં આકરા ઉનાળામાં શરીરને ઠંડક આપતી આવી વસ્તુઓનો ટ્રેન્ડ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ઇકો ફ્રેંડલી જવેલરી
જવેલરીમાં જોવા જઇએ તો વાંસ, કાપડ, જયૂટ અને સ્ટોનમાંથી બનતા નેકલેસ, ઇયરિંગ્સ, કડાં, હેરિકલપ, માળાઓ અને ફિંગરરિંગ ખૂબ પસંદ કરવામાં આવે છે. જવેલરી પણ ખાસ પસંદ છે. સસ્તી હોવાની સાથે તે સ્ટાઇલિશ પણ છે જેથી તમે કોઇ પણ ડ્રેસ સાથે તેને પહેરી શકો છો. એટલું જ નહીં આ પ્રકારની જવેલરી તમે જાતે પણ ડિઝાઈન કરી શકો છો. ઇકોફ્રેન્ડલી ફેશનમાં ફક્ત જવેલરી કે ડ્રેસીસ જ નહીં જયૂટના ચંપલો પણ પસંદગીમાં અગ્રેસર બની રહ્યા છે.
ઇકો ફ્રેંડલી કપડાં
ઇકો ફેશનમાં આર્ટિફિશિયલ ફાઇબરના બદલે કુદરતી રેસા જેવા સૂતર, લિનન, જયૂટ, ફ્લેકસ વગેરેનો ઉપયોગ થાય છે જેમાં લોકોમાં અવેરનેસ લાવવા માટે ગ્લોબલ વોર્મિંગ માટે ‘સેવ વોટર’ કે ‘ગો ગ્રીન’ જેવા મેસેજ પોતાના કપડાં પર પ્રિન્ટ કરાવીને મેસેજ આપવામાં આવે છે. મોટા ભાગે કપડાં પર કેમિકલથી પ્રિન્ટિંગ કરવામાં આવે છે પણ ઇકોફ્રેન્ડલી ફેશનમાં વેજિટેબલ પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોતા નથી તેમજ ફેબ્રીક પણ પ્યોર કોટા, કોટન વગેરે જ યુઝ કરવામાં આવે છે.