Columns

સંબંધમાં અપેક્ષા હોવું ખોટું છે?

સાચા સંબંધો કદી સાચવવા નથી પડતા હોતા… એવું અનેક વાર આપણે વાંચતા કે સાંભળતા હોઇએ છીએ પણ દરેક વખતે એ વાત સાચી નથી હોતી. એવા સંબંધોની અપેક્ષા રાખવી એ કદાચ વધારે પડતી ગણાય, સાચવવા ન પડે એવા સંબંધો ચોક્કસ હોઇ શકે છે અને હોય છે, એવા સંબંધો જેને મળી શકયા હોય એ ખરેખર નસીબદાર જ કહેવાય, પણ એવા નસીબદાર સંબંધોની સંખ્યા પણ કેટલી? હમણાંના સમયમાં સામાન્ય રીતે સંબંધોને બહુ સાવધાનીથી સાચવવા જોઇએ, સંભાળવા જોઇએ. સંબંધોનું પોત પણ બહુ બારીક હોય છે. એને ફાટી જતાં, તૂટી જતાં વાર નથી લાગતી. એક વાર તૂટી ગયા પછી એને જોડવા બહુ અઘરી વાત બની રહે છે.

સંબંધોને જાળવવા એ પણ એક કળા છે, જીવનની કળા… અને બીજી કોઇ કળા કદાચ નહીં આવડે તો ચાલશે પણ આ જીવનકળા બહુ અગત્યની છે, કેમ કે આ દુનિયામાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે એ વાત સાચી છે પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, દુનિયામાં સાવ એકલા જીવી શકાતું નથી. કોઇની હૂંફની, પ્રેમની જરૂર પડે છે અને એ સ્નેહ, એ હૂંફ સંબંધો સિવાય કયાંથી મળી શકવાના? આજે સ્ત્રી પણ પુરુષ જેટલું જ શિક્ષણ મેળવીને તેની જેમ જ બહાર કામ કરતી થઇ છે. આર્થિક રીતે સ્વતંત્રતા મેળવ્યા પછી એને પોતાની સ્વતંત્ર, આગવી ઓળખની તરસ જાગી છે. આજે એ પોતાના સ્વતંત્ર અસ્તિત્વની તલાશ કરી રહી છે. કદીક કોઇને સફળતા મળે છે, કદીક એના પ્રયાસો અવળી દિશામાં જઇ ચડે છે અને નાકામ બની રહે છે.

આવી જ એક વાત જોઇએ.

દેશના અને આદેશની. દેશના સી.એ. થયેલી આધુનિક યુવતી હતી. પહેલેથી જ તે બિન્દાસ સ્વભાવની હતી. ભણવામાં તેજસ્વી હતી. વિચારોમાં આધુનિક હતી. એ એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે તેના ઘરમાં માતાપિતાને કહી દીધું હતું કે તેને માટે છોકરા શોધવાની મહેનત ન કરે. તેણે જાતે જ નેટ પર સર્ચ કરીને સી.એ. થયેલો છોકરો શોધી કાઢયો છે. નેટ પર ચેટિંગ કર્યા પછી બંનેને લાગ્યું કે બન્ને એકબીજાને અનુકૂળ થઇ શકશે. બંને મળ્યાં. બંનેને ગમ્યું. બંનેનાં કુટુંબ મળ્યાં. બધાંની મંજૂરી સાથે ધામધૂમથી લગ્ન થયા. દેશનાએ પહેલેથી કહી દીધું કે એ નોકરી છોડશે નહીં.

દેશના સાસરે આવી, ઘરમાં આદેશ એકનો એક દીકરો હતો. ઘરમાં માતાપિતા સિવાય બીજું કોઇ હતું નહીં. આદેશના પિતાની પણ સારી જોબ હતી. આદેશની મમ્મી આજ સુધી ઘર સંભાળતી હતી અને દીકરાના લગ્ન પછી અર્થાત્‌ ઘરમાં વહુ આવ્યા પછી પણ તેને ઘર સંભાળવામાં કોઇ પ્રોબ્લેમ ન હતો છતાં પણ રસોઇ કરવા માટે મહારાજ રાખી લીધો. જેથી આદેશનાં મમ્મી અલકાબેન પર કોઇ બોજ ન આવે. બીજાં બધાં કામ માટે તો બાઇઓ હતી જ. ફકત ઘરનું મેનેજમેન્ટ કરવાનું અલકાબેનના ભાગે આવતું પણ તેઓ હોંશથી કરતાં. બધું બરાબર ગોઠવાઇ ગયું હતું. જીવન સરળતાથી વહી રહ્યું હતું. લગ્નનાં ત્રણ વરસ પૂરાં થયાં હતાં. હવે આદેશનાં માતા-પિતા દાદા-દાદી બનવા આતુર થયાં હતાં. આદેશને પોતાને પણ બાળકની ઇચ્છા હતી. આદેશને હતું કે હવે દેશનાને પણ સ્ત્રીસહજ ઇચ્છા હશે જ મા બનવાની. આદેશે તે રાત્રે દેશના સાથે વાત કરી. પોતાની તથા મમ્મી-પપ્પાની ઇચ્છા વ્યકત કરી. પણ દેશનાએ તો ચોખ્ખી ના પાડી દીધી. સોરી આદેશ, મને મા બનવાની કોઇ ઇચ્છા નથી. આદેશ તો સ્તબ્ધ જ બની ગયો. પણ કેમ દેશના?

આદેશ હું સામાન્ય સ્ત્રીઓ જેવી નથી. એ તો તને આપણા સહવાસ પછી સમજાઇ જ ગયું હશે. સ્ત્રીએ મા બનવું જ જોઇએ એવું હું બિલકુલ માનતી નથી. મારે મારી કરિયર પહેલાં પછી બીજું બધું. પણ આમાં કરિયર કયાં વચ્ચે આવે છે? બાળકનું ધ્યાન રાખવા માટે ઘરમાં મમ્મી-પપ્પા છે જ અને તેઓ તો હોંશે હોંશે એ કામ કરશે. તારે નોકરી છોડવાની કોઇ જરૂર નથી. કહ્યું ને- મારે છોકરાં નથી જોઇતાં અને બીજા માટે છોકરા જણવાની મને કોઇ હોંશ નથી.

દેશના, તું આ કેવો બકવાસ કરી રહી છે? સાચી વાતને બકવાસ ગણવો હોય તો તારી ઇચ્છા! દેશનાનું આ રીતનું બોલવું આદેશને આઘાત સિવાય બીજું શું આપે? છતાં તેણે આશા છોડી નહીં. થોડા સમય પછી દેશનાને હું ફરી સમજાવીશ એમ વિચારી શાંત થઇ ગયો. પણ આદેશની એ ધારણા ખોટી પડી. દેશના પોતાની વાતમાં કોઇ બાંધછોડ કરવા તૈયાર નહોતી. ‘હું એકવીસમી સદીની સ્ત્રી છું, મારું  પોતાનું સ્વતંત્ર વ્યકિતત્વ છે, હું પણ તારા જેટલી જ ડિગ્રી ધરાવ છું. તારા જેટલું જ કમાઉં છું, તારે અને તારા કુટુંબને બાળક જોઇએ છે એટલે મારે અનિચ્છાએ પણ મા બનવું, એ બધી પીડા સહન કરવી એ બધા માટે હું બિલકુલ તૈયાર નથી.’ આદેશ તો આ સાંભળી ડઘાઇ જ ગયો. હવે ઘરમાં માતા-પિતાને પણ દેશનાના આ વલણની જાણ થઇ અને તેમને પણ સખત આઘાત લાગ્યો.

દેશના કોઇ રીતે માને એવી હતી નહીં- શું કરવું? માતા-પિતા આદેશને કહેવા લાગ્યા બીજા લગ્ન કરી દે. પણ આદેશ દેશનાને ખૂબ પ્રેમ કરતો હતો. છૂટાછેડા લઇ બીજા લગ્ન કરવા તૈયાર ન હતો. શું કરવું ઘરમાં કોઇને સમજાતું નહતું. કોકડું આજે પણ ગૂંચવાયેલું છે. આદેશે મન મનાવી લીધું છે. દેશનાનું મન કદીક બદલાશે એવી આશા રાખીને. તો વાચકમિત્રો! આવી કોઇ વાત સાંભળવા મળે છે ત્યારે થાય છે આવા નારીવાદનો કોઇ અર્થ ખરો? સંબંધો બાંધ્યા પછી લગ્નસંસ્થા પતિ-પત્નીના પ્રેમના પ્રતીક તરીકે કુટુંબમાં બાળકનું આગમન દરેક પરિવાર ઇચ્છે છે. આધુનિકતા કેટલી વાજબી? દેશનાની વાત યોગ્ય ગણી શકાય? લગ્ન પહેલાં જ તેણે આદેશને પોતાના વિચારો કહી દીધા હોત તો? આદેશ તેની સાથે લગ્નગ્રંથિથી જોડાતે? લગ્ન સાથે બાળકની વાત આપોઆપ જોડાઇ જ જતી હોય છે ને?

સ્ત્રી હોય કે પુરુષ જેના પણ મનમાં એવી કોઇ વાત હોય તો લગ્ન પહેલાં જણાવી દેવી જ જોઇએ. જેથી સંબંધનો સેતુ તૂટવાની નોબત ન આવે. દામ્પત્યજીવનને સુમેળભર્યું રાખવા માટે એ ખૂબ જરૂરી છે. બંને પાર્ટનર એકબીજાને સમજે- અહમ્‌ને ત્યાગે- યોગ્ય વાત સ્વીકારવામાં જ કુટુંબની પ્રસન્નતા સમાયેલી છે.
સુવર્ણરજ
સાચવવા કદી પડતાં નથી સાચા હોય જો સંબંધો,
પડે છે સાચવવા, તે સંબંધો કયાં હોય છે સાચા?

Most Popular

To Top