દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં કપિલ શર્માના કૅપ્સ કાફેમાં થયેલા ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગોળીબારમાં સામેલ મુખ્ય શૂટર બંધુ માન સિંહ સેખોનની દિલ્હીમાં ધરપકડ કરી છે. સેખોન ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને ગોલ્ડી ધિલ્લોન સાથે સીધો સંપર્ક ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ ગોળીબારની ઘટના કેનેડામાં કપિલ શર્માના કાફે પર થઈ હતી. જેમાં ભાગ લેવામાં આવેલા શૂટર બંધુ માન સિંહ સેખોન ઘટનાના થોડા સમય પછી જ ભારત ભાગી ગયો હતો. દિલ્હી પોલીસને મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને ખાસ ઓપરેશન ચલાવીને પકડી પાડ્યો. ગોળીબારની ઘટનાને લઈને કેનેડિયન એજન્સીઓ પણ સખત તપાસ કરી રહી હતી અને હવે સેખોનની ધરપકડ બાદ બંને દેશોની તપાસને નવો દિશા-માર્ગ મળ્યો છે.
ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ
તપાસમાં જાણવા મળ્યું છે કે સેખોન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલો હતો. ઉપરાંત તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોનનો પણ નજીકનો માણસ હતો. ગોળીબારની પાછળનું મોટું કાવતરું અને ટાર્ગેટ શું હતું તે જાણવાની દિશામાં દિલ્હી પોલીસ સખત પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સેખોન કેનેડામાં ગોળીબાર કરી તરત જ ભારત પરત આવ્યો હતો. જેથી તેને પકડવું મુશ્કેલ બન્યું પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ અને ઈનપુટના આધારે તેને દિલ્હીમાં ઝડપી લેવામાં આવ્યો.
દિલ્હી પોલીસ સેખોનના મોબાઈલ, આર્થિક વ્યવહાર અને ગેંગ સાથેના સંપર્કોની તપાસ કરી રહી છે. બંધુ માન સિંહ સેખોનની ધરપકડથી આ સમગ્ર ગેંગ નેટવર્ક પર અસર પડશે અને આવતા દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે.