આજે શહેરો રોકેટ ગતિએ ગ્રામ્ય વિસ્તાર ભણી આગળ વધી રહ્યાં છે. ત્યારે આવા સમયે પણ ગ્રામ્ય વિસ્તારનો અચૂક ધબકાર તમને મહુવા તાલુકામાં જોવા મળે. ચોમાસામાં તો આ તાલુકાની સહેલગાહે નીકળો તો મોજ જ મોજ પડે. અહીંનું ગ્રામ્ય જીવન શહેરની ભાગદોડની તુલનામાં આજે પણ એકંદરે સુખી છે. વળી, ખેતી ક્ષેત્રે આવેલી ક્રાંતિને કારણે મહુવા તાલુકાનાં ગામો વિકાસની દોડમાં આગળ વધી રહ્યાં છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ જેવું નહીં હોય. ‘શહેર કે નગરથી ઠીક ઠીક નાનું અને નેસથી મોટું બાંધેલાં મકાનોવાળું વસાહતી સ્થાન’ એટલે ગામડું. જ્યાં ઘણાં થોડાં ઘર અને થોડાં માણસની વસતી હોય. જો કે, આજના સિમેન્ટ કોંક્રીટનાં જંગલોની બોલબાલા વચ્ચે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ એ પ્રકારના મકાનો બનવા લાગ્યાં છે. રસ્તા, વીજળી અને પાણીની સુવિધાઓ મળતી થઈ છે.
એવું જ એક ગામ એટલે મહુવા તાલુકામાં આવેલું બિલખડી. જે તેનો ભવ્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. આઝાદી અગાઉ આ વિસ્તાર ગાયકવાડ સરકારના વડોદરા રાજ્યના નવસારી પ્રાંતમાં મહુવા મહાલમાં સમાવિષ્ટ હતો. આ ગામ સુરતથી 53 કિ.મી. અને મહુવા તાલુકાથી 10 કિ.મી. દૂર આવેલું છે. બિલખડી ગામ બારતાડ, વાછાવડ, ફૂલવાડી, દેદવાસણ, ખરવાણ આ પાંચ ગામની હદને અડીને આવેલું ગામ છે. બિલખડી ગામના કુલ 9 ફળિયાંનો સમાવેશ થાય છે, જેમાં કુલ 8 વોર્ડ છે. આ ગામમાં મોટા ભાગની વસતી આદિવાસી સમાજની છે.
ગામમાં સૌથી વધારે વસતી ઢોડિયા પટેલ જાતિના લોકોની હોવાથી મુખ્યત્વે લોકો ઢોડિયા ભાષા અને ગુજરાતી બોલી બોલે છે. તેમજ ગામનો મુખ્ય પહેરવેશ ધોતી કુર્તા, કફની, પાયજામો, સાડી, પેન્ટ અને શર્ટ છે. અહીં કોઈપણ તહેવાર હોય એમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક તેમને જોવા મળે જ મળે. ગામના યુવાનો ભણીગણીને પણ આગળ વધ્યા છે. જો કે, અંગ્રેજીકરણની હોડમાં આજે આગળ વધતા યુવાનો પોતાની સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ જોવા મળે છે. જેને કારણે પોતાની બોલી અને રહેણીકરણી આજે પણ અકબંધ જોવા મળે છે. વળી, શિક્ષણનું સ્તર પણ સારું હોવાથી લોકો ભણીગણીને સારી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. ગામના કેટલાક યુવાનો ગામના વિકાસ માટે ઉમદા ફાળો આપી ગામનું ઋણ પણ ચૂકવી રહ્યા છે. ત્યારે આવી એકરાગીતાને કારણે જ ગામ વિકાસને વળ્યું છે.
ગામની કુલ વસતી અને તેનું વર્ગીકરણ
સરકારની વિવિધ યોજના થકી આજે આ ગામને અનેક સુવિધાઓ મળી છે. જે તેના ઉત્તમ વહીવટનો પણ નમૂનો ગણી શકાય. બિલખડી ગામની કુલ વસતી 1687 જેટલી છે. જે પૈકી 870 પુરુષ અને 817 મહિલાની વસતી છે. બિલખડી ગામે 97 % વસ્તી અનુસૂચિત જનજાતિ અને 1% વસતી અનુસૂચિત જાતિ અને 2 % જનરલ કેટેગરીના લોકો વસે છે, જેમાં ઢોડિયા પટેલ, ઘાંચી, દેસાઇના કુલ મળી ગામમાં 499 જેટલાં કુટુંબ વસવાટ કરે છે.
ગામનો મુખ્ય વ્યવસાય ખેતી
આજે ઔદ્યોગિક ક્રાંતિ આવતાં રોજગારીની વિવિધ તકો ઊભી થઈ છે. પરંતુ ભારતમાં આજે પણ કૃષિની ગણના મુખ્ય વ્યવસાયમાં થાય છે. વળી, કૃષિ ક્ષેત્રે આધુનિક સંશોધનો પણ ખેતઉપજમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. છેવાડાના મહુવા તાલુકામાં આંબાવાડીઓની ભરમાર છે. ત્યારે ખેતીલાયક જમીનના કુલ વિસ્તાર 274-07-89 હે.આરે. ચો.મી.માં સમાવેશ પામતા બિલખડી પણ કૃષિ થકી આગળ વધતું ગામ છે, જેમાં મુખ્યત્વે પાકોમાં શેરડી, ડાંગર અને અલગ અલગ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. અહીં સિંચાઇના સ્ત્રોતો કૂવા, નહેર અને બોરને કારણે પણ કેટલાક ખેડૂતો બારેમાસ ખેતી કરી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે.
ગ્રામ પંચાયત બિલખડી
સરપંચ: વિજયભાઇ અરવિંદભાઇ નાગર
ઉપસરપંચ: ભીખુભાઇ બાબુભાઇ પટેલ
તલાટી કમ મંત્રી: પ્રિયંકાબેન નરેશભાઇ પટેલ
પંચાયત સંબંધી સુવિધાઓનું મૂલ્યાંકન
-ગામે ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા છે
-ગ્રામ પંચાયત કચેરી ખાતે ઇ-ગ્રામ સેન્ટર માટે અલગ રૂમની સુવિધા છે
-કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનરની તમામ સુવિધા
-ગ્રામ પંચાયતમાં ડિજિટલ સેવાને લગતી તમામ સેવાઓ આપવામાં આવે છે
હવે પછીનું આયોજન
એક સમય હતો જ્યારે વિકાસ ક્યાંય સુધી ડોકાતો ન હતો. પરંતુ છેલ્લા દાયકામાં જે પરિવર્તન આવ્યું છે એના કારણે ગામડાંની પણ કાયાપલટ થઈ રહી છે. આજે ઘણાં ગામોમાં તો શહેરની શેરીઓ કરતાં પણ સારી સુવિધા છે. એ જ બતાવે છે કે કુશળ વહીવટકર્તાઓ હોય તો શું નહીં કરી શકાય. બિલખડી ગામે પણ અન્ય ગામો માટે નવી રાહ ચીંધી છે. આગામી દિવસોમાં પણ સરપંચ વિજયભાઈ નાગર અને તેમની ટીમ ગામના વિકાસ માટે કટિબદ્ધ છે. આગામી દિવસોમાં આ ગામમાં WI-FI ઇન્ટરનેટની સુવિધાનું આયોજન કરાયું છે. એ સાથે ગ્રામ પંચાયતના આકારણી અને માંગણા રજિસ્ટ્રરનું સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરી કોમ્પ્યૂટરાઇઝેશનની કામગીરી પ્રગતિમાં છે. માંગણાં બિલો કોમ્પ્યૂટરાઇઝ કાઢવાનું આયોજન છે. એ સિવાય પણ ગામમાં વિકાસકીય કામો કરવામાં આવશે.
મે.જિલ્લા ખેતીવાડી અધિકારીની બિલખડી ગામે રાત્રિ સભાની મુલાકાત સમયે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ મે.જિ.ખે.અધિકારી અને તા.પં.સભ્ય, સરપંચ દ્વારા દીપ પ્રાગટ્ય.
મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન
બિલખડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીમાં બલીદાન આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તા.15 ઓગસ્ટે 10 સ્વાતંત્ર્યસેનાનીના પરિવારને સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમ માટે તાલુકાના નોડલ અધિકારી સી.આર.દળવી, હિસાબી અધિકારી, જિલ્લા પંચાયત, સુરત, એચ.એ.શેખ-મામલતદાર-મહુવા અને તાલુકા વિકાસ અધિકારીનું માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમને બિલખડી ગામના તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ કે.પટેલ-મુખ્ય મહેમાન, સરપંચ વિજયભાઈ એ.નાગર અને તમામ ગ્રામજનો, સ્કૂલનાં બાળકો, શિક્ષક મિત્રોએ સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે પ્રથમ તો શીલફલકનું અનાવરણ કરવામાં આવું હતું. ઉપરાંત તમામ મહેમાનો દ્વારા 75 વૃક્ષનું રોપાણ કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સવલતોની ઝાંખી
શિક્ષણ વિનાનો માણસ પશુસમાન છે એવી કહેવત એમેય નથી પડી. આજે શિક્ષણનું મૂલ્ય લોકોને સમજાઈ રહ્યું છે. વર્ષો પહેલાં બે-ચાર ચોપડી ભણો એટલે ભયોભયો ને નાનાસરખા કામધંધે જોતરાઈ જવાનું. કુટુંબ માટે આર્થિક આધારસ્તંભ બનવાનું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ શિક્ષણની અવહેલના આજના ટેક્નોલોજીના યુગમાં સહેજ પણ ચાલે નહીં. જો કે, બિલખડી ગામના વડવાઓને તો શિક્ષણનું મહત્ત્વ કેટલું છે એ વર્ષો પહેલાં જ સમજાઈ ચૂક્યું હતું. અને એના સારાં પરિણામો પણ મળ્યાં છે. વર્ષ 1907માં અહીં પ્રાથમિક શાળાનો પાયો નંખાયો ને એ પછી તો બિલખડીના અનેક મહાનુભાવો ભણીગણીને આગળ વધ્યા. આ શાળામાં કુલ ઓરડાની સંખ્યા 9 છે, જેમાં ધો.1થી 8માં કુમારની સંખ્યા 38 અને કન્યાની સંખ્યા 41 છે. સાથે કુલ 5 શિક્ષક ફરજ બજાવે છે. 116 વર્ષની મજલ શિક્ષણ ક્ષેત્રે આ પ્રાથમિક શાળાએ કાપી છે. પરંતુ આજે શિક્ષણના સ્પર્ધાત્મક યુગમાં હજુ વધુ સવલતની જરૂર છે. આ શાળઆના આચાર્ય તરીકે ભાવનાબેન ધીરૂભાઈ પટેલ તા.1-7-2017થી સેવારત છે. એ સિવાય આ ગામમાં હાઇસ્કૂલની પણ સુવિધા છે. એનો પાયો છેક સને-1987માં સમસ્ત ઢોડિયા સમાજ દ્વારા નાંખવામાં આવ્યો હતો. સ્થાનિક બાળકોને ઘરઆંગણે જ સુવિધા મળી રહે એ માટે ગામના આગેવાનોએ શાળા શરૂ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ શાળામાં સ્કૂલના અધ્યક્ષ તરીકે દિલીપભાઈ, મંત્રી તરીકે દિનેશભાઇ કે.પટેલની આગેવાનીમાં સારી કામગીરી થઈ રહી છે. બિલખડી હાઇસ્કૂલમાં કુમારની સંખ્યા 77 અને કન્યાની સંખ્યા 53 છે. જ્યારેન કુલ 7 શિક્ષક દ્વારા 5 ઓરડામાં શિક્ષણની જ્યોત જગાવવામાં આવી રહી છે.
આંગણવાડીમાં થાય છે પાયાનું ઘડતર
બાળકો શિક્ષણ તરફ વળે એ માટે સરકાર દ્વારા આંગણવાડીનો પ્રારંભ કરાયો હતો. જેના થકી બાળપણથી પાયો પાકો થાય. બિલખડી ગામે 3 આંગણવાડી કેન્દ્ર આવેલાં છે. જ્યાં નાનાં ભૂલકાંઓને જ્ઞાનનું સિંચન કરાવવામાં આવે છે. જેમાં કુમારની સંખ્યા 40 અને કન્યાની સંખ્યા 21 છે. આ બાળકોને અઠવાડીક આપવામાં આવતા પૌષ્ટિક આહારમાં મૂઠિયા, થેપલા, દૂધ, ફળ, વેજિટેબલ પુલાવ અને ચણાનો સમાવેશ થાય છે.
ગામના વિકાસ માટે હવે પછીના આયોજનની રૂપરેખા
ગામમાં wi-fi સુવિધા ઉપલબ્ધ કરાવાશે
સ્વચ્છતાલક્ષી અભિયાનમાં લોકભાગીદારી વધારાશે
મુખ્ય રસ્તા પર cctv camera લગાવાશે
LED સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવાનું પ્લાનિંગ
૧૦૦ ટકા સાક્ષરતા પ્રાપ્ત થાય તે અંગે લોકોને જાગૃત કરવાનું આયોજન
ગામને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ બનાવવા સ્વચ્છતાલક્ષી કામગીરીનું આયોજન
પુસ્તકાલય (લાઇબ્રેરી)ની સુવિધા પૂરી પાડવા માટેનું પ્લાનિંગ
ઘનકચરાના નિકાલ માટે ડોર ટુ ડોરની કલેક્શનની કામગીરી થશે
ગામના બેરોજગાર લોકોને ૧૦૦ ટકા રોજગારી આપવા અંગેનું આયોજન
તમામ નાગરિકોને ૧૦૦ ટકા બેંકમાં જનધન ખાતું ખોલાવાશે
ગામમાં તમામ ફળિયાને જોડતા બાકી રસ્ત્તાને પૂર્ણ કરવાનું આયોજન
ગામને ગંદકીમુક્ત બનાવવાની દિશામાં પ્લાનિંગ
બિલખડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી
ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીના સર્જન માટે ખેતી મુખ્ય આધાર છે. પરંતુ ખેતીની સાથે સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય આજે પણ ઘણાં ગામોમાં જોવા મળે છે. જેમની પાસે ચારાની ઉત્તમ સગવડ છે એ પશુપાલકો તો મોટાપાયે આ વ્યવસાય કરે છે. બિલખડીએ પણ આ પરંપરા જાળવી રાખી છે. જેને કારણે 3/1/1974ના રોજ બિલખડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆત નાના પાયે થઈ હતી. પરંતુ આજે આ વ્યવસાય ગામના ઘણા નાનાથી માંડીને મોટા પશુપાલકો માટે આર્થિક ઉપાર્જનનું માધ્યમ બની ગયો છે. હાલમાં આ મંડળીમાં પ્રમુખ તરીકે દિનેશભાઇ ખંડુભાઇ પટેલ સેવા આપી રહ્યા છે. જેમના કારણે ખેડૂતોને દૂધનો સારો એવો ભાવ મળી રહ્યો છે. આ મંડળીના વિકાસ માટે સ્વ.અમિતભાઇ એન.નાગરનો પણ ફાળો રહ્યો હતો. હાલમાં આ મંડળીમાં કુલ સભાસદોની સંખ્યા 540 છે. જ્યારે વાર્ષિક દૂધનું વેચાણ 974650 લીટર થાય છે અને એ થકી આ મંડળીની વાર્ષિક દૂધની આવક 3,47,47,128 રૂપિયા થાય છે. આ મંડળીના ઉત્તમ વહીવદારો થકી હજુ પણ પ્રગતિનાં સોપાનો સર કરશે એમાં કોઈ મીનમેખ નથી.
ગરીબો માટે ઘરઆંગણે જ રાહત દરના રાશનની સુવિધા
આજે રોજગારી વધી છે એ તો સાચું પણ ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ આજે પણ ડામાડોળ છે. આવા લોકો આર્થિક રીતે પરિવારનું ગુજરાન ચલાવી શકે એ માટે વર્ષોથી રાહત દરના અનાજનું વિતરણ કરવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે તો આ યોજના સંજીવનીસમાન છે. બિલખડી ગામના અંત્યોદય ગરીબ પરિવારોને અનાજ વિતરણની સુવિધા ઘરઆંગણે જ પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ ગામમાં કુલ રેશનકાર્ડધારકોની સંખ્યા 525 છે. જ્યારે કુલ અંત્યોદય કાર્ડધારકોની સંખ્યા 77 છે. તો બી.પી.એલ. કાર્ડ ધરાવતા હોય એવા 318 પરિવાર છે. તો 130 પરિવારનો એ.પી.એલ. કાર્ડમાં સમાવેશ થાય છે.
પાણીના વિવિધ સ્ત્રોતો
બિલખડી ગામે લોકોને પીવાના પાણી માટેની સુવિધા સારી છે. અહીં બોર વિથ હેન્ડપંપ તેમજ મીની ટાંકી, ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવ્યો છે. તેમજ ગામમાં 370 ઘરને નળ દ્વારા પાણી મળી રહે છે અને બાકીના કુટુંબોને બોર વિથ હેન્ડપંપ દ્વારા પાણી મળી રહે છે. ગામનાં 8 ફળિયાંને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે અને બાકીનાં ઘરોને બોર થકી પાણી મળી રહે છે.
રસ્તાની ઉત્તમ સવલત
આઝાદીનાં વર્ષો પછી પણ ક્યાંય સુધી વિકાસની ઝાંખી પણ પહેલાં લોકોને નસીબ ન હતી. પરંતુ છેલ્લાં 10 વર્ષમાં વિકાસના ઘણાં કામો થયાં છે અને આ વિકાસયાત્રા અવિરત જારી રહે એ પ્રમાણેનું આયોજન બિલખડી ગામના આગેવાનો અને ગ્રામજનોના સહકારથી થઈ રહ્યું છે. હાલ આ ગામમાં રસ્તા અને પેવર બ્લોકની સુવિધા છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો નથી પડતો. વાહન વ્યવહારમાં લોકોને સરળતા રહે છે. બિલખડી ગ્રામ પંચાયતના લોકસહયોગ અને લોક ભાગીદારીનાં કામ આજે ઊડીને આંખે વળગે છે. બિલખડી ગામે પટેલ ફળિયામાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પેવર બ્લોકનું કામ કરાયું છે.
બિલખડી ગામની મનરેગા યોજનાની વિગત
કુલ જોબ કાર્ડની સંખ્યા: 282
કુલ વર્કરની સંખ્યા: 742
એક્ટિવ જોબધારકોની સંખ્યા:67
એક્ટિવ વર્કરોની સંખ્યા:74
મનરેગા હેઠળ વર્ષ 2021-2022માં થયેલો કુલ ખર્ચ:110000
સ્વચ્છતા અભિયાનને વેગવાન બનાવવા માટે યુવાઓ કટિબદ્ધ
વર્ષો પહેલાં કહેવત હતી કે, ગામ હોય ત્યાં ઉકરડો. પરંતુ સમય બહુ ગતિશીલ છે. આજે મોટા ભાગના ગામડાંમાં તમને સ્વચ્છતા જોવા મળે છે. વડાપ્રધામ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજપથ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીના અવસરે ભારત તેમને સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે છે એવું આહવાન કર્યુ હતું. ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ હતી. આ પહેલાં પણ સ્વચ્છતા માટે પહેલ તો કરાતી જ હતી, પરંતુ યુવાઓમાં આવેલી જાગૃતિને કારણે સ્વચ્છ ભારતની દિશામાં બિલખડીએ એક પગલું ઉપાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સફાઈ અભિયાન શરૂ કર્યુ. પ્રધાનમંત્રીએ ગંદકી સાફ કરવા માટે ઝાડું પકડતાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં એક જન આંદોલન બની ગયું. તેમણે ‘ન ગંદકી કરીશું ન કરવા દઈશું’ એવો મંત્ર આપ્યો હતો. આજે ગ્રામ પંચાયતની કુશળ શાસકો અને યુવાઓ થકી આ ગામ સ્વચ્છ જોવા મળી રહ્યું છે. આ અભિયાન હજુ પણ વેગવાન બનાવવા માટે યુવાઓ કટિબદ્ધ છે.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા રમતનું આયોજન
રમતગમત ક્ષેત્રે સરકાર દ્વારા પ્રોત્સાહન મળતાં આજે એવા ઘણા રમતોત્સવ થાય છે, જેનાથી ખેલાડીઓની પ્રતિભા બહાર આવે છે. ખેલાડીઓમાં રહેલા હુનરને કારણે આજે ગામડાંનાં બાળકો પણ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી રહ્યાં છે. ડાંગની સરીતા ગાયકવાડ અને મુરલીના દાખલા કંઈ જૂના નથી. મહુવા તાલુકામાં પણ આવા તેજસ્વી ખેલાડીઓ બહાર આવે એ માટે વિવિધ સ્પર્ધા યોજાય છે. જેમાં બિલખડી હાઇસ્કૂલ હમણા જ રમતગમતનું કુશળ આયોજન કરવાનો જશ ખાટી ગઈ. ગાંધીનગરની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ સુરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા પ્રેરિત SGFI દ્વારા તાજેતરમાં જ બિલખડી હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદઘાટન સમારોહ બિલખડી વિભાગ કેળવણીમંડળના સ્થાનિક વહીવટી સમિતિના અધ્યક્ષ દિલીપભાઈ પટેલના પ્રમુખ સ્થાને તેમજ મંત્રી દિનેશભાઈ પટેલના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ પ્રસંગે મહેમાનો અને આચાર્ય, વ્યાયામ શિક્ષકોનું સ્વાગત શાળાના આચાર્ય અજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને ખેલદિલીની ભાવના અને શિસ્તમાં રહી પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે આહવાન કર્યું હતું. આ રમતનું આયોજન શાળાના વ્યાયામ શિક્ષક દિલીપભાઈ પટેલ, ગિરીશભાઈ પરમાર, મહેશભાઈ પટેલ, વિજયભાઈ વાનાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અંડર-14, 17 અને 19 વય જૂથમાં કુલ 267 ભાઈ અને
207 બહેન મળી કુલ 474 ખેલાડીએ દોડ, ફેંક અને કૂદની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમણે પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે એ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ મહુવા તાલુકાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ સ્પર્ધામાં બિલખડી વિભાગ કેળવણી મંડળ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. શાળાના શિક્ષક રણજીતભાઈ ચૌધરી, મિહિરભાઈ પંડિત અને તેમની ટીમની મહેનતને કારણે આ સુંદર આયોજન પાર પડ્યું હતું. આ વેળા શાળાના પ્રિપ્લાનિંગ આયોજનની નોંધ ઉપર સુધી લેવાઈ હતી અને આગામી દિવસોમાં પણ આવી કામગીરી થતી રહેશે એવો સ્પર્ધામાં હાજર રહેલા આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નાગર પરિવાર રાજકીય ક્ષેત્રે આગળ
સરપંચ વિજયભાઈ અરવિંદભાઈ નાગર તા.17-1-2022થી સરપંચ તરીકે ફરજ બજાવે છે. તેઓ કહે છે કે, આ ગામમાં મારા પિતાજીએ સરપંચ તરીકે 10 વર્ષ અને મારાં ભાભીએ 5 વર્ષ આમ એક જ ઘરમાંથી કુલ 15 વર્ષ સુધી ગામના લોકોની સેવા ખૂબ સુંદર રીતે કરી છે. આજે પણ આખું ગામ મારા પિતાજીની સેવા વિશે વાતો કરે તો ઘણો આનંદ અનુભવું છું અને મને પણ મારા પિતા જેવું કામ કરવાની પ્રેરણા મળી. સેવા કરવા માટે મને હિંમત આપી. ચાર્જ લીધા બાદ ઘણી જવાબદારી વધી ગઈ. પહેલાં તો થોડું અઘરું લાગ્યું. કેમ કે નવા નવા પ્રશ્નો અને મુશ્કેલી ઊભી થઈ. પણ ગામના વોર્ડ સભ્યો અને તલાટી કમ મંત્રીના સહયોગથી ધીરે ધીરે બધા પ્રશ્નો હલ થતા ગયા. દર મહિને પંચાયતમાં માસિક મિટિંગમાં તમામ સભ્યો સાથે ભેગા મળી ગામના વિકાસનાં બાકી કામો તેમજ ખૂટતી સુવિધા માટેનું આયોજન કરીને તેને પૂર્ણ કરવા માટે આયોજન કરીએ છીએ. ગામમાં લોકોને પીવાના પાણીની સુવિધા માટે બોર વિથ હેન્ડપંપ, મીની ટાંકી, સમ્પ બનાવ્યા, પાકા ડામર રસ્તા, પેવર બ્લોક બેસાડ્યા, ગટરલાઇન બનાવી તેમજ ગામના લોકોને ખેતીવાડીના ઓજારો તેમજ બિયારણના લાભ મળે એ માટે સતત લોકોના સંપર્કમાં રહી માહિતી આપી. જે કાચાં મકાન બાકી રહી ગયા છે તેવા લાભાર્થીઓને આવાસનો લાભ મળે એ માટે તમામ પ્રયત્નો કર્યા છે જેથી આવનાર સમયમાં તેમને પણ આ યોજનાનો લાભ મળી રહે. કોઈ વંચિત ના રહી જાય. જે વૃદ્ધ અને વિધવા બહેનો છે તેમની યાદી બનાવી, બાકી હોય તેમને જાણ કરી સમજૂતી આપવાની કામગીરી કરી છે.
બિલખડી સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યને બેસ્ટ યોગ ટ્રેનરનો એવોર્ડ પણ મળ્યો છે
શ્રી સમસ્ત ધોડિયા સમાજ તથા બિલખડી વિભાગ કેળવણીમંડળ સંચાલિત સાર્વજનિક હાઇસ્કૂલ, બિલખડીમાં ફેબ્રુઆરી-2004થી આચાર્ય તરીકે અજયકુમાર ધીરુભાઈ પટેલ (M.Sc.B.Ed.)નિયુક્ત થયા હતા. શાળાનું બોર્ડનું પરિણામ ઘણું નબળું આવતું હતું. પરંતુ અજયભાઈ પટેલ આચાર્ય તરીકે નિયુક્ત થયા બાદ શાળાનું પરિણામ ઉત્તરોત્તર સુધરતું ગયું. શાળામાં માધ્યમિક વિભાગના ધોરણ-8-9-10ના એક એક વર્ગ હતા. આચાર્ય અજયભાઈ પટેલના પ્રયત્નોથી જૂન-2015થી ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ શરૂ કરવામાં આવ્યો. આમ, હાલ શાળા ધોરણ-9થી 12નું શિક્ષણ મફત આપવામાં આવે છે.
શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ કેળવાય એ માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમૂહ નૃત્ય, નાટક, એકપાત્રીય અભિનયની તાલીમ આપવામાં આવે છે. કલાની પ્રવૃત્તિઓ ચિત્રકામ વેસ્ટમાંથી માટે બેસ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ કરવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે કબડ્ડી, ખોખો, ક્રિકેટ જેવી રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ, ધીરજ, સમર્પણ સાહજિકતા, સાલસતા, સાહસ જેવા ગુણો વિકસાવવામાં આવે છે. શાળામાં 2006થી આચાર્ય અજયભાઈ પટેલ દ્વારા દર શનિવારે યોગ, આસન, પ્રાણાયામ આયુર્વેદનો દૈનિક જીવનમાં ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવે છે. કરાટેના વર્ગ રણજીતભાઈ ચૌધરી દ્વારા ચલાવવામાં આવે છે. શાળાના આચાર્યને 21મી જૂન-2023ના રોજ સુરત ખાતે યોજાયેલા ગુજરાત રાજ્ય સરકારના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બેસ્ટ યોગ ટ્રેનરનો એવોર્ડ તેમજ ₹21,000નો રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.
ગામના વિકાસને લગતી તમામ કામગીરીનું આયોજન કરીએ છીએ: તલાટી
મેં બિલખડી ગ્રામ પંચાયત કચેરીમાં તા.27-7-2017થી તા.14-10-2022 સુધી ફરજ બજાવી છે. આ જ ગામમાં 5 વર્ષનો સમયગાળો પૂરો થયો હોવાથી બીજે ગામ બદલી થઈ હતી. પણ પાછા આ જ ગામમાં મારી ફરીથી બદલી તા.1-6-2023થી થઇ છે. ગામના વિકાસને લગતી તમામ કામગીરીનું આયોજન ગ્રામ્ય કક્ષાએથી કરવામાં આવે છે. જેમાં ગામના લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાકા ડામર રસ્તા, પીવાનું ચોખ્ખું પાણી, એક ફળિયાથી બીજા ફળિયા સુધી લાઇટની સુવિધા માટે ગ્રામ કક્ષાએ આયોજન કરવું તેમજ સરકારની વિવિધ અલગ અલગ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને લાભ આપવા માટે તમામને ફોર્મ ભરી આપવાનું કામ. જેમાં વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, આવાસ-મકાન સહાય, ખેતીવાડીની સહાય, આરોગ્યને લગતી સહાય માટેના આયુષ્યમાન કાર્ડ માટેની ઓનલાઇન અરજી, રેશનકાર્ડને લાગતી કામગીરી, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી, જમીન વારસાઇ, પેઢીનામું બનાવવું સહિતની કામગીરી કરવામાં આવે છે.