અનાવલ: મહુવાના ફૂલવાડી ગામે કોળીવાડ ફળિયામાં રહેતી પરિણીતા લતા નરેશ પટેલનાં પહેલા લગ્ન ફૂલવાડી ગામે જ રહેતા રાકેશ ભંગિયા હળપતિ સાથે થયાં હતાં. પરંતુ તેમના પહેલા પતિ દ્વારા તેના પર શક રાખી અવારનવાર મારઝૂડ કરાતી હોવાથી એક મહિના પહેલાં જ સમાજ રાહે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ લતાનાં લગ્ન નરેશ પટેલ સાથે થયાં હતાં.
- મહુવાના ફૂલવાડીની પરિણીતાને પૂર્વ પતિએ માર મારી માથું અફાડ્યું
- એક મહિના પહેલાં જ શંકાશીલ રાકેશ હળપતિ સાથે છૂટાછેડા થયા હતા
બાદ તા.23/7/2024ના રોજ લતાનાં કાકી વનિતાબેનનું દેહાંત થતાં તે પોતાનાં માતા-પિતાના ઘરે ગઈ હતી. જ્યાં સાડી બદલાવવાની વિધિ કરી રહ્યા હતા. દરમિયાન તેનો પૂર્વ પતિ રાકેશ ત્યાં આવી રૂમના દરવાજાને લાત મારી લતાને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. વધુમાં ગાળો આપી તું આ ફળિયામાં શું કામ આવી તેમ કહી નીચે પાડી ઢીકમુક્કીનો અને લાત મારી માર મારતાં મહિલાનું માથું લાદી સાથે પટકાતાં માથામાં ગંભીર ઈજા થતાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જે જોઈ મહિલાને માર મારનાર પૂર્વ પતિ રાકેશ હળપતિ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને ત્વરિત સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત મહિલા લતા પટેલે મહુવા પોલીસમથકે રાકેશ હળપતિ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.