Dakshin Gujarat Main

મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાને આવેલું વડીલના મોતનું સપનું હકીકત બન્યું

અનાવલ(Anawal): મહુવા (Mahuva) વિધાનસભાના ધારાસભ્ય મોહન ઢોડિયાને (Mohan Dhodia) આવેલું સપનું (Dream) હકીકત (Reality) બન્યું હોવાની વાતે સમગ્ર પંથકની વાતે કુતૂહલ સર્જાયું છે. કેટલીક અજીબોગરીબ ઘટનાઓ એવી બનતી હોય છે કે લોકો ખરેખર અચંબામાં પડી જતા હોય છે. આવી જ એક ઘટના બની મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા સાથે ધારાસભ્યને રવિવારના રોજ સાંજના સમયે ૧૦ મિનીટની ઊંઘમાં પડતા જ એક સપનું આવ્યું હતું. જેમાં વાલોડના અંધાત્રી ગામના જ વડીલ રનાભાઈએ આવીને કહ્યું કે, હું ભગવાનને ત્યાં જવાનો છું. ધારાસભ્ય મોહનભાઈ તરત જ સપનામાંથી જાગી ગયા અને તરત જ સ્વસ્થ થઈને રનાભાઈને ઘરે જવા નીકળી ગયા હતા. રનાભાઈના ઘરે જઈને વડીલની મુલાકાત લીધી હતી. ખબરઅંતર પૂછતાં જ વડીલ રનાભાઈએ કહ્યું કે, હું તારી જ રાહ જોતો હતો. હું હવે ભગવાનને ત્યાં જવાનો છું. ધારાસભ્ય પણ એક મિનીટ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે, વડીલને સાંત્વના આપી હતી. ધારાસભ્યના સપનામાં આવેલા આ વડીલ થોડા જ સમયમાં સપનાને સાકાર કરતા હોય તેમ દેવલોક થઈ ગયા હતા.

આ એક સંજોગ, સંયોગ કે પછી કંઈપણ હોય શકે છે. ધારાસભ્ય મોહનભાઇને સપનામાં વડીલ રનાભાઈ અંતિમ સમયે પણ તેમને મળવા બોલાવે એ વાત ભલે અવિશ્વસનીય-અકલ્પનીય હોય શકે એ શ્રદ્ધાનો વિષય છે. પરંતુ ધારાસભ્ય પ્રત્યે ગરીબ પરિવાર અપાર લાગણી, પ્રેમ રાખે છે અને અંતિમ સમયે પણ લોકો ભગવાનને યાદ કરતા હોય તેમ તેમને યાદ કરે છે એ સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. હાલ તો આ સમગ્ર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કુતૂહલ ફેલાવતાં ચર્ચાનો વિષય બન્યો છે.

આવી ઘટના આકસ્મીક થઇ શકે છે, ક્યારેક હૃદયના ધબકારાની સિસ્ટમ વધી જવાથી પણ આવું થાય છે : ડો. કમલેશ દવે

સુરત નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના એચઓડી (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ) ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, આવી ઘટનાને આકસ્મીક ઘટના ગણી શકાય છે. ઘણીબધી વાર આવી રીતે વહેલી સવારે સપનાઓ આવતા હોય છે, અને જ્યારે તે ઘટના બને ત્યારે તેનો આભાસ પણ થાય છે. માનવીના શરીરમાં એક સિન્થેટેટીક સિસ્ટમ કાર્યરત હોય છે, ઘણીવાર સામેવાળી વ્યક્તિના કહ્યા બાદ હૃદયના ધબકારા વધી જાય છે અને તેના કારણે હૃદય બેસી જવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. મૃત્યુ થવાની વાત સાંભળીને પણ ઘણી વ્યક્તિના મોત થયા છે. પરંતુ આ બધી જ બાબત જોતા આવી ઘટનાને માત્ર આકસ્મિક ઘટના કહી શકાય છે.

Most Popular

To Top