અનાવલ: મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે (Stat Highway) પર પૂના ગામની સીમમાં કારને (Car) અકસ્માત (Accident) નડ્યો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ખાબકી હતી. પુના બસ સ્ટોપ નજીક થી પસાર થતી કાર નં.(MH.15.GA.5850) કરચેલિયા તરફથી વલવાડા તરફ જઈ રહી હતી. એ અરસામાં પુના ગામની સીમમાં કાર ચાર પલટી ખાઈ રોડની સાઈડમાં ખાબકી હતી. કારમાં સવાર પાંચ જણાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકને ઇજા પહોંચતાં 108 મારફતે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો.
કડોદ-માંડવી માર્ગ પર પૂરઝડપે આવતા ડમ્પરે બાઇકસવાર બે યુવકને અડફેટે લીધા
બારડોલી: બારડોલીના કડોદ ગામે કડોદ-માંડવી માર્ગ પર પૂરઝડપે આવતા ડમ્પરે મોટરસાઇકલ સવાર બે યુવકને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ગામે રહેતા સફાન શેખ (ઉં.વ.20) અને ફરાઝ ફારૂક પઠાણ (ઉ.વ.20) ઈદનો તહેવાર હોવાથી મોટરસાઇકલ પર ફરવા નીકળ્યા હતા. તેઓ કડોદ-માંડવી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
એ સમયે માંડવી તરફથી પૂરઝડપે આવતા ડમ્પરે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં સફાન અને ફરાઝ બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પરથી ડમ્પર પૂરઝડપે પસાર થતાં હોય વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે રોડ પર ગતિરોધક મૂકવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
વાપીના મોરાઈ હાઈવે પાસે બાઈક અડફેટે રાહદારીનું મોત
વાપી : વાપીના મોરાઈ હાઈવે પરથી પસાર થઈ રહેલી બાઈકની અડફેટે માર્ગ ઓળંગી રહેલો રાહદારી આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકને ઈજા પહોંચી હતી, રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બંને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે પારડી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે રાહદારીને મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
વાપી ટાઉન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપીના બલીઠા ડુંગરી ફળિયામાં આવેલી ચાલીમાં ઉદયભાણ શ્રીરામનરેશ યાદવ (ઉં.28) અને તેનો સાઢુભાઈ જયપ્રકાશ લાલતાપ્રસાદ યાદવ સાથે રહે છે. જયપ્રકાશ યાદવ વાપીના મોરાઈ ફાટકથી હાઈવે ઓળંગી રહ્યો હતો. ત્યારે પસાર થઈ રહેલી બાઈકની અડફેટમાં આવી જતા અકસ્માતમાં બાઈકચાલક તથા જયપ્રકાશ બંને ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતાં. બંને ઘાયલને એમ્બ્યુલન્સ દ્વારા પારડી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જયપ્રકાશને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ ઉદયભાણ યાદવે વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી.