Dakshin Gujarat

મહુવાની 28 શાળામાં વર્ષો સુધી ધો. 5ના વર્ગો શરૂ ન કરાયા

મહુવા તાલુકાની ૨૮ જેટલી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ ૨૦૦૯ અમલમાં આવ્યાને વર્ષોના વહાણા વીત્યા બાદ પણ પાંચમું ધોરણ શરૂ કરવામાં આવ્યું નથી. એ વાત જાણવા મળતાં તાલુકા શિક્ષણની ઘોર બેદરકારી સામે આવી છે તો બીજી બાજુ શિક્ષણનું સ્તર ઊંચે આવ્યું બહારનું બતાવી વધુ છ જેટલી શાળાઓ મર્જ કરવાની દરખાસ્ત મૂકી દેવાય છે. મહુવા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ તંત્રની લાપરવાહી બહાર આવી છે. તાલુકામાં ધોરણ ૧ થી ૪ સુધીના વર્ગ ચલાવતી ૨૮ શાળાઓ છે.

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ના અમલના કારણે પ્રાથમિક શિક્ષણ ૧ થી ૪ ધોરણમાં તેમજ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વહેંચવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય મહુવા તાલુકામાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી કહી શકાય કે તાલુકાની ૨૮ જેટલી શાળાઓમાં આ અધિનિયમ અમલમાં આવ્યા ના વર્ષો વીત્યા બાદ પાંચમું ધોરણ અપગ્રેડ કરવામાં નથી આવ્યું. જે ૨૮ શાળાના આચાર્યો અને તાલુકાના પ્રાથમિક શિક્ષણ વિભાગની નિરસતાની પ્રતિતિ કરાવી રહી છે. હાલ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચસ્તરીય શિક્ષણતંત્ર આ બાબતે રસ દાખવે તે આવશ્યકતા વર્તાય રહી છે.

તાલુકાની વધુ આ છ શાળાઓને મર્જ કરવા નિર્ણય
મહુવા તાલુકામાં કુલ ૧૪ જેટલી શાળાઓ મર્જ થતા તાળા લાગી ગયા છે ત્યારે હાલ તાલુકાની કુપાવાડી, નરડા, ગોપળા ન.ફ., જોળ, ન.વ.હળદવા અને કાંકરીમોરા નિશાળ ફળિયાને મર્જ કરવાની તાલુકા કક્ષાએથી દરખાસ્ત થઈ ગઈ હોય ત્યારે તાલુકાની વધુ છ શાળાઓ બંધ થઈ જશે. આ નિર્ણયથી જાગૃત જનતામાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કાર્યવાહી કરવામાં આવી છે: ટીપીઓ
ધોરણ ૫ ચાલુ કરવા માટે અત્રેની કચેરીએથી જિલ્લા કચેરીમાં જાણ કરી લેખિત કાર્યવાહી કરવામાં આવી છે, અમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતન ચૌધરીએ જણાવ્યું છે.

Most Popular

To Top