મહુવા તાલુકાનાં અનેક ગામોનાં ચેકડેમો સૂકાભટ્ટ જોવા મળી રહ્યાં છે. ચોમાસાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લાખોના ખર્ચે નિર્માણ કરાયેલા ચેકડેમોની ચોમાસા પૂર્વે શું સ્થિતિ છે, પ્રિ-મોન્સૂન કામગીરી થઇ છે કે નહીં તે અંગે તપાસ કરતાં વરવું અને નિરાશાજનક ચિત્ર સામે આવ્યું હતું. તાલુકાનાં ગામોના મોટા ભાગના ચેકડેમોમાં પાણી રોકવા માટે બારી જ ન હતી. મોટા ભાગના ચેકડેમો મરામતના અભાવે બિનઉપયોગી બની ગયા છે. બારી વિનાના ચેકડેમોના સમારકામ કરવામાં તંત્ર નીરસ હોવાની પ્રતીતિ થઈ હતી. સરકાર દ્વારા ગામોમાં પાણીનાં સ્તર ઊંચા આવે, ચોમાસાના પાણીનો સંગ્રહ થઈ શકે અને ખેડૂતો માટે સિંચાઈ માટે સ્ત્રોત ઊભો કરવાના હેતુથી ચેકડેમોના નિર્માણ પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે. તંત્રના અધિકારીઓના અણઘડ વહીવટના પાપે સરકારનો હેતુ પણ ચરિતાર્થ થતો નથી.
તાલુકાનાં ગામોમાં ચેકડેમોના નિર્માણ તો મોટાપાયે કરવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ કોઇ દરકાર લેવાઇ નથી. આ ચેકડેમો પૈકી અનેક ચેકડેમોમાં ભંગાણ સર્જાયાં હતાં. જેમાંથી મોટા ભાગના ચેકડેમોમાં પાણી રોકવામાં આવે એ રીતે સમારકામ કરવા માટે અધિકારીઓએ તસ્દી લીધી ન હતી. જેના પરિણામે ગત વર્ષે ચોમાસાના પાણીનો સંગ્રહ જ આવા ચેકડેમોમાં થયો ન હતો. હવે વરસાદના આગમનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પણ પાણી પહેલા પાળ બાંધવાની તસ્દી લેવાઇ નથી. પ્રિ-મોન્સૂન કામગીરી ઝીરો દેખાતાં ગત વર્ષની લાપરવાહીનું આ વર્ષે પણ પુનરાવર્તન થતું હોવાનું જણાઈ રહ્યું છે