મહુધા: મહુધા મામલતદાર કચેરીના તમામ વિભાગોમાં કામ કરાવવા માટે નાણાં ઉઘરાવાતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી સ્વાગત ઓલાઈન કાર્યક્રમમાં એક સિનિયર સીટીઝન દ્વારા કરાતા ખળભડાટ મચ્યો છે. આ મામલે તત્કાળ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે. મહુધા મામલતદાર કચેરીમાં વચેટિયાઓની મદદથી અને રાજકીય આકાઓના આશીર્વાદથી કટકીબાજ કર્મીઓએ પંથકની પ્રજાને લૂંટતા હોવાની ફરીયાદો ઉઠી છે. કચેરીની બહાર અને અંદર અધિકારીઓની રહેમ નજર હેઠળ વચેટિયાઓનો જાણે રાફડો ફાટ્યો છે.
આ મામલે એક સિનિયર સિટિઝન દ્વારા મહુધા મામલતદાર કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજુઆત કરતા ભારે ચકચાર મચી છે. તેઓએ ઉલ્લેખ કર્યો છે કે મહુધા મામલતદાર કચેરીમાં સામાન્ય કામ કરાવવા માટે પણ પંથકની પ્રજાને નાણાં ચૂકવવાની મજબૂરી છે. મધ્યાહન ભોજન અને પુરવઠા વિભાગ ઈ-ધરા સહિત મહેસુલ વિભાગમાં જેવું કામ તેવા નાણાં લેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે લેખિત રજુઆત કરાઈ છે. ઉપરાંત ખોટા ખેડૂત બનાવવા માટે પણ લાખો રૂપિયા પડાવાતા હોય અને 5 લાખ રૂપિયા સુધીની રકમ લેવાતી હોવાના આક્ષેપ કર્યા છે.
મધ્યાહન ભોજન યોજનાના અગાઉના ઓપરેટર વિરૂધ્ધ પણ એ.સી.બી રજુઆત કરાઈ હતી. ત્યારે સિનિયર સીટીઝન દ્વારા મધ્યાહન ભોજન યોજનાના ઓપરેટર પણ ભ્રષ્ટાચારમાં શામેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ વચેટિયાને કામ સોંપવામાં આવે તો તે કામ મંજુર થતા હોવાનો દાવો કર્યો છે. ત્યારે મહેસુલ કમિશ્નર અને વિજિલન્સ કમિશ્નર એસીબી ડાયરેક્ટર તથા ઈન્ક્મટેક્સ કમિશ્નર દ્વારા તમામ વેચાણ હક કમી વારસાઈ વગેરે મંજુર નામંજૂર થયેલ નોંધણી તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
મધ્યાહન ભોજન વિભાગ સામે આક્ષેપ
તમામ મધ્યાહન ભોજન સંચાલકો પાસેથી ખર્ચીના બીલ મંજુર થયા બાદ સ્થાનિક પાંચ ટકા અને જિલ્લાના બે ટકા લેખે કમિશન લેવાતુ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો હોસ્સો હોય છે તેવી રજૂઆતો થઈ રહી છે.
પુરવઠા વિભાગ સામે પણ આક્ષેપ
નાયબ મામલતદાર દ્વારા દુકાનદારો પાસેથી પરમીટ આપવાની થાય ત્યારે એક પરમીટ દીઠ 1000/- રૂપિયા આપવા પડે છે. જેમાં ના.મામલતદાર અને મામલતદારનો પણ હિસ્સો હોય છે તેઓ આક્ષેપ કર્યો છે.
મહેસુલ વિભાગ સામે આક્ષેપ
સરકાર દાખલ થયેલ હોય તે જમીનમાં મૂળ માલિકના નામે કરવા માટે ચલણ ભરવાના હોય છે. ત્યારબાદ મૂળ માલિકના નામે જમીન કરવાની હોય છે. જેમાં ક્લાર્કને નાણાકીય વ્યવહાર ચૂકવવાનો પડતો હોય છે. જેમાં ના.મામલતદાર અને મામલતદારનો પણ હિસ્સો હોય છે, તેવો ચકચારીત આક્ષેપ કર્યો છે.
બોગસ સ્ટેમ્પ વેન્ડરનો અડ્ડો
આ ઉપરાંત મહુધા મામલતદાર કચેરી બહાર બેસતા સ્ટેમ્પ વેન્ડરમાં કેટલાક જ પાસે સરકારી પરવાનગી છે. જ્યારે તેમની સાથે અન્ય કેટલાય સરકારી પરવાના વગર ગેરકાયદેસર રીતે બેસી પૈસા પડાવતા હોવાની બૂમ ઉઠી છે. અહીંયા બોગસ સ્ટેમ્પ વેન્ડરનો પણ અડ્ડો હોવાની ફરીયાદો થઈ રહી છે.
ઈ-ધરા વિભાગ સામે આક્ષેપ
તલાટી અને ના.મામલતદાર કાચી એન્ટ્રી પાડવાના 1000/- થી 1500/- રૂપિયા લે છે. તેમજ વેચાણ એન્ટ્રી પાડવા માટે પણ રૂ.5000/- થી રૂ.25,000/- સુધીના વ્યવહાર લેવામાં આવે છે. તેમજ વરસાઈ હક કમી બોજો બોજામુક્તિ ક્ષતિ સુધારા જેવી નોંધ માટે રૂ.1000/- થી રૂ.5000/- લેવામાં આવતા હોવાની રજુઆત કરાઈ છે.