મહુધા: મહુધા કેળવણી મંડળ સંચાલિત ધી મહુધા નાગરિક સહકારી બેંક કન્યા વિદ્યાલયનો સમય બપોરનો કરવામાં આવતા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનો સમય સવારનો કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
મહુધા નગરમાં ગાયત્રી મંદિરની સામે આવેલ મહુધા કેળવણી મંડળ સંચાલિત ધી મહુધા નાગરિક સહકારી બેંક કન્યા વિદ્યાલયની કન્યાઓ મંડળના નિર્ણય સામે રણચંડી બનતા મંડળને પોલીસ બોલાવવાનો વખત આવ્યો હતો.
વિદ્યાર્થીનીઓના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષથી શાળાનો સમય સવારનો હતો.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી શાળાનો સમય બપોરનો કરવામાં આવ્યો છે.જેના પગલે સાંજે શાળાએથી છૂટ્યા બાદ બસની અનિયમિતતાના કારણે ઘરે પહોંચવામાં મોડું થઈ જાય છે.તેમજ બપોરની શાળાનો સમય હોવાથી ઘરે અભ્યાસ માટેનો પૂરતો સમય મળતો નથી.જેને લઈ થોડી દિવસ અગાઉ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.તેમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાળામાં પીવાના પાણીની અછતની સાથે સાથે શૌચાલય સ્વચ્છ નથી હોતું.તેમ છતાં મંડળ દ્વારા વિદ્યાર્થીનીઓની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા આખરે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાની બહાર સૂત્રોચ્ચાર કરવાની ફરજ પડી હતી. જ્યાં શાળા પ્રશાસન ભીંસમાં મુકાયુ હતુ અને કંઈક કરી આ છાત્રાઓ શાંત થાય તે માટે પ્રયત્ન શરૂ કર્યા હતા. જો કે, શાળા પ્રશાસનને કોઈ પણ પ્રકારની સફળતા મળી ન હતી.
શાળામાં સુવિધાઓનો પણ અભાવ
વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. સમયની બાબતમાંથી ઉભી થયેલી માથાકૂટે શાળા અને મંડળ પ્રશાસને ભીંસમાં લીધુ હતુ. જો કે, આ વચ્ચે પ્રાથમિક સુવિધાઓ મામલે પણ શાળાની પોલ વિદ્યાર્થીનીઓએ ખોલી નાખી હતી. જેમાં શાળામાં પૂરતા પ્રમાણમાં પંખા ન હોય, સ્વચ્છતા ઉપરાંત શૌચાલયની સ્વચ્છતા, પીવાના પાણીની અપૂરતી વ્યવસ્થા મામલે શાળા પ્રશાસન સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
વિદ્યાર્થીનીઓએ શાળા પ્રશાસનને મચક ન આપી
શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલની દ્વારા વિદ્યાર્થીનીઓને સમજાવવાના પ્રયત્ન શરૂ કરાયા હતા. પરંતુ છાત્રાઓએ શાળા પ્રશાસનની એક પણ વાત સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન મંડળના હોદ્દેદારો દ્વારા પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ વિદ્યાર્થીનીઓ પોતાના નિર્ણય પર અડગ રહી હતી.
અંતે પોલીસે દરમિયાનગીરી કરી
છાત્રાઓએ પહેલા શાળા પ્રશાસન અને ત્યારબાદ મંડળ સાથે પણ કોઈ પણ પ્રકારનુ સમાધાન કરવાનો નનૈયો ભણ્યો હતો. અંતે શાળા પ્રશાસને પોલીસ બોલાવવાની ફરજ પડી હતીઅને પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીનીઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.આખરે પોલીસની હાજરીમાં શાળાના હોલમાં વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરવામાં મંડળના સભ્યો સફળ રહ્યા હતાઅને શનિવારના રોજ 11વાગ્યે વાલીઓને સાથે રાખી બેઠક કરવાનો નિર્ણય લેવાયો હતો.