National

આજથી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ

ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના ૬ જિલ્લા સહિત વિવિધ ૭૫ સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રી મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કેન્દ્ર સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીઓ ૧૨ માર્ચ ૨૦૨૧થી લઇને ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી કરવાનું સરકારનું આયોજન છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી ૩૮૬ કી.મી ની પદયાત્રાને પણ વડાપ્રધાન પ્રસ્થાન કરાવશે . દેશની આઝાદી ચળવળમાં મહત્વના ચિરસ્મરણિય સ્થળો રાજકોટ, માંડવી(કચ્છ), પોરબંદર, વડોદરા, બારડોલી(સુરત) અને દાંડી(નવસારી) ખાતે દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત સંસ્કૃતિક-રંગારંગ કાર્યક્રમ, સાઇકલ-બાઇક રેલી, પદયાત્રાઓ, વૃક્ષારોપણ અને ક્રાફ્ટ બજાર સહિતના રચનાત્મક કાર્યક્રમો પણ યોજાશે.

રાજકોટ , વડોદરા , બારડોલી ( સુરત ) , પોરબંદર , નવસારી અને કચ્છમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. દેશના રાજ્યો અને સંઘ પ્રદેશોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. સુરતના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈએ ખેડૂતો પર મહેસુલના વિરોધમાં સત્યાગ્રહ કરી અંગ્રેજોને ઝુકાવ્યા હતા. આ સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ‘સરદાર’થી ઓળખાયા હતા. બારડોલી સત્યાગ્રહના પરિણામે સમગ્ર દેશને સરદાર સાહેબની કુનેહભરી દૃષ્ટ્રીનો પરિચય થયો.

બરડોલીની ચિરસ્મરણિય ભૂમિ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે.નવસારીના દાંડી ખાતે ગાંધી બાપુએ મિઠાનો કાયદો અને અંગ્રેજોના અહંમને તોડ્યો હતો.

જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા હતા. નવસારીની ઐતિહાસીક ભૂમિ પર દાંડી પ્રાર્થના મંદિર ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. ગાંધીજીએ દાંડી દરિયાકિનારે ચપટી મિઠું ઉપાડી કહ્યું હતું: ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’ ગાંધીજીના આ મિઠાના સત્યાગ્રહથી અંગ્રેજી શાસનને મોટો ધક્કો લાગ્યો હતો.

આ ૬ જિલ્લા સ્થળો સહિત રાજ્યના કુલ ૭૫ સ્થળોએ આવતીકાલે આઝાદીના અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે. સ્થાનિક જિલ્લા અને તાલુકા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ગાંધીજીની દાંડી કૂચની યાદમાં કૂચ યોજાશે
મીઠાના કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીએ ૧૯૩૦ની બારમી માર્ચે અમદાવાદના સાબરમતિ આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધી પોતાના ૮૧ સાથીઓ સાથે પગપાળા કૂચ યોજી હતી જે કૂચમાં રસ્તામાંથી લોકોના અનેક જૂથો જોડાતા ગયા હતા. આ કૂચની યાદમાં આવતીકાલે વડાપ્રધાન મોદી દાંડી સુધીની પદયાત્રાને ઝંડી બતાવશે. આ કૂચમાં શરૂઆતમાં ૮૧ લોકો હશે જેમની આગેવાની કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી પ્રહલાદ સિંહ પટેલ લેશે. તેઓ નડીયાદ સુધી આ કૂચમાં ચાલતા આવશે. માર્ગમાંથી આ કૂચમાં અનેક લોકો જોડાય તેવું આયોજન છે. પચ્ચીસ દિવસે આ કૂચ દાંડી પહોંચશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top