સંતરામપુર : મહિસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સંતરામપુર સબ જેલ અને સંતરામપુર પોલીસ સ્ટેશનની આકસ્મીક તપાસણી કરતાં પોલીસ વિભાગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે દફતર તપાસણી ઉપરાંત સબજેલના કેદીઓ સાથે વાતચીત કરી તેમને મળતી સુવિધા અંગે ચર્ચા કરી હતી. મહીસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડયા દ્વારા સંતરામપુર સબ જેલની અને સંતરામપુર પોલીસ સ્ટેશનની તપાસણી મુલાકાત કરવામાં આવી હતી. કલેકટર ભાવીન પંડયા સંતરામપુર સબ જેલની મુલાકાત લઇને જેલમાં હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલરને જરૂરી સૂચનો કર્યા હતા.
સાથે સાથે પોલીસ સ્ટેશનમાં રહેલા રેકર્ડની પણ જાત તપાસ કરી પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવા સુચના આપી હતી. કલેકટરએ સબ જેલની મુલાકાત દરમિયાન જેલમાં રહેલા કેદીઓ સાથે સંવાદ કરી તેઓને આપવામાં આવતી સગવડોની જાણકારી મેળવી હતી. કલેકટરની આ મુલાકાત દરમિયાન સંતરામપુરના પ્રાંત અધિકારી કૌશીક જાદવ અને મામલતદાર સંગાડા તથા કલેકટર કચેરીની ફોજદારી શાખાના વિરેન્દ્રવભાઇ પ્રજાપતિ અને નયનકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અલબત્ત, કલેક્ટરને આ મુલાકાત દરમિયાન સંતરામપુર સબજેલમાં ક્ષમતા કરતા વધુ કેદી રાખવામાં આવ્યાં હોવાની વાત બહાર આવી હતી. જે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લા બન્યાને દસકો થવા છતાં હજુ સુધી જિલ્લા જેલની સુવિધા મળી નથી. જેના કારણે કેદીઓને સબજેલમાં રાખવામાં આવી રહ્યાં છે. જ્યારે પાકા કામના કેદીને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવી રહ્યાં છે.