Charchapatra

નદીઓનો મહિમા

નદીઓને કિનારે માનવ સમાજ અને સંસ્કૃતિઓ સર્જાયા, વન્ય જીવન, જંગલી સ્વરૂપ, માંસાહારમાંથી ખેતીવાડી કરનાર, કુટુંબ અને સમાજવાળું સભ્ય જીવન પ્રાપ્ત થયું, તેથી જ નદીઓ લોકમાતા તરીકે પૂજાવા લાગી. ગંગા નદી તો પાપીઓના પાપ ધોવા જેટલું મહત્વ પ્રાપ્ત કરી શકી. મહાનગર સૂરતની તાપી નદીનું પણ ધાર્મિક અને સામાજિક મહત્વ ઘણું છે, આમ છતાં વર્ષમાં એકવાર તેનો જન્મ દિવસ ઉજવી સંતોષ માની લેવાય છે. બારેમાસ ગનદકી ઠલવાતી રહે છે. તાપી શુદ્ધિકરણ માટે મહાનગરપાલિકાએ ત્રણસો ચુમ્મોતેર કરોડ રૂપિયાની ગ્રાંટ લીધી છતાં નદીમાં બસો એમ.એલ.ડી. ગંદુ પાણી ઠલવાય છે, ગેરકાયદે જોડાણો પાણીની કવોલિટી બગાડે છે.

રાજય કેન્દ્ર સરકાર પાસેથી હજી ચારસો છત્રીસ કરોડ રૂપિયા તાપી શુદ્ધિકરણ માટે મળશે. તાપી નદીમાં ગંદકી ઠાલવતા બેતાલીસ પૈકી અઠ્ઠાવીસ આઉટલેટસ બંધ કરવામાં તંત્ર વલખા મારી રહ્યું છે. શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં ખાડીઓ તથા ચોમાસામાં સ્ટ્રોમ આઉટલેટસ મારફતે આવતું મલિન જળ અશુદ્ધિ ફેલાવી રહ્યું છે. વિયર કમ કોઝવેથી પાણીમાં લીલ જામે છે. તાપી શુદ્ધિકરણ અને કુદરતી વહેણ સાથે ધસમસતા પ્રવાહને જીવંત બનાવવા મહાનગરપાલિકાએ વિયર કમ કોઝવેના કેચમેન્ટ કઠોર બ્રિજથી ઓએનજીસી બ્રિજ સુધીના તટમાં ગંદા પાણી સીધા ડિસ્ચાર્જ ન થાય તેની તકેદારીએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું શરૂ કર્યું છે.

બે હજાર ઓગણીસની સાલમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેકટને નિયત ડી.પી.આર. મુજબ શરૂ કરવા નવસો બોત્તેર કરોડ રૂપિયાના ખર્ચના અંદાજને પણ મંજૂરી મળી છે. છીછરી તાપી નદીનું ડ્રેજીંગ ખૂબ જ જરૂરી છે. મોગલકાળમાં તાપીને કાંઠે ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા, જળ માર્ગે જહાજોની લંગાર જામતી હતી અને વેપાર ધમધમતો હતો. તાપી નદીને સૂર્ય પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં તે ફરી સમૃદ્ધ થાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top