આપના નેતા મનીષ સિસોદિયા રવિવારે સુરત આવ્યા હતા. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવીજી તથા ‘આપ-ગુજરાત’ના અન્ય પદાધિકારીઓ સાથે અગત્યની મિટિંગ બાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આપ ગુજરાતની આવનારી વ્યૂહરચના તૈયાર કરાઈ હતી. સાથે જ સુરતના ઉદ્યોગ અગ્રણી મહેશ સવાણી (Mahesh savani)એ આપ (AAP)નો ખેસ પહેરતા સુરતનું રાજકારણ ગરમાયુ છે.
“લોકોની સેવા માટે હું કફન પહેરીને નીકળ્યો છું ભલે ગોળી ખાવી પડે મને વાંધો નથી”
મહેશ સવાણીએ પત્રકાર સંબોધન કરતા જણાવ્યું હતું કે “ભાજપ સરકારમાં સેવા કરતા પણ યાતના મળી એટલે આપમાં આવ્યો છું.” મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી (Loksabha election)વખતે મહેશ સવાણી બીજેપીથી નારાજ થયા હતા અને હવે આપમાં જોડાયા છે. સાથે જ આપમાં જોડાવા કેટલાંક નામો ચર્ચામાં છે, જેમાં ખાસ પૂર્વ ઇન્કમટેક્ષ અધિકારી પી વી એસ શર્મા, ગજેરા બંધુ, અશોક જીરાવાલ, સહિત હજી ઘણા માથા જોડાવા ઉત્સુક હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયાની સુરત મુલાકાત ઔપચારિક કરતાં સૂચક વધારે છે. હાલમાં જ એક હજાર કરતાં વધુ ભાજપના કાર્યકરો – સામાજીક અગ્રણીઓ અને વેપારીઓએ આમ આદમી પાર્ટીમાં સમાવેશ થયા બાદ હવે સંભવતઃ સુરત શહેરના મોટા માથાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ સ્થિતિમાં મનીષ સિસોદીયાની મુલાકાતને પગલે સંભવતઃ સુરત અને ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી શકે છે.
આ પહેલાં મનીષ સિસોદીયાની નાદુરસ્ત તબિયતને પગલે સુરતની મુલાકાત રદ્દ થઈ હતી. જો કે હવે રવિવારની મુલાકાત રાજકીય વર્તુળોમાં વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે. સુરતમાં ચાલતી ચર્ચા પ્રમાણે, મનીષ સિસોદીયાની સુરતની મુલાકાતમાં અનેક કન્યાઓના લગ્ન કરાવનાર વરાછાનું મોટું માથું આપમાં જોડાય તેવી સંભાવના સેવાય રહી હતી. અગાઉ હીરા અને હાલમાં શિક્ષણ તેમજ જમીનના ધંધા સાથે સંકળાયેલા આ મોટા માથાએ એવી ચર્ચાઓ વહેતી મુકી હતી કે ભાજપમાં તેમનું વારંવાર અપમાન થયું હોવાથી તેઓ ભાજપ છોડીને આપમાં જઈ રહ્યાં છે.
મહેશ સવાણી અગાઉ કોંગ્રેસમાં નેતા ગણાતાં હતાં અને પંદરેક વર્ષ પહેલા જ વિધાનસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપમાં જોડાયા હતાં. જોકે, હવે આ સમાજસેવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જોકે ભાજપમાં પોતાનું મહત્વ વધારવા માટે જ તેમણે આપમાં જોડાવાની હવા ફેલાવી છે એવી વાતોને તેમણે જાકારો આપ્યો છે.