નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Mahendra Singh Dhoni) 7 જુલાઈએ પોતાનો 42મો જન્મદિવસ (Birthday) ઊજવ્યો હતો. થાલાના આ ખાસ દિવસે તમામ ક્રિકેટ પ્લેયરો (Cricket player) તેમજ ચાહકોએ અલગ અલગ રીતે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે એક ચાહકે માહીના આ ખાસ દિવસને એક વીડિયો (Video) શેર કરી વધુ ખાસ બનાવ્યો હતો.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોનીની આખી ક્રિકેટ કારકિર્દી ડિજિટલ ઝૂમ આર્ટ દ્વારા બતાવવામાં આવી છે. જેમાં વીડિયોની ઝૂમ ટેકનિક ચોંકાવનારી છે. વીડિયોમાં ધોનીને ભારતના નકશા પર રાંચીથી શરૂઆતની કારર્કિદીથી લઈને અંતે IPLમાં ટ્રોફી જીતવાનો અને રવિન્દ્ર જાડેજાને ઉચકવાનો સ્કેચ દર્શાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના થાણેમાં રહેનારી કોર્પોરેટ વર્કર પ્રાંજલિ ચવ્હાણે ડિજિટલ ઝૂમ આર્ટ દ્વારા ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે 7 જુલાઈના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર એક મિનિટ 3 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ધોનીના બાળપણમાં ફૂટબોલ રમતા, તેની પ્રથમ સદી, T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની જીત, IPL પ્રેક્ટિસ અને 5મી વખત IPL જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાને ઉચકતો હોય તેનો સ્કેચ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે પ્રાંજલે ધોનીની સમગ્ર ક્રિકેટ કારકિર્દીને ડિજિટલ ઝૂમ આર્ટમાં કેદ કરી લીધી હતી.
પ્રાંજલિનો વીડિયો શેર કર્યા બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ધોનીના ઘણા ચાહકોએ તેને ખૂબ પસંદ કર્યો અને તેને ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર પણ કર્યો.
ડિજિટલ ઝૂમ આર્ટ શું છે?
ડિજિટલ ઝૂમ આર્ટ ખાસ કેમેરા અને ઇમેજ એડિટિંગ સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવે છે. આમાં વપરાશકર્તા ફોટો અથવા વીડિયોના કોઈપણ ભાગને ઝૂમ કરી શકે છે અને તેમાં બીજો ફોટો અથવા વિડિયો ઉમેરી શકે છે. તે માઇક્રો ઓબ્જેક્ટ જોવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ કેટલાક કલાકારોએ તેનો સર્જનાત્મક રીતે ઉપયોગ કર્યો અને હવે સોશિયલ મીડિયા પર આ કળાના ઘણા ઉત્તમ ઉદાહરણો જોવા મળી રહ્યા છે.
આમ તો ધોની સોશિયલ મીડિયાથી દૂર રહે છે પરંતુ તેણે પોતાના જન્મદિવસે એક વીડિયો શેર કર્યો હતો. જેના કારણે લોકોની ખુશીનો પાર ન હતો રહ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે માહી પોતાના જન્મદિવસની ઉજવણી પોતાના 4 શ્વાન સાથે કરે છે. તેણે પોતાના શ્વાન સાથે કેક કાપી હતી. સેલિબ્રેશનનો વીડિયો ધોનીના ફાર્મહાઉસનો હોવાનું કહેવાય છે.