નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) એક્ટિંગમાં (Acting) હીરો (Hero) તરીકે ડેબ્યુ કરે તેવી શક્યતા છે એમ તેની પત્ની સાક્ષી ધોનીએ જણાવ્યું છે. સાક્ષીએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે ખુલાસો આપ્યો હતો. સાક્ષી અને ધોની તાજેતરમાં તેમનાં નવા પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટની જાહેરાત કરી છે. લેટ્સ ગેટ મેરિડ રમેશ થમિલમાની દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ ધોની એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ તેલુગુમાં પણ રિલીઝ થશે. તેમાં નાદિયા, યોગી બાબુ અને મિર્ચી વિજય મુખ્ય ભૂમિકામાં છે.
એમએસ ધોની એક્ટિંગ ડેબ્યૂ કરી શકે છે
સાક્ષીએ ચેન્નાઈમાં તેના પ્રથમ પ્રોડક્શનને પ્રમોટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ફિલ્મ નિર્માતા શક્તિ, આરજે વિજય, નાદિયા, રમેશ થમિલમાની, ઈવાના અને હરીશ કલ્યાણ પણ હાજર રહ્યા હતા. જ્યારે સાક્ષીને પૂછવામાં આવ્યું કે શું એમએસ ધોની કોઈ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી શકે છે? આના જવાબમાં સાક્ષીએ કહ્યું, “જો કોઈ સારો પ્રોજેક્ટ આવે તો ધોની એન્ટ્રી મારી શકે છે. કારણ કે તે કેમેરા સામે શરમાળ વ્યકિત નથી. તે 2006થી એડ ફિલ્મોમાં અભિનય કરી રહ્યો છે અને તેને કેમેરા સામે આવવામાં ડર પણ નથી. તેથી જો કોઈ સારો પ્રોજેકટ હશે તો ચોક્કસ પણ તેઓ ડેબ્યુ કરશે.”
ધોની કઈ ફિલ્મથી ડેબ્યૂ કરશે?
આગળ સાક્ષીને જ્યારે પૂછવામાં આવ્યું કે ધોની કઈ પ્રકારની ફિલ્મો માટે પરફેક્ટ છે. ત્યારે તેણે કહ્યું “એક્શન… તે હંમેશા એક્શનમાં હોય છે. આ ઉપરાંત તેણે કહ્યું હું એમએસ ધોનીને ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં એટલે કે હીરો તરીકે બતાવવાનું પસંદ કરીશ. સાક્ષીએ કહ્યું જો પ્રોજેકટ અને રોલ સારો હોય તો એમએસ ધોની ફિલ્મમાં અભિનય કરવાનું વિચારશે.” કારણ કે વાસ્તવિક જીવનમાં તો તે સુપરહીરો છે જ અને મને પણ તેને સુપરહીરોની ફિલ્મમાં જોવાનું ગમશે”.