આપણો પ્રતિક ગાંધી કાંઇ શાહરૂખ કે રિતીક, રણબીરની જગ્યા લેશે એવું તો તેણે પોતે કે તેને જાણનારા કોઇએ માન્યું નહોતું પણ કહેવું જોઇએ કે તેણે અત્યાર સુધી જેટલી પણ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં તેની ભૂમિકા આખી ફિલ્મનાં કેન્દ્રમાં હતી. પ્રતિકે નાની અને બિનમહત્વની ભૂમિકામાં પોતાને ખર્ચ્યો નથી. ગુજરાતી નાટકો અને પછી ‘સ્કેમ 1992’ નામની વેબ સિરીઝમાં હર્ષદ મહેતાના પાત્રને જબરદસ્ત કાબિલિયતથી જીવી જનાર પ્રતિક વિત્યા 4-5 વર્ષમાં ‘મડગાંવ એકસપ્રેસ’, ‘દો ઔર દો પ્યાર’, ‘ધૂમધામ’, ‘દો બીંધા જમીન’, ‘ઘમાસાન’, ‘અગ્નિ’ જેવી ફિલ્મોથી પોતાનું વજૂદ ઊભું કરી શકયો છે. વિદ્યા, ઇલિયાના, યામી જેવી અભિનેત્રીઓ સાથે કામ કરી પ્રેક્ષકોની આંખમાં વસ્યો છે. પ્રતિક પોતાની કારકિર્દીનો મેનેજર છે. ધીરજપૂર્વક તે ફિલ્મો પસંદ કરે છે. સારા વિષય અને સારા પાત્રો પર તેની નજર રહે છે એટલે થ્રીલર, કોમેડી, રોમેન્ટિક અને સોશ્યલ પાત્રો તેની પાસે આવ્યા છે. હવે તેની ‘ફૂલે’ નામની ફિલ્મ આવી છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ 19મી સદીમાં (11 એપ્રિલ 1827 થી 28 નવેમ્બર 1890) બાળ લગ્ન, વિધવા વિવાહ દલિતો માટે ન્યાય માટે જબરદસ્ત લડત લડી મહાત્માનું બિરુદ મેળવેલું. પ્રતિકે ‘ફૂલે’માં જયોતિબા ફૂલેની ભૂમિકા ભજવી છે અને ટ્રેલર જોયા પછી કહેવાયું છે કે તે આ ભૂમિકામાં આખેઆખો ડૂબી ગયો છે. પ્રતિકની ખાસિયત જ આ છે કે હર્ષદ મહેતા હોય તો હર્ષદ જ મહેતા હોય અને ગાંધી હોય તો બસ ગાંધી હોય. હવે ફૂલે તરીકે તેણે પત્રલેખા સાથે પોતાની પ્રતિતા દેખાડી છે. પ્રતિક કહે છે કે મને આ ભૂમિકા ભજવવા મળી તેને હું મારું ભાગ્ય ગણું છું. પ્રતિક ગાંધી પોતાની રજૂ થતી દરેક ફિલ્મે પોતાનું સ્થાન વધારે મજબૂત કરી રહ્યો છે. તે પોતાની ટેલેન્ટ અને દરેક ફિલ્મ પછી ડેવલપ થતી ઇમેજ પ્રમાણે આગળ કામ કરતો જાય છે. અત્યારેતેની પાસે ‘ફૂલે’ પછી હંસલ મહેતા દિગ્દર્શીત ‘ગાંધી’ ટી.વી. સિરીઝ છે. એ સિરીઝમાં કસ્તુરબા તરીકે પ્રતિકની પત્ની ભામિની ઓઝા જ કામ કરે છે. આ સિરીઝ રજૂ થશે પછી ફરી તે દેશ આખામાં ચર્ચાવાનો છે. તેની પાસે ‘સારે જહાં સે અચ્છા’ જેવી સિરીઝ પણ છે જેમાં ભારતનાં પરમાણુ કાર્યક્રમ અને જાસૂસીની વાત સાથે સરહદનો જંગ છે. પ્રતિક સારી વેબ સિરીઝ હોય તો તરત સ્વિકારે છે. સારા પાત્ર પર જાન રેડીને કામ કરવું તે તેનો મિજાજ છે એટલે ફિલ્મ હોય કે વેબ સિરીઝ તે પોતાને પ્રેક્ષક વચ્ચે પાત્રની પાત્રતા વડે એસ્ટાબ્લિશ કરી દે છે. પ્રતિક પાસે હમણાં ‘અવતરણ’ નામની ફિલ્મ અને તાપસી પન્નુ સાથેની ‘વો લડકી હૈ કહાં’ જેવી કોમેડી ફિલ્મ પણ છે. તે જાણીતી અભિનેત્રી સાથે આવે ત્યારે ખવાય નથી જતો, પોતાને પૂરવાર કરે છે. પ્રતિક ગાંધીને તમે રાજકુમાર રાવ જેવો ન ગણી શકો કારણ કે દરેક ફિલ્મે પ્રતિક એક નવો ઉત્સાહ જગાડે છે. ‘ફૂલે’ની ભૂમિકા તેને હજુ વધારે સારો સાબિત કરશે. તેના નસીબમાં ઘણા મહાત્મા લખાયેલા લાગે છે. મહાત્મા ફૂલે, મહાત્મા ગાંધી. હર્ષદ મહેતાએ શેર બજારને ઉપર નીચે કરેલું. પ્રતિક શાંત રીતે ફિલ્મોમાં પણ એવું કરે છે. •

