SURAT

સુરતના યુવાનો મહાશિવરાત્રીની ઉજવણી પણ સ્ટાઈલિશ અંદાજમાં કરે છે, કોઈ કરાવે ટેટૂ તો…

દેવોના દેવ મહાદેવની ભક્તિમાં લીન થવાનો દિવસ મહાશિવરાત્રી આવતીકાલે છે. શહેરના મોટાભાગના શિવ ઉપાસકો મહાશિવરાત્રીના પાવન અવસરે ઉપવાસ કરશે. સુરતીઓ વર્ષોથી વ્રત-ઉપવાસમાં સાબુદાણા, મોરયો, શિંગોડા, રાજગરાની વાનગીઓનો ફરાળ કરે છે પણ સુરતી યંગસ્ટર્સ ફાસ્ટફૂડ ફેન છે. તેમને મહાશિવરાત્રી પર શિવજીની કૃપા પ્રાપ્ત કરવા પૂજાની સાથે ઉપવાસ તો કરવો છે, સાથેસાથે ફાસ્ટ ફૂડનો સંગ પણ નથી છોડવો. તેમને સાબુદાણા- મોરયાની ખીચડી કે વડાનો ટેસ્ટ ફિકો લાગે છે . તો તેનો પણ રસ્તો કાઢી લે છે. ઉપવાસની ફરાળી વાનગીને જ ઇનોવેટ કરે છે અને એને પણ ફાસ્ટ ફુડની જેમ પીરસવાની અને ખાવાની વ્યવસ્થા કરી દે છે, જે ઉપવાસની સાથે તેમને ફાસ્ટ ફુડની મજા પણ આપે છે. તો બીજી તરફ યંગસ્ટર્સ મહાદેવને 3D ટેટુ સ્વરૂપે હાથ પર કરી રહ્યાા છે અંકિત. તો ચાલો અહીં આપણે જાણીએ ફરાળી ફાસ્ટ ફૂડનો નવો ટ્રેન્ડ અને મહાદેવના અનોખા ટેટુ ફિવરને…

યુવતીઓ ત્રિશુલ, ડમરુનું ટેટુ બનાવે છે: દર્શન ગોહિલ
ટેટુ આર્ટિસ્ટ દર્શનભાઈ ગોહિલે જણાવ્યું કે મહાશિવરાત્રીના થોડાક દિવસો પહેલા અને આખા શ્રાવણ મહિનામાં 20 થી 40 વર્ષના યુવક-યુવતીઓમાં દેવોના દેવ મહાદેવનું ટેટુ બનાવવાનો ક્રેઝ જોવા મળે છે. યુવતીઓ શિવ-પાર્વતી, શિવના મંત્ર, ત્રિશુલ, ડમરુનું ટેટુ બનાવે છે. જેની સાઈઝ નાની હોય છે. જ્યારે યુવકો મોટી સાઉઝના મહાકાલ, મહાદેવ અક્ષરના અને શિવજીના ફેશના ટેટુ બનાવે છે. 3D ઇફેક્ટ પણ અપાય છે. મોટાભાગના યંગસ્ટર્સ પરમનન્ટ ટેટુ બનાવે છે. આની ઈંક વિદેશથી આવે છે તે ઇન્ડિયામાં નથી બનતી.

હું ત્રણ વર્ષથી ફરાળી ફાસ્ટ ફૂડ ઓર્ડરથી મંગાવું છું: વૈશાલીબેન જાની
એસ્ટ્રોલોજીના વ્યવસાય સાથે સંકળાયેલા વૈશાલીબેન જાનીએ જણાવ્યું કે મારા પરિવારમાં શકકરિયાનો શિરો, ફરાળી ખીચડી કરતા પણ ફરાળી ફાસ્ટ ફૂડ જેમકે ફરાળી ઈડલી, ફરાળી હાંડવો, રાજગરાના લોટના દહીં વડા વધારે પસંદ કરાય છે. મને ટેસ્ટી ફુડ ખાવાનો એટલો શોખ છે કે હું બીઝી રહેતી હોવા છતાં જયારે ઉપવાસ કરું છું ત્યારે ટેસ્ટી ફરાળી ફાસ્ટફુડ ઓર્ડર કરીને પણ મંગાવું છું અને એને ખાવાની મજા માણું છું. ઇન્ડિયા બહારથી આવતા લોકોને તો સાબુદાણાની ખીચડી, વડા વગેરે પણ ભાવી જાય છે કેમકે ત્યાં આ બધી વેરાયટી મળતી નથી.

સાબુદાણાના ઢોસા અને મોરયાની ઈડલી
સાઉથ ઇન્ડિયન લોકોનું પ્રિય ફૂડ ઢોસા અને ઇડલી સુરતીઓની ફેવરિટ ડિશ બની જ છે. જેને હવે ફરાળી ઇન્ગ્રીડીયન્ટસનો ઉપયોગ કરીને ફરાળી ઢોસા અને ઇડલીનું રૂપ આપવામાં આવ્યું છે. ફરાળી ઢોસા સાબુદાણા, મોરયા, રાજગરા અને સીંગોડાનો લોટ યુઝ કરી બનાવાય છે. જ્યારે ઈડલી સૌથી વધારે મોરયા (સામો )ની ખવાય છે.

મેં હાથ પર અંકિત કર્યા છે મહાદેવને: નિશાંત જોશી
નિશાંતભાઈ જોશીએ જણાવ્યું કે હું બાળપણથી જ શિવજીનો ભક્ત રહ્યો છું. રોજ શિવજીના મંદિરે જવાનો મારા પરિવાર નો ક્રમ રહ્યો છે. મહાશિવરાત્રીને લઈને મેં 10 દિવસ પહેલા જ હાથ પર શિવજીને અંકિત કરવા પરમનન્ટ ટેટુ બનાવ્યું છે એ રીતે મહાદેવ પ્રત્યે મારી શ્રદ્ધા વ્યક્ત કરી છે. આ ટેટુ બનાવવા માટે મેં 10 કલાક આપ્યા. સવારે 11 થી રાતના 9 વાગ્યાં સુધીનો સમય આ ટેટુ બનાવવામાં લાગ્યો છે.

સિનિયર સિટીઝન કરતા યંગસ્ટર્સને વધુ પસંદ છે
ઘરમાં વર્ષોથી ફરાળી ખીચડી બનતી જ હોય છે. પણ યંગસ્ટર્સ ફાસ્ટ ફૂડ ખાવા ટેવાયેલા છે, એટલે તેઓ આવા ફરાળી ફાસ્ટફૂડ પસંદ કરે છે. જ્યારે સિનિયર સિટીઝન તેનો સ્વાદ ક્યારેક જ લેતા હોય છે. વળી, લોકો આ ફરાળી ફૂડ ઘરે બનાવવાનું પસંદ કરે છે.
યુ-ટ્યૂબ પરથી થયું ઇનોવેશન
આજકાલ You tube અને સોશ્યલ મિડીયા પર વિવિધ રેસિપીઝ જોઇને બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે તે પણ આવા ઇનોવેશન્સનું કારણ બન્યું છે.

ફરાળી આલુ ચાટ અને મખાના ચાટ, દહીં વડા અને સેન્ડવીચ
આલુ ચાટ યંગ સ્ટર્સનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે તેને પણ ફરાળનું રૂપ અપાયું છે. બોઇલ્ડ આલુને એકદમ ઓછા તેલમાં ફ્રાય કરવાનું પછી દહીંમાં ખાંડ,કાળા મરીનો ભુક્કો, મીઠું નાખીને દહીંને આલુના ફ્રાય ટુકડા પર પાથરી દેવાનું અને પછી દાઢમના દાણા તથા ફુદીનાની ચટણીથી ગાર્નિશ કરી લેવાનું. આજ રીતે મખાનાને ઘીમાં ફ્રાય કરી ચાટ બનાવાય છે. ઉપવાસમાં ખવાય એ રીતે બટાકા અને મોરયાના દહીં વડા અને સાબુદાણાની સેન્ડવીચ પણ હવે તો યંગસ્ટર્સનું મનગમતું ફરાળી ફાસ્ટ ફૂડ બન્યું છે.

Most Popular

To Top