Business

આ દિવસે બ્રહ્મા-વિષ્ણુ સમક્ષ શિવજી પહેલીવાર શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયાં હતા

સુરત: 18 ફેબ્રુઆરીએ એટલે કે શનિવારે મહાશિવરાત્રીની ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શિવમંદિરો ભોલેનાથના નાદ સાથે ગુંજી ઉઠશે. શિવમંદિરોમાં અક્ષત, ચંદન, બિલિપત્રો અને પંચામૃત સાથે શિવજી પર વિશેષ જળાભિષેક અને રુદ્રીના આયોજનો કરાશે. ભક્તગણ તે દિવસે ઉપવાસ રાખી શિવ-પાર્વતીની આરાધના કરશે, શિવમંદિરોમાં ભજન અને ભંડારાના આયોજનો થશે. શહેરમાં આવેલા કેટલાક ખાસ મંદિરો જેમકે કતારગામ કાંતારેશ્વર મહાદેવ, પીપલોદ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ, રૂંઢનાથ મહાદેવ, અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર જ્યારે ઓલપાડ મહાદેવ મંદિરમાં શિવજીની વિશેષ પૂજાનાં આયોજનો કરાશે.

આખરે મહાશિવરાત્રીની ઉજવણી કેમ કરવામાં આવે છે, તે પાછળ પણ બે માન્યતા છે, મહા મહિનાની કૃષ્ણપક્ષની તેરસના દિવસે ભગવાન બ્રહ્મા- વિષ્ણુની સામે શિવજી શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા. તો બીજી તરફ શિવજી અને પાર્વતીજીનાં લગ્ન પણ થયા હતા. શિવજી અને માતાજી પાર્વતીના લગ્ન પહેલાંના એક પ્રસંગની વાત કરીએ તો શિવજી માતા પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે હિમાલય રાજને ત્યાં જાન લઈને પહોંચ્યા હતા. તે સમયે ભગવાન શિવનો શૃંગાર ખૂબ જ અજબ હતો. ભગવાનના શરીર રાખ લગાવેલી હતી અને ગળામાં સાપ હતો. હિમાલય રાજની પત્ની અને પાર્વતીની માતા મેના દેવી ભગવાન શિવનું આવું રૂપ જોઈને ડરી ગયા હતા.

મેના દેવીએ ભગવાન શિવજીને જોઈને કહ્યું કે, હું મારી દીકરીના લગ્ન શિવજી સાથે નહીં કરાવું. જો મને પહેલા જ આ વાતની જાણ હોત તો હું લગ્ન માટેની તૈયારી જ ન કરત. હું નારદજીના કહેવા પર આ સંબંધ માટે તૈયાર થઇ હતી, પરંતુ હું હવે આ વરરાજા સાથે મારી દીકરીના લગ્ન નથી કરાવવા ઇચ્છતી. શિવજી આ સાંભળીને ચૂપ રહ્યાં હતા. તે સમયે કોઈએ શિવજીને પૂછ્યું કે તમને ગુસ્સો નથી આવતો? તમારું અપમાન થઈ રહ્યું છે. તે સમયે શિવજીએ કહ્યું કે, હું લગ્ન કરવા માટે આવ્યો છું તેથી મારે અહંકાર ન કરવો જોઈએ, હું જેવો છું તે હું સારી રીતે જાણું છું, અન્ય લોકો મારા વિશે ગમે તે વિચારી શકે છે. મને આ વાતથી કોઈ ફર્ક નથી પડતો, ત્યારબાદ નારદ મુનિએ મેના દેવીને સમજાવ્યા અને બાદમાં મેના દેવી શિવજી અને પાર્વતીના લગ્ન માટે તૈયાર હતા. બાદમાં રંગેચંગે દેવી પાર્વતી અને શિવજીના લગ્ન સંપન્ન થયા હતા. આ કારણસર દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને શિવ-પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

Most Popular

To Top