National

’22 ધારાસભ્યો અને 9 સાંસદો શિંદે જૂથ છોડી દેશે’, ઉદ્ધવ જૂથના વિનાયક રાઉતનો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રની (Maharastra) રાજનીતિમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી શિંદેજૂથ અને ઉદ્ધવજૂથ. ત્યારે હવે ઉદ્ધવ જૂથના વિનાયક રાઉતે (Vinayak Raute) દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની શિંદે સરકાર પડવાના આરે આવી ગઈ છે કારણકે શિંદે જૂથના 22 ધારાસભ્યો અને 9 સાંસદો તેમનાથી નારાજ છે જેના કારણે તેઓ ફરી ઉદ્ધવજૂથનો સહારો લઈ શકે છે.

વિનાયક રાઉતે કહ્યું કે નારાજ તમામ ધારાસભ્યો અને સાંસદોની ફરિયાદ છે કે શિંદે જૂથમાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા. તેમના મતવિસ્તારમાં કોઈ વિકાસનું કામ થઈ રહ્યું નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત સાંભળતા નથી. અગાઉ શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરે પણ ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બીજેપી શિંદે શિવસેના મારી સાથે સારો વ્યવહાર નથી કરી રહી. શિંદે શિવસેનાના સાંસદો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યા છે. તેમની અવગણના કરવામાં આવી રહી છે.

દેસાઈએ રાઉતને આ નિવેદન પાછું ખેંચવા માટે બે દિવસની નોટિસ આપી
ઉદ્ધવ જૂથના વિનાયક રાઉતના આ દાવાને શિંદે જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ ફગાવી કાઢ્યો હતો. તેમણે કહ્યું શું વિનાયક રાઉત જયોતિષ છે જે ભવિષ્ય જોઈ શકે છે? શું તે ફેસ રીડિંગ જાણે છે? તેઓ કંઈપણ કહે. તેમની વાતમાં કોઈ જ તથ્ય નથી. ધારાસભ્યો અને સાંસદ સભ્યોને કોઈ નારાજગી નથી, અમે બધા શિંદેજૂથ સાથે કામ કરીને સંતુષ્ટ છીએ. દેસાઈએ કહ્યું કે અમે સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં સારું કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વિનાયક રાઉતની આવી વાતો પર અમે ધ્યાન આપતા નથી. તેમણે કહ્યું કે વિનય રાઉતે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ. ચેતવણી આપતા દેસાઈએ રાઉતને બે દિવસની નોટિસ આપી છે. તેમણે કહ્યું કે જો રાઉત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે.

Most Popular

To Top