છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની સંભાવનાઓ વધતી જઈ રહી છે. એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવાર ભાજપમાં જોડાઈ જાય તેવી ચર્ચા સતત ઉઠી રહી છે. તેવામાં હવે આજે શરદ પવારના એક નિવેદનને પગલે રાજકીય ગરમાટો વધી ગયો છે. પત્રકાર પરિષદ બાદ શરદ પવારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 2024માં અમે મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં ચાલુ રહેશું કે નહીં તે નક્કી નથી.
એનસીપી ચીફ પવારે અમરાવતીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું 2024માં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન સાથે મળીને તમે ચૂંટણી લડશો? જેના પર તેમણે કહ્યું કે આજે અમે મહાવિકાસ આઘાડીનો જ ભાગ છીએ અને અમારી સાથે કામ કરવાની પણઈચ્છા છે. પરંતુ માત્ર ઈચ્છા રાજકારણમાં પૂરતી હોતી નથી. બેઠકોની ફાળવણી, અન્ય કોઈ સમસ્યા, જેવા વિષયો ઉપર હજુ કોઈ ચર્ચા થઈ નથી. તો હું તમને આ અંગે અત્યારથી કેવી રીતે બતાવી શકું?
તેમણે વધુમાં ઉમેર્યું કે મહારાષ્ટ્રમાં જે તોડફોડની રાજનીતિ શરૂ થઈ છે, તેનાથી રાજ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે. જેમણે તોડફોડની રાજનીતિક કરવી હોય, તે એવી રાજનીતિ કરે, પરંતુ અમારે જે કરવાનું છે, અમે તે જ કરીશું. પવારે ફરી એકવાર અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા કરાઈ રહેલી જેપીસી તપાસની માગણીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, જેપીસીમાં 21 સભ્યો હશે. જેમાંથી 15 સત્તાધારી અને 6 વિપક્ષી સાંસદ હશે. જેથી જેપીસી કમિટીનો શું નિર્ણય હોઈ શકે તે અંગે અંદાજ લગાડવાની કોઈ જરૂર નથી. તેમણે ઉમેર્યું કે આ મુદ્દે જેપીસી નહીં પરંતુ સુપ્રીમ કોર્ટની સમિતિ વધુ પ્રભાવી બનશે. તે છતાં વિપક્ષી દળો જો જેપીસીની માગણી કરે છે તો હું તેમની સાથે રહીશ.
બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એનસીપી ચીફના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, શરદ પવાર ખુબ અનુભવી નેતા છે અને તેમનું આ નિવેદન અત્યંત મહત્વનું છે. તેમના નિવેદનમાં ખુબ ગંભીરતા હોય છે. જેમને જે વિચારવું હોય તે વિચારે, તેનાથી વધુ કંઈ કહેવું મને ઉચિત નથી લાગતું
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના મોટા પ્રયાસ થઈ રહ્યાં છે. એક તરફ સંજય રાઉત શિંદે-ફડણવીસ સરકાર પડવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ અજિત પવાર ભાજપ સાથે જવાની ચર્ચા જોરશોરમાં ઉઠી છે. એવો દાવો છે કે એનસીપીના 53 વિધાયકો પૈકીના લગભગ 30થી વધુ વિધાયકો શિંદે-ફડણવીસ સરકારનો ભાગ બની શકે છે. બીજી દાવો તો એવો પણ છે કે અજિત પવારને એનસીપીના પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, છગન ભૂજબળ, ધનંજય મુંડે જેવા કદાવર નેતાઓનું સમર્થન મળ્યું છે. અલબત્ત શરદ પવાર આ ઉથલપાથલને રોકવાના પ્રયાસમાં છે.