મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રાજ્યમાં શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે તમામ શાળાઓ (Schools) ખોલવાની મંજૂરી આપી દીધી છે. સીએમએ કહ્યું છે કે શાળાઓ ખોલવા માટે તમામ કોવિડ સંબંધિત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે ધોરણ 1 થી ધોરણ 12 સુધીની શાળાઓ 24 જાન્યુઆરીથી ખોલવામાં આવશે. રાજ્યમાં કોરોનાનો પીક આવી ગયો છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હવે અહીં કોરોનાના કેસમાં (Case) ઘટાડો થઈ રહ્યો છે, જેને જોતા હવે સરકાર દ્વારા શાળાઓને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં પોઝીટીવીટી રેટ 10 ટકા છે જ્યારે રિકવરી રેટ 94.4 ટકા પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી રાજેશ તોપેએ કહ્યું હતું કે રાજ્યભરમાંથી સ્કૂલોને ખોલવાની માગ થઈ રહી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્કૂલ ખોલવાના શિક્ષણ વિભાગના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. સોમવારથી પ્રી-પ્રાઈમરીથી લઈ ધોરણ 12 સુધીના વર્ગો ઓફલાઈન શરૂ થશે. બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હતી, આથી કોવિડ પ્રોટોકોલ સાથે અમે 24 જાન્યુઆરીથી તમામ સ્કૂલો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પહેલાં ઓમિક્રોનના કેસ વધતાં મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરાઈ હતી.
જણાવી દઈએ કે બુધવારે મહારાષ્ટ્રમાં 43 હજાર 697 કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.17 લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 8 મહિના બાદ નવા કેસ 3 લાખને પાર થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 લાખ 24 હજાર 51 થઈ ગઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 693 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 23 હજાર 990 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 58 લાખ 7 હજાર 29 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 9287 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવીટી રેટ હવે 16.41% છે.
જણાવી દઈએ કે ત્રીજી લહેરમાં 8 મહિના પછી દેશમાં નવા કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. બીજી લહેરમાં કેસમાં ઘટાડા દરમિયાન 15 મેના રોજ 3.11 લાખ કેસ જોવા મળ્યા હતા. એક્ટિવ કેસની સંખ્યામાં 91 હજાર 519નો વધારો નોંધાયો હતો. હાલમાં દેશમાં 19.16 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં પ્રથમ વખત 2 લાખથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે.