મુંબઈ: (Mumbai) મુંબઈ પાસેનાં વિરારમાં (Virar) એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 3000 કરોડ રૂપિયાના આ જમીન મકાન કૌભાંડમાં (Scam) પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ, એજન્ટ્સ, હોમ લોન પ્રોવાઈડર, રબર સ્ટેમ્પ મેકર્સ આ કૌભાંડના ભાગીદાર છે જેમણે વસઈ વિરાર વિસ્તારમાં નકલી દસ્તાવેજોની (Document) મદદથી ઘણી ઇમારતો બનાવી અને હજારો લોકોને વેચી દીધી. આ ઇમારતોમાં બનેલા ફ્લેટની કિંમત 15-20 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. વિરાર પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આવી 55 થી વધુ ઇમારતો છે જેને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ આરોપીઓ 2015થી આ છેતરપિંડી કરી રહ્યા છે.
પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે આરોપીઓ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આદિવાસીઓની ખેતીની જમીનને બિનખેતીની જમીનમાં ફેરવતા હતા. આ પછી તેઓ રેરામાં નકલી દસ્તાવેજો રજૂ કરીને મંજૂરી મેળવતા હતા. એક અધિકારીએ જણાવ્યું કે RERA દ્વારા ક્લિયરન્સ મળવાને કારણે મોટી બેંકો આ મકાનો માટે આરામથી હોમ લોન આપતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડ લગભગ 3 હજાર કરોડનું હોઈ શકે છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડમાં 3500 પરિવારો ફસાયા છે. હજુ સુધી કોઈ એજન્સી પાસે આ હેરાફેરી અંગે કોઈ માહિતી નથી. ખાસ વાત તો એ છે કે આ ઈમારતોના ખરીદદારોને PMO તરફથી 2.5 લાખ રૂપિયાની સબસિડી પણ મળી છે.
મળતી માહિતી મુજબ આ ઈમારતોના ફ્લેટમાં રહેતા પરિવારોની સંખ્યા 3500 જેટલી છે. આ તમામ લોકો નિમ્ન મધ્યમ વર્ગના પરિવારના છે જેમણે પોતાના જીવનની કમાણી ઘર ખરીદવા માટે ખર્ચી નાખી છે. વિરાર પોલીસના જણાવ્યા અનુસાર બનાવટી સ્ટેમ્પ સાથે બનાવટી દસ્તાવેજો સબમિટ કરીને રેરાની પરવાનગી મેળવ્યા બાદ ઇમારતો બાંધવામાં આવી હતી. આરોપીઓ પાસેથી કલેક્ટર, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ, સબ-રજિસ્ટ્રાર, આર્કિટેક્ટ અને એમએમઆરડીએના એન્જિનિયરો સહિત કુલ 155 નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા છે. આ સાથે પોલીસે નકલી લેટરહેડ પણ જપ્ત કર્યા છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી પ્રશાંત પાટીલને માસ્ટરમાઇન્ડ જણાવવામાં આવી રહ્યો છે. પ્રશાંત સિંધુદુર્ગ જિલ્લાના એક ખેડૂતનો પુત્ર છે જેણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે 2010માં નોકરીની શોધમાં વિરાર આવ્યો હતો. અહીં તેમને ખબર પડી કે રિયલ એસ્ટેટમાં ઘણો મોટો અવકાશ છે. આ પછી પ્રશાંતે કોપરી ગામમાં પોતાની ઓફિસ ખોલી. જ્યારે પાટીલ 20 વર્ષનો હતો ત્યારે તેને પહેલો ક્લાયન્ટ મળ્યો જેણે તેને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સફળ થવામાં મદદ કરી. ત્યારબાદ પાટીલ બનાવટી દસ્તાવેજોની મદદથી ઈમારતો બનાવવા લાગ્યો અને તેને વેચવા લાગ્યો.