મહારાષ્ટ્રમાં આજે પણ પોલીટીકલ ડ્રામા ચાલુ છે. ઘણા વધુ ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ શિંદે સાથે 49 એમએલએ જોડાયા છે. આનાથી ઠાકરે વધુ નબળા પડ્યા છે. આ પહેલા ગઈકાલે સીએમ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી નીકળીને માતોશ્રી તેમના ઘર પહોંચ્યા હતા. ઠાકરેએ અત્યારે સીએમ પદ છોડ્યું નથી, પરંતુ તેમણે સંકેત આપ્યો કે જો બળવાખોરો આગળ આવીને વાત કરશે તો તેઓ તેના માટે પણ તૈયાર છે. બીજી તરફ વાયરલ થયેલા એક વીડિયોમાં શિંદેએ ભાજપનું નામ લીધા વગર પોતાની સાથે જોડાયેલા ધારાસભ્યોને કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ, રાષ્ટ્રીય દળ ઊભો છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે સત્તા સંભાળી છે. શરદ પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે મહા વિકાસ અઘાડી (MVA) એ સીએમ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ઠાકરે પાસે બહુમતી છે અને તે ફ્લોર ટેસ્ટમાં જાણી શકાશે. શરદ પવારે એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું, ‘એકનાથ શિંદેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમની પાછળ કોણ છે. બળવાખોરો અઢી વર્ષ સુધી અમારી સાથે રહ્યા. અઢી વર્ષ પહેલા તેઓ ક્યાં હતા? તેમને અઢી વર્ષમાં હિન્દુત્વ કેમ યાદ ન આવ્યું?’ તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) એ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઉદ્ધવ સરકારના વખાણ કરતાં NCP વડાએ કહ્યું કે આ સરકાર સારું કામ કરી રહી છે. ગઠબંધન પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં.
મહાવિકાસ અઘાડી ગઠબંધન છોડવા તૈયાર: સંજય રાઉત
રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ધારાસભ્યો ઈચ્છે તો શિવસેના મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનથી અલગ થવા માટે તૈયાર છે. સંજય રાઉતે કહ્યું કે ધારાસભ્યોએ ગુવાહાટીથી સંદેશો ન આપવો જોઈએ. તેઓએ મુંબઈ પાછા આવીને વાત કરવી જોઈએ, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઈએ. જો તમામ ધારાસભ્યો ઈચ્છે છે કે અમે MVA ગઠબંધનમાંથી બહાર આવીએ તો આ અંગે પણ વાતચીત થશે. પરંતુ તેમણે મુખ્યમંત્રી સાથે આવીને વાત કરવી પડશે.
સંજય રાઉતે કહ્યું કે જો એકનાથ શિંદે સાથે હાજર તમામ ધારાસભ્યોને લાગે છે કે તેઓ એનસીપી અને કોંગ્રેસ સાથે રહેવા માંગતા નથી, તો તમારે અહીં મુંબઈ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. અમે સત્તા છોડવા તૈયાર છીએ. રાઉતે કહ્યું કે હું એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોને આવતા 24 કલાકનો સમય આપું છું.
અમે MVA સાથે: નાના પટોલે
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે શિવસેનાની સાથે છીએ. EDના કારણે આ ખેલ થઈ રહ્યો છે. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. અમે MVA સાથે છીએ અને રહીશું. જો શિવસેના કોઈની સાથે ગઠબંધન કરવા માંગતી હોય તો અમને કોઈ વાંધો નથી.
સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ રણનીતિ બદલશે
ગઠબંધન પર શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદન બાદ હવે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી કોંગ્રેસ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં હતી. પરંતુ રાઉતના નિવેદન બાદ કોંગ્રેસે સાંજે 5 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પોતાના નેતાઓની બેઠક બોલાવી હતી. એચકે પાટીલ, બાળાસાહેબ થોરાટ, નાના પટોલે અને અશોક ચૌહાણ સહિતના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
શરદ પવારે આપ્યા સરકાર તૂટવાનાં સંકેત
શરદ પવારે મહારાષ્ટ્ર સરકાર પડવાના સંકેત આપ્યા છે. એનસીપીની બેઠકમાં શરદ પવારે કહ્યું કે, વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઇ જાવ.
‘અમને અયોધ્યા જતા કેમ રોક્યા’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પત્ર
એકનાથ શિંદેએ પોતાની વાત સીએમ ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગુવાહાટીના એકનાથ શિંદેએ ટ્વિટર પર એક પત્ર શેર કર્યો છે. આ સાથે લખવામાં આવ્યું છે કે ‘આ ધારાસભ્યોની ભાવના છે’. જેમાં ઉદ્ધવને ટોણો મારવામાં આવ્યો છે. આ પત્ર સંજય શિરસાટે લખ્યો છે. જે ગુવાહાટીમાં હાજર છે. પત્રમાં સંજય શિરસાટે લખ્યું છે કે, જો અમારે તમને મળવું હોય તો અમને કેટલાક કલાકો સુધી વરસાદના કારણે બહાર રોડ પર ઉભા રાખવામાં આવ્યા હતા. અમે ફોન કર્યો ત્યારે આસપાસના લોકોએ ફોન પણ ઉપાડ્યો ન હતો. પછી આટલી રાહ જોયા પછી અમે ત્યાંથી નીકળતા.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે જ્યારે આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા ત્યારે ધારાસભ્યો પણ તેમની સાથે જવા માંગતા હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને ધારાસભ્યોને અયોધ્યા જતા રોકવા માટે કહ્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું છે કે અમારે રામલલાના દર્શન કરવા જવાના હતા, પરંતુ મુખ્યમંત્રીએ અટકાવ્યા.
વધુ ૪ ધારાસભ્યો સુરત આવવા રવાના
શિંદે ટીમમાં જોડાવવા માટે વધુ ૪ ધારાસભ્યો સુરત આવવા રવાના થયા હતા. આ ઉપરાંત સુરતથી 5 ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા છે. આમ આજે શિંદે ટીમમાં વધુ 9 ધારાસભ્યોની એન્ટ્રી થઈ હતી.
અંતિમ શ્વાસ સુધી ઠાકરે પરિવાર સાથે રહીશઃ સંજય
સંજયે કહ્યું કે અમારી પાસે આ ઘટના અને આવા તોફાનોનો સામનો કરવાનો જૂનો અનુભવ છે. દબાણ હેઠળ પક્ષ છોડનાર બાળાસાહેબનો ભક્ત ન હોઈ શકે. અમે હજુ પણ અમારા અંતિમ શ્વાસ સુધી ઠાકરે પરિવાર સાથે જ રહીશું. તેમણે કહ્યું કે ફ્લોર ટેસ્ટ ક્યારે થશે, કોણ પોઝિટિવ છે, કોણ નેગેટિવ છે, બધું જ ખબર પડશે.
ગુવાહાટી ગયેલા 20 ધારાસભ્યો અમારા સંપર્કમાંઃ રાઉત
સંજય રાઉત નિશ્ચિતપણે ગુવાહાટીમાં રહેલા 20 ધારાસભ્યોના સંપર્કનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સંખ્યાના આધારે બદલાઈ ગયું છે. ઉદ્ધવ પાસે હવે બહુ ઓછા ધારાસભ્યો બચ્યા છે. આંકડાઓના આંકડા પરથી પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. વાસ્તવમાં, હાલમાં 42 ધારાસભ્યો ગુવાહાટીમાં છે. જેમાં શિવસેનાના 38, 3 અપક્ષ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના 1નો સમાવેશ થાય છે. આ રીતે, તે સમજી શકાય છે કે સત્તાનું સંતુલન ક્યાં છે. સાથે જ એકનાથ શિંદેના સમર્થનમાં પોસ્ટર પણ દેખાવા લાગ્યા છે. મુંબઈમાં તેમના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
TMC નેતાઓનાં ગુવાહાટીમાં ધારસભ્યોની હોટલ સામે ધરણા
ગુવાહાટીમાં એકાએક હંગામો શરૂ થયો છે. જે હોટલમાં બળવાખોર ધારસભ્યો રોકાયા છે તે હોટલ બહાર TMC નેતાઓ અને કાર્યકરો તેમની સામે ધરણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે આસામ હાલમાં પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને આ દરમિયાન અહીં રાજકીય યુક્તિઓ રમાઈ રહી છે. ટીએમસી નેતાએ કહ્યું કે આ બધી રાજનીતિ મહારાષ્ટ્રમાં થવી જોઈએ.
ધારાસભ્યો બાદ હવે 8થી 9 સાંસદ નારાજ
ઉદ્ધવ સરકાર હવે તૂટવાની અગાર પર આવી ગઈ છે. કારણ કે જ્યારથી એકનાથ શિંદેએ બળવો કર્યો છે ત્યારથી ઘણા બધા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથે છોડી શિંદેની ટીમ સાથે જોડાઈ રહ્યા છે. ગતરોજ સીએમ ઉદ્ધવ ઠાકરે વર્ષા બંગલો ખાલી કરી તમામ સામાન લઈને માતોશ્રી પહોંચ્યા હતા. જો કે હાલમાં મળતી મહિતી પ્રમાણે ધારાસભ્યોની જેમ શિવસેનાના 19 સાંસદમાંથી લગભગ 8-9 સાંસદ પણ ઉદ્ધવનો સાથ છોડી શકે છે.