શિંદે સરકારના (Government) આયોજન દરમ્યાન ભર ઉનાળે (Hot) ખુલ્લા મેદાનમાં બેઠેલા 13 લોકોના મોત બાદ હવે મામલો ગરમાયો છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખારઘરમાં ભૂષણ પુરસ્કાર (Award) સમારંભમાં હાજરી આપનારા પૈકી 13 જેટલા લોકોનાં લૂ લાગવાથી (Heat Stroke) મોત (Death) નીપજ્યાં હતાં, જ્યારે સંખ્યાબંધ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં. આ મુદ્દાને હવે વિપક્ષે ઉઠાવ્યો છે અને એકનાથ શિંદે સરકારને ઘટના માટે જવાબદાર ગણી રાજીનામાની માંગણી કરી છે. તો બીજી તરફ અજીત પવારે મૃતકના પરિજનોને 20-20 લાખની સહાય કરવા શિંદે સરકારને પત્ર લખ્યો છે.
- રવિવારે રાયગઢના ખારઘરમાં એકનાથ શિંદે સરકારે ખુલ્લા મેદાનમાં ભરબપોરે ભૂષણ પુરસ્કાર સમારંભ યોજ્યો હતો
- કાર્યક્રમમાં હાજર રહેલાં લાખો પૈકી અનેકને લૂ લાગવાથી હોસ્પિટલ ખસેડાયા હતાંઃ અજીત પવારે મૃતકના પરિજનો માટે 20-20 લાખની સહાય માંગી
રવિવારે રાયગઢ જિલ્લાના ખારઘરમાં 306 એકરમાં ફેલાયેલા મેદાનમાં સમાજ સુધારક અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોના લાખો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જો કે દુઃખદ વાત એવી બની હતી કે ઉનાળાની ભરબપોરે આ કાર્યક્રમનું આયોજન ખુલ્લા મેદાનમાં કરવામાં આવ્યું હતું અને અસંખ્ય લોકોને લૂ લાગી હતી.
સમારંભમાં હાજરી આપનારા સંખ્યાબંધ લોકોને લૂની અસર જણાવા લાગી હતી અને સાંજ સુધીમાં તો સ્થાનિક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ ઉભરાવા લાગી હતી. તો બીજી તરફ ગંભીર રીતે લૂનો શિકાર બનેલા 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. લૂ લાગવાની આ ઘટનાને પગલે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર ઉપર પસ્તાળ પડવી શરૂ થઈ ચુકી છે.
મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓએ આ મુદ્દે સરકારને જવાબદાર ઠેરવી છે. વિપક્ષે કહ્યું છે કે હવામાન વિભાગ તરફથી ઊંચું તાપમાન અને કાળઝાળ ગરમી રહેવાની સંભાવના વ્યક્ત કરી હોવા છતાં સરકારે ભરબપોરે ખુલ્લા મેદાનમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સરકારની આ નિષ્ઠુર નીતિને કારણે જ 13 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે અને સંખ્યાબંધ લોકો બીમાર થઈ ગયા છે. જેથી વિપક્ષે માંગ કરી છે કે એકનાથ શિંદે સરકાર જવાબદારી સ્વિકારી તુરંત રાજીનામું આપે.
બીજી તરફ એનસીપી નેતા અજીત પવારે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. ખારઘારની આ ઘટના મુદ્દે તેમણે એકનાથ શિંદે સરકારને જવાબદાર ગણાવી એક પત્ર લખ્યો છે. જેમાં સરકાર ખારઘર દુર્ઘટનાના તમામ 13 મૃતકોના પરિજનોને રૂ. 20-20 લાખની સહાય કરે તેવી માંગ ઉઠાવી છે. તેમણે વધુમાં લખ્યું છે કે આ દુર્ઘટના કુદરતી નહીં પરંતુ માનવસર્જીત છે અને તેને માટે જવાબદાર પણ બીજું કોઈ નહીં, પરંતુ એકનાથ શિંદે સરકાર છે