ચંદ્રપુર: મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં ત્રણ દિવસીય તાડોબા ઉત્સવનું (Tadoba festival) આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ચંદ્રપુરમાં (Chandrapur) એક અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) બન્યો હતો. અહીં 26 પ્રકારના દેશી છોડનો ઉપયોગ કરીને કુલ 65 હજાર 734 છોડની મદદથી ‘ભારતમાતા’ લખવામાં આવ્યું હતું. શહેરના રામબાગ ફોરેસ્ટ કોલોની ગ્રાઉન્ડ (Rambaug Forest Colony Ground) ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર વન વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની એક ટીમ હાજર રહી હતી. ટીમ દ્વારા રેકોર્ડ અંગેના સંપૂર્ણ તારણો તપાસ્યા બાદ તેને વિશ્વ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ તેનું પ્રમાણપત્ર મંત્રી સુધીર મુનગંટીવારને સોંપવામાં આવ્યું હતું.
પ્રવાસન દ્વારા રોજગારીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો
તાડોબા-અંધારી ટાઈગર રિઝર્વને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે તાડોબા મહોત્સવ 1 માર્ચથી ચંદ્રપુર શહેરના ચાંદા ક્લબ મેદાનમાં શરૂ થયો છે. જેના અંતર્ગત વન વિભાગ તાડોબા-અંધારી ટાઈગર રિઝર્વમાં પ્રવાસન દ્વારા રોજગારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમજ વિશ્વ સ્તરે વન જાગૃતિ અને પર્યાવરણ જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
વન વિભાગની ભવિષ્યની કામગીરીને પ્રેરણા આપશે
આ પ્રસંગે મુનગંટીવારે જણાવ્યું હતું કે તાડોબાને પર્યાવરણ જાગૃતિ અને વિશ્વ વિક્રમોનું કેન્દ્ર બનાવવાનો ખ્યાલ એ એક પહેલ છે. જેના દ્વારા તે વનવિભાગની ભવિષ્યની કામગીરીને પ્રેરણા આપશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ભારત માટે શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમજ આ મહોત્સવ વિશ્વ માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે.
ઉદ્દેશ્ય: દેશ અને વિશ્વમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવું
મુનગંટીવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્ર વન વિભાગ આ વર્લ્ડ રેકોર્ડ દ્વારા દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ સાથે જ મુનગંટીવારે જણાવ્યું હતું કે આ વિશ્વ વિક્રમ માત્ર પ્રમાણપત્ર મેળવવા માટે નથી. પરંતુ દેશ અને વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ વિશ્વ વિક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિને પણ પ્રાત્સાહન મળશે.
આ સાથે જ મુનગંટીવારે કહ્યું, “આ રોપાઓ ઉગીને વૃક્ષો બની ગયા પછી, ડ્રોનની મદદથી એરિયલ ફોટોગ્રાફી કરવામાં આવશે, ત્યારે પણ તેની છબી ભારતમાતા લખેલી જોવા મળશે.”