National

મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ, એન્જીયોપ્લાસ્ટી કરાઈ

મહાવિકાસ અઘાડીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે વધુ એક દિવસ હોસ્પિટલમાં રહી શકે છે. તેઓને મંગળવારે સાંજે અથવા તેના બીજા દિવસે રજા આપી શકાય છે. એન્જીયોપ્લાસ્ટી બાદ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે. જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ 2014માં ઉદ્ધવ ઠાકરેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે ડોકટરોએ તેમના હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવા માટે 8 સ્ટેન્ટ નાખ્યા હતા.

તમને જણાવી દઈએ કે એન્જીયોપ્લાસ્ટી એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ અવરોધિત કોરોનરી ધમનીઓ ખોલવા માટે થાય છે. હૃદયમાં બ્લોકેજ હોય તો તે માટે હૃદયની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવે છે. તે ઓપન-હાર્ટ સર્જરી વિના હૃદયના સ્નાયુમાં રક્ત પ્રવાહને પુનઃસ્થાપિત કરે છે. કટોકટીની સ્થિતિમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

Most Popular

To Top