National

મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ મામલે MNSએ પોલીસને આપી દીધી આ ધમકી

મુંબઇ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ (Loudspeaker controversy in Maharashtra) ખૂબ જ વકરી રહ્યો છે. હવે આ વિવાદ વચ્ચે રાજ ઠાકરેની (Raj Thackerey) પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ પોલીસને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી છે. પાર્ટીએ સુપ્રીમ કોર્ટના (Supreme court) આદેશના સંદર્ભમાં પુણે પોલીસ કમિશનરને પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ઉતાર્યા બાદ તેને રસ્તા પર રાખો તેમજ મૌલાનાઓ પાસેથી સંમતિ પત્ર લો. એવું નહીં થશે તો MNS પોલીસ સ્ટેશનની સામે હનુમાન ચાલીસા વગાડીને પોતાનો વિરોધ પ્રદર્શન કરશે.

અઝાનનો વિરોધ નથી પરંતુ તે લાઉડસ્પીકર પર ન થવી જોઇએ: MNS
MNSએ કહ્યું કે તેઓ અઝાનની વિરુદ્ધ નથી, પરંતુ માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે આવું લાઉડસ્પીકર દ્વારા ન થવું જોઈએ. આ તમામ મસ્જિદોના મૌલવીઓ સાથે વાત કરીને પોલીસને લેખિત રિપોર્ટ આપવો જોઈએ. તેમણે વધુમાં કહ્યુ કે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ટૂંકમાં એક સંદેશ બહાર આવવો જોઈએ કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર અઝાન વગાડવામાં આવશે નહીં.

MNSએ પત્રમાં શું કહ્યું?
પુણે MNS દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે લાઉડસ્પીકર એક સામાજિક મુદ્દો છે અને અમે ધાર્મિક તિરાડ પેદા કરવા માંગતા નથી. અમે અમારા નિર્ણય પર અડગ છીએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ પત્ર દ્વારા માંગ કરે છે કે આખા પુણે શહેરમાં લગભગ 400 થી 450 મસ્જિદો છે. લગભગ તમામ મસ્જિદોમાં લાઉડસ્પીકર છે, જે અનધિકૃત છે. લાઉડ સ્પીકર હંમેશ માટે દૂર કરવા અથવા બંધ કરવા જોઈએ જેથી નજીકમાં રહેતા નાગરિકો તેમાંથી નીકળતા મોટા અવાજથી પરેશાન ન થાય.

આ સામાજિક મુદ્દો છે, ધાર્મિક નથી: રાજ ઠાકરે
MNSના વડા રાજ ઠાકરેએ પણ એક પત્ર દ્વારા કહ્યું હતું કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવે તો ધાર્મિક કે સામાજિક અણબનાવનો પ્રશ્ન જ ઊભો નહીં થાય અને મૌલવીઓ અમારી સાથે કાયદાનું પાલન કરશે. આ સામાજિક મુદ્દો છે, ધાર્મિક નથી. જો તેઓ તેને ધાર્મિક રંગ આપશે, તો અમે તે જ રીતે જવાબ આપીશું. અમે આ મુદ્દે શાંતિથી વાત કરવા માંગીએ છીએ. હું એમ નથી કહેતો કે અઝાન ન કરો, મસ્જિદમાં નમાઝ ન કરો. મારો વિરોધ એટલો જ છે કે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરો.

Most Popular

To Top