National

મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય પીએન પાટીલનું નિધન

નવી દિલ્હી: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ (State Vice President of Congress) અને કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પીએન પાટીલનું (PN Patil) આજે નિધન થયું હતું. પાટિલનું આજે 23 મે ના રોજ વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પાટીલે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

ધારાસભ્ય પીએન પાટીલ તેમના જીવનભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પાટીલ રવિવારે સવારે બાથરૂમમાં લપસી ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા પ્રાથમિક સારવાર બાદ જાણવા મળ્યું હતું કે બાથરૂમમાં પગ લપસી જતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમજ છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી.

સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય પીએન પાટીલના પાર્થિવ દેહને તેમના વતન ગામ સડોલી ખાલસા ખાતે સવારે 11 વાગ્યે લઈ જવામાં આવશે. તેમજ પાટીલના અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવશે.

પીએન પાટીલ રવિવારે સવારે લગભગ 8.30 વાગ્યે ઘરે બાથરૂમમાં લપસી ગયા બાદ બેભાન થઈ ગયા હતા. આ પછી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું. આ પછી એમઆરઆઇમાં મગજમાં લોહી નીકળતું જોવા મળ્યું હતું. ત્યાર બાદ તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી.

જોકે તેમના મગજમાં સર્જરી બાદ સોજો યથાવત હતો. આથી તેમની હાલત સ્થિર હોવા છતાં ગંભીર હતી. આ સાથે જ કોંગ્રેસના કાર્યકરો તેમના લાંબા આયુષ્યની કામના કરી રહ્યા હતા. પરંતુ ચાર દિવસ બાદ આજે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. મુંબઈના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.સુહાસ બરાલેના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.

જણાવી દઇયે કે છત્રપતિ શાહુ મહારાજ કોલ્હાપુર લોકસભા માટે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેથી ધારાસભ્ય પી.એન. પાટીલ કરવીર મતવિસ્તારની સાથે જંજાવતી જિલ્લામાં પણ પ્રચાર કર્યો હતો. તેમજ સોમવારના મતદાનમાં છ વિધાનસભા મતવિસ્તારોમાંથી કોલ્હાપુર લોકસભામાં સૌથી વધુ 80 ટકા મતદાન થયું હતું.

પાટીલ કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેથી તેમણે એકલા હાથે આ વિસ્તારમાં પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. પાટીલનું નામ લોકસભાની ચૂંટણી માટે પણ ચર્ચામાં હતું. જોકે, તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top