National

આજે મહારાષ્ટ્ર બંધ: રસ્તા, ટ્રેનોમાં ભીડ ઓછી, 8 બસો સળગાવાઈ

આજે મહારાષ્ટ્રમાં શાસક મહારાષ્ટ્ર વિકાસ ગઠબંધને ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન આપ્યું છે. (Maharashtra closed) ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યા (Lakhmipur Kheri Farmers Murder) માટે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગઠબંધન કહે છે કે આવશ્યક સેવાઓ સિવાય બધું બંધ રહેશે. મુંબઈ પોલીસે બંધ દરમિયાન લોકોને મુશ્કેલીઓથી બચાવવા માટે એક યોજના બનાવી છે. 

મહારાષ્ટ્રની શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં ખેડૂતોનાં મોતના વિરોધમાં આજે સંપૂર્ણ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આજે રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકરો રાજભવન સામે આ મુદ્દે મૌન આંદોલન પણ કરવાના છે. મહાવિકાસ આઘાડી સરકાર સાથે સંકળાયેલા બધા જ રાજકીય પક્ષો આ બંધને સફળ બનાવવા માટે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. શિવસેનાએ તો આ બંધને સફળ બનાવવા માટે એની બધી જ શાખાના પ્રમુખોને અને કાર્યકરોના માથે જવાબદારી નાખી દીધી છે અને ઘણાં સમય બાદ મુંબઈના રસ્તાઓ પર બંધ કરાવવા માટે શિવસૈનિકો જોવા મળી રહ્યાં છે.

આજે સપ્તાહના પહેલાં દિવસ સોમવારે મુંબઈમાં ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે, પરંતુ બંધના લીધે ભીડ ઓછી જણાય હતી. મુંબઈમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી અને બેસ્ટની બસો પણ ઓછી ચાલી રહી હતી. જોકે, ટેક્સીઓ અને ખાનગી વાહનો પહેલાની જેમ રસ્તા પર ચાલી રહ્યા છે. રેલ રોકોના ભયને કારણે માહીમમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસીપી પ્રણય અશોકનું કહેવું છે કે સાવચેતીની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે જેથી કોઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. બેસ્ટ ડેપો પણ બંધ છે. સોમવારે સવારે જે રીતે ભીડ છે, તે જ રીતે ભીડ જોવા મળી નથી. તોડફોડના કારણે આઠ બસોને નુકસાન થયાના સમાચાર પણ છે.

મુંબઈ પોલીસનું કહેવું છે કે બંધ દરમિયાન તમામ સ્થળોએ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ત્રણ કંપનીઓ, 500 હોમગાર્ડ અને 700 અન્ય સુરક્ષા કર્મચારીઓ મુંબઈ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે.  વેપારીઓના સંગઠનોએ અગાઉ મહારાષ્ટ્રમાં બંધ બોલાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં તેઓએ બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશનના વડા વિરેન શાહે જણાવ્યું હતું કે શિવસેના અને અન્ય પક્ષોના નેતાઓની અપીલ બાદ અમે સાંજે 4 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

આ અગાઉ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે મહારાષ્ટ્રના 12 કરોડ લોકોને બંધને ટેકો આપવા અપીલ કરતા કહ્યું હતું કે, હું આજે લોકોએ બંધમાં જોડાઈ એક દિવસનું કામ બંધ રાખવું જોઈએ. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઇમરજન્સી સેવાઓ સિવાય બધું બંધ રહેશે. અનાજ અને શાકભાજી બજારો પણ બંધ રાખવામાં આવશે. આ શાસક ગઠબંધનમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનો સમાવેશ થાય છે, જે બંધનું સમર્થન કરી રહ્યા છે. ખુદ રાજ્ય સરકારે પણ ત્રણેય પક્ષોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બંધની જાહેરાત કરી હતી. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું. તેમનો પક્ષ સંપૂર્ણ બંધને ટેકો આપશે. ત્રણેય પક્ષો બંધમાં સક્રિયપણે ભાગ લેશે. લખીમપુર ખેરીમાં જે બન્યું તે બંધારણની હત્યા, કાયદાનું ઉલ્લંઘન અને દેશના ખેડૂતોને મારવાનું ષડયંત્ર છે. 

આ તરફ બંધના વિરોધમાં ભાજપ બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોઈપણ દુકાનને બળજબરીથી બંધ કરવાનો વિરોધ કરવામાં આવશે. ભાજપના નેતા નિતેશ રાણેએ કહ્યું કે, “જો કોઈ આઘાડી ગઠબંધન કાર્યકર બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કરશે તો તેને ભાજપના કાર્યકરોનો સામનો કરવો પડશે.” મહારાષ્ટ્ર પોલીસે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં ન લે.  

નોંધનીય છે કે, લખમીપુર ખેરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર ખેડૂતોને જીપથી કચડી નાંખવાનો આક્ષેપ છે. હત્યાના આરોપમાં આશિષ સહિત અન્ય કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિથી કાળા ઝંડા બતાવી રહ્યા હતા જ્યારે તેમને જીપ દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. 

Most Popular

To Top