મહારાષ્ટ્રના (Maharashtra) નંદુરબારના તલોદના ચાંદ સહેલી ઘાટમાં ગંભીર અકસ્માત (Accident) થયો હતો. આ બનાવમાં પિકઅપ વાન (Pickup Van) પલટી જતાં 6 મુસાફરમાંથી 3 જણાનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. તો 3ને ગંભીર ઇજા થતાં સારવાર (Treatment) માટે ખસેડાયા હતા.
- નંદુરબારના તલોદના ઘાટ માર્ગમાં મુસાફરો ભરેલી પિકઅપ પલટી, ત્રણ જણાનાં મોત
- ચાંદસહેલી ઘાટમાંથી પસાર થતી વેળા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
- અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ જણાને સારવાર અર્થે ખસેડાયા
તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા પર્વત વિસ્તારમાં આવેલા તલોદના ચાંદસહેલી ઘાટમાંથી બોલેરો પિકઅપ ટેમ્પો મુસાફરો સાથે પસાર થઈ રહ્યો હતો. એ વેળા 12 વાગ્યાની આસપાસ ચાલકે ઘાટ માર્ગમાં જ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. આ બનાવમાં પિકઅપ ટેમ્પોમાં સવાર 6 મુસાફરમાંથી ત્રણ જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. તો ત્રણને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત થતાં જ ત્યાંથી પસાર થતાં લોકો મદદે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને નંદુરબાર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ધડગાંવથી વાવી જતી વેળા આ દુર્ઘટના સર્જાઈ હતી. મરનાર ત્રણેય ધડગાવના વાવી ગામના રહેવાસી હતા. આ મામલે તલોદા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાલ આગળની તપાસ હાથ ધરી છે.
સોનગઢમાં માસીના ઘરે લગ્નપ્રસંગમાં હાજરી આપવા જતાં માંડવીના યુવાનનું મોત
માંડવી: માંડવીના બલાલતીર્થ ગામની સીમમાંથી પસાર થતો રતનીયાનો યુવાન સોનગઢના ભટવાડા ગામે માસીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. ત્યારે સાંજના સમયે બાઈક પૂરઝડપે ગફલતભરી હંકારતાં સાગનાં ઝાડ સાથે ભટકાતાં 24 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
માંડવીના રતનીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા અરુણ કિરણ ચૌધરી (ઉં.વ.24) સાંજે પાંચેક વાગ્યાના સમયે પોતાની બાઈક લઈ સોનગઢ તાલુકામાં આવેલા ભટવાડા ગામે માસીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતો હતો. પરંતુ ઉકાઈ-શેરુલા જતાં માર્ગ પર આવેલા બલાલતીર્થ ગામની સીમમાં પોતાની પેશન પ્રો.બાઈક નં.(GJ-5-GN-3024)ને પૂરઝડપે હંકારતાં સાગના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં મોત નીપજ્યું હતું. આ બાબતે માંડવી પોલીસને જાણ કરતાં બીટના જમાદાર સન્નત ગામીત, હેમંત ચૌધરીએ સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.