વોટસ એપ, ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, E-Mail વગેરે જેવા શબ્દોથી પશ્ચિમના અદ્યતન સમાજના લોકો પણ વાકેફ ન હતા, તે જમાનામાં કોઇ પણ સંગીતને માણવા માટે ભાગ્યે જ ઝાઝા માર્ગ હતા. કાર્યક્રમને જીવંત માણો અથવા તેની રેકોર્ડ સાંભળો. આ સંજોગોમાં ‘એન એકવેરિયન એકસ્પોઝિશન : થ્રી ડેઝ ઓફ પીસ એન્ડ મ્યુઝિક’ અથવા ‘વૂડ સ્ટોક રોક ફેસ્ટિવલ’ના અથવા માત્ર વૂડ સ્ટોકના નામે ન્યૂયોર્ક પાસેના નૈઋત્યમાં વૂડસ્ટોક ગામથી 65 કિલોમીટર દૂર આ મહોત્સવ યોજાયો હતો અને તે ઘણી બધી રીતે અનોખો હતો.
તેને 4 લાખ લોકોએ શિસ્તબધ્ધ રીતે માણ્યો હતો, જે આપણે માટે તો આશ્ચર્યજનક જ કહેવાય. છૂટાછવાયા વરસાદ છતાં બેવેલના ડેરી ફાર્મમાં ખુલ્લામાં યોજાયેલા ત્રણ દિવસના જલસામાં બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ, ફીજી વગેરે દૂર દૂરના દેશોમાંથી પણ સંગીતપ્રેમીઓ આવ્યા હતા. પોપ સંગીતના આ કાર્યક્રમનું આયોજન માઇકલ લેન્ગ, આર્ટીકોર્નફીલ્ડ, જોએલ રોઝનમેન, અને જોહન પી. રોબર્ટસ્ના સહિયારા પ્રયાસોથી થયું હતું.
આમ તો આ કાર્યક્રમની ટિકિટ રખાઇ હતી પણ આયોજકો માટે ટિકિટ ઓફિસ રાખવાનું કે કાર્યક્રમના સ્થળે વાડ બાંધવાનું અશકય બની જતા તેમણે આ કાર્યક્રમ મફત કરી નાંખ્યો. આની ટિકિટના દર એડવાન્સ બુકિંગ કરાવનાર માટે 18 ડોલર અને કાર્યક્રમના સમયે ખરીદનાર માટે 24 ડોલર હતા, જે આજના 130 થી 180 ડોલર થાય. આયોજકોને હતું કે 50 હજાર લોકો આવશે પણ એવું કયાં થયું? મૂળ તો આ કાર્યક્રમ ખુદ વૂડ સ્ટોક ગામમાં થવાનો હતો પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો.
આખરે સ્થળની શોધ કરતા કરતા 300 એકર (1.2 ચોરસ કિલોમીટર)ની વોલ્કીલની જગ્યા નકકી થઇ. ત્યાં પણ વિરોધ થયો. ટાઉન બોર્ડે 5000થી વધુ લોકોના ભેગા થવા માટે પરવાનગીની જરૂરિયાતનો કાયદો કર્યો. કેટલીય રકઝક પછી નવું ડેરી ફાર્મનું સ્થળ નકકી થયું. કાર્યક્રમની શરૂઆતની આગલી રાતથી સંગીત પ્રેમીઓ સ્થળે ઉમટવા માંડયા. પરિણામે ટ્રાફિક જામ થઇ ગયો. બેથેલ નગરના શાસકો જોતા જ રહી ગયા. રસ્તાઓ બંધ થવા માંડયા, જે અભૂતપૂર્વ હતું. અધૂરામાં પૂરું વરસાદનાં ઝાપટાં પડવા માંડયાં.
તે સમયના જાણીતા કલાકારો અને સંગીતકારોના બેન્ડ રિચી હેવન્સ, સ્વીટ વોટર, જોઆન બેઝ, કિવલ, કન્ટ્રી જો મેકડોનાલ્ડ શ્રોતા તરીકે આવેલ કલાકાર જોહ્ન સેબસ્ટીયન, ધી ઇન્ક્રેડેબલ સ્ટ્રિંગ બેન્ડ, માઉન્ટેન, ગ્રેટફુલ ડેડ, ધ હૂ, જો કોકર અને ધ ગ્રીઝબેન્ડ, ટેનઇયર્સ આફટર વગેરે સહિત 32 કલાકારો, ગૃપોએ સતત કાર્યક્રમ રજૂ કર્યા અને 30 મિનિટથી માંડી 2 કલાક સુધી કાર્યક્રમ રજૂ કર્યા અને શ્રોતાઓની વધઘટ થતી રહેવા છતાં લોકોના ઉત્સાહમાં ફેર પડયો નહીં. આ કાર્યક્રમને આશીર્વચન સચ્ચિદાનંદ સરસ્વતીજીએ આપ્યા હતા.
જીવંત કાર્યક્રમ માણવાની સંગીત પ્રેમીઓની ઉત્કટ ઇચ્છાને કારણે આટલા બધા લોકોની ઉપસ્થિતિ છતાં બે વ્યકિતઓના મરણ નોંધાયા અને તે પણ એક વ્યકિતનું મૃત્યુ ઇન્સ્યુલિનની ગરબડને લીધે જ થયું. જયારે બીજો એક શ્રોતા ઘાસના મેદાનમાં સૂતો હતો ત્યાં તેના પરથી ટ્રેકટર ફરી વળ્યું! એક સ્ત્રીને ટ્રાફિકમાં ફસાયેલી કારમાં જ પ્રસૂતિ થઇ ગઇ. બીજીને વેણ ઉપડતા તેને હેલિકોપ્ટરમાં લઇ જવાઇ હતી. 4 સ્ત્રીઓને કસુવાવડ થઇ. 742 શખ્સોએ માદક પદાર્થનું વધુ પડતું સેવન કર્યું હતું. સાઉન્ડ સિસ્ટમ 2 લાખ માણસોને ધ્યાનમાં રાખી કરાઇ હતી.
આ સંગીતના જલસાની દસ્તાવેજી ફિલ્મ 1970માં બની હતી. આટલા વિશાળ પાયે કદાચ આ પહેલો સંગીત જલસો હશે અને ત્યાર પછી 1999માં પણ વૂડ સ્ટોક ગામથી 160 કિલોમીટર દૂર રોમમાં 4 દિવસનો વૂડ સ્ટોક જલસો યોજાયો હતો. જેમાં પણ 4 લાખથી વધુ માણસ આવ્યા હતા અને MTV એ પૈસા ભરાવી કાર્યક્રમના અંશ બતાવ્યા હતા. જો કે આ જલસામાં હિંસા, જાતીય હુમલા, લૂંટફાટ અને ગુંડાગીરી તેમ જ આગની ઘટનાઓ બની હતી અને વીજાણુ પ્રસારણના જમાનામાં એ મજા ક્યાં હતી જે કલાકારોને રૂબરૂ માણવામાં હતી.
– નરેન્દ્ર જોષી