જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ આખરે 80 કલાકની શોધખોળ બાદ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે. મહાદેવ ભારતી બાપુની તબિયત નાજુક હોઈ તેમને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરાયા છે.
ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુ એક ચિઠ્ઠી લખી આશ્રમ છોડી જતા રહ્યાં હતાં. તેમના ગૂમ થવાના મામલે રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સ્યૂસાઈડ નોટ બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. બાપુને શોધવા ગીરનારના જંગલમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો જોડાઈ હતી. 300થી વધુ લોકો જેમાં 240થી વધારે પોલીસકર્મી, 40થી વધુ એસડીઆરએફના જવાનો અને 30થી વધુ વનકર્મીઓ બાપુને સતત શોધી રહ્યાં હતાં. આખરે બાપુ 80 કલાક બાદ ઈટવા ઘોડીના જંગલમાંથી મળી આવ્યા હતા. 80 કલાક ભૂખ્યા તરસ્યા રહેવાના લીધે બાપુની હાલત નાજુક થઈ હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બાપુએ સ્યુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
મહાદેવ ભારતી બાપુએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેઓ પોતે ગિરનારના સાનિધ્યમાં પોતાના જીવનનો અંત આણવા જઈ રહ્યાં છે. આશ્રમના ત્રણ શિષ્યો (ઉમેશ ઝડફિયા, કૃણાલ હરિયાણી અને પરમેશ્વર ભારતી) દ્વારા માનિસક ત્રાસ અપાતો હોવાનો આરોપ નોટમાં બાપુએ લગાવ્યો હતો. ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ આ ઘટનાથી આઘાતમાં સરી પડ્યા છે. તેમની તબિયત બગડતા તેઓ સારવાર હેઠળ છે. આ નોટ વાંચ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. બાપુને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.