મુંબઈ: હોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગઈ છે. ફિલ્મમાં ઈન્ટીમેટ સીન દરમિયાન ભગવદ ગીતા વાંચવામાં આવી છે. ‘ઓપેનહાઇમર’ના આ સીનથી દર્શકો નારાજ છે. આ સિવાય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ વિરોધ કર્યો છે. તે કહે છે કે સેન્સર બોર્ડે આ સીનને કેવી રીતે પાસ કર્યો. બીજી તરફ ‘મહાભારત’ સિરીયલમાં કૃષ્ણનો રોલ કરનાર નીતિશ ભારદ્વાજે વિવાદાસ્પદ સીન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ફિલ્મ વિશે વાત કરતા નીતિશ ભારદ્વાજે કહ્યું ફિલ્મમાં ભગવદ ગીતાનું અપમાન કરવામાં આવ્યું નથી. હિંદુઓ અને સરકારે ‘ઓપેનહાઇમર’ અંગે સંયમ દાખવવાની જરૂર છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. જે સીનને લઈને આટલો વિવાદ થઈ રહ્યો છે, તે સીનમાં એટમિક બોમ્બ બનાવનારને પસ્તાવો થતો દેખાડવામાં આવ્યો છે.
ઈન્ટીમેટ સીન દરમિયાન ડિરેક્ટર નોલાન એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ‘ઓપનહાઇમર’ ગુનાનો બોજ અનુભવી રહ્યો છે. તે પરમાણુ બોમ્બ બનાવવાનું વિચારી રહ્યો છે, જેના કારણે જાપાનમાં લાખો લોકો માર્યા ગયા. તે પોતાની જાતને પ્રશ્ન કરી રહ્યો છે કે શું તેણે પોતાના ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું છે. સીન દરમિયાન તે વિચારી રહ્યો છે કે શું તેની રચના ભવિષ્યમાં માનવ વિશ્વનો અંત લાવશે. ‘ઓપેનહાઇમર’નો પસ્તાવો દર્શાવતા સીનમાં ગીતાનું અવતરણ કરવામાં આવ્યું છે.
વિવાદ વચ્ચે ‘મહાભારત’ શોના અભિનેતાએ લોકોને ફિલ્મ જોવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કેટલાક લોકો એવા છે જે હિંદુ ધર્મને નકારાત્મક રીતે દર્શાવવા માંગે છે, પરંતુ ફિલ્મમાં એવું કંઈ નથી. સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉતાવળ કરવી જોઈએ નહીં.
પીએમ નરેન્દ્ર મોદી પોતે વેદના જાણકાર છે. તે આપણા દેશનું ખૂબ સારી રીતે નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે પોતાના મંત્રીઓને સંયમ રાખવાની સલાહ આપવી જોઈએ. ભગવદ ગીતાના શ્લોક કર્તવ્ય અને અધર્મ સામેની લડાઈ વિશે છે. ફિલ્મમાં પણ એવું જ બતાવવામાં આવ્યું છે. હિંદુ ધર્મ અને આપણા શાસ્ત્રો શક્તિશાળી છે. આજે વિશ્વ ભગવત ગીતા અને હિંદુ ધર્મ તરફ ધ્યાન આપી રહ્યું છે. વાસ્તવિક ‘ઓપેનહાઇમરે’ પણ ગીતાને ઇન્ટરવ્યુમાં ટાંક્યા છે.
શું છે મામલો?
અણુબોમ્બ બનાવનાર ઓપેનહાઇમર વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપેનહાઇમરના જીવન પર આધારિત આ ફિલ્મ છે. રીઅલ સાયન્ટિસ્ટ જે. રોબર્ટ ઓપેનહાઇમર ભગવદ ગીતા વાંચતા હતા. જોકે, ફિલ્મમાં ઓપેનહાઇમરને સેક્સ સીન દરમિયાન ભગવદ ગીતા વાંચતા બતાવવામાં આવ્યા છે, જેના કારણે હવે હંગામો મચી ગયો છે.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ઓપેનહાઇમરની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા સિલિયન મર્ફી તેની ગર્લફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ થાય છે ત્યારે ભગવદ ગીતા વાંચી રહ્યો છે. ફિલ્મમાં હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતાના પાઠ કરતી વખતે ઈન્ટિમેટ સીન બતાવવા બદલ લોકો ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનને ટ્રોલ કરી રહ્યા છે.
હોલિવૂડ ફિલ્મ ‘ઓપેનહાઇમર’ની વાત કરીએ તો તે ભારતમાં 21 જુલાઈએ રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મને U/A સર્ટિફિકેટ મળ્યું છે. 12 વર્ષથી નીચેના બાળકો પણ વયસ્કોની દેખરેખ હેઠળ ફિલ્મ જોઈ શકે છે.