માંગરોળના વાંકલ ગામના વેરાવી ફળિયાના લોકો દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનમાં નકલી ચોખા મળતા હોવાની ફરિયાદને લઇ માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી વાંકલ ગામે આવી સ્થાનિક લોકો સાથે મુલાકાત લેતાં ત્યાંના લોકોએ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને મળવાપાત્ર ચોખામાં ભેળસેળ થતી હોવાનું જણાવ્યું હતું. 15 કિલો ચોખામાંથી 1 કિલો જેટલા ચોખા નકલી પ્લાસ્ટિકના દાણા જેવા નીકળતા હોવાનું જણાવ્યું હતું. આ ચોખા પાણીમાં નાંખ્યા પછી પાણીમાં તરે છે.
જ્યારે અસલ ચોખા પાણીમાં નાંખ્યા પછી નીચે બેસી જાય છે. ચૂલા પર રાંધ્યા પછી ચોખાનો વાસી અનાજ જેવો સ્વાદ લાગે છે. જેથી આ ચોખામાં કંઈક ભેળસેળ થાય છે એ સ્પષ્ટ હોવાનું લાભાર્થીઓએ જણાવ્યું હતું. માંગરોળ તાલુકાની મુલાકાતે આવેલા ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું કે, સરકારની સસ્તા અનાજ વિતરણની વ્યવસ્થા કથળી ગઇ છે. તેમાં ક્યારેક સડેલું અનાજ, દાળની ફરિયાદ મળે છે. જે બાબતે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે. પરંતુ હાલ એક નવું પ્રકરણ માંગરોળમાં બહાર આવ્યું છે.
પ્લાસ્ટિકના નકલી ચોખાના વિતરણથી આ વિસ્તારના ગરીબ આદિવાસીનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં છે, એ અતિ ગંભીર બાબત છે. આ અંગે તેમણે કલેક્ટર અને જવાબદાર પૂરવઠા ખાતામાં રજૂઆત કરી લોકોને ન્યાય આપવવાની ખાતરી આપી હતી. આનંદભાઈ ચૌધરી સાથે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, માજી ધારાસભ્ય રમણ ચૌધરી, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ન્યાય માટે લડતને આગળ ધપાવવા મક્કમ નિર્ધાર કર્યો હતો.