વડોદરા: સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘમહેર થઈ છે ત્યાં મધ્ય ગુજરાતમાં વરસાદે (Rain) તાંડવ મચાવ્યું છે. સમગ્ર મઘ્ય ગુજરાતમાં પૂર (Flood) જેવી પરિસ્થિતી સર્જાઈ છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને કવાંટમાં 8 ઇંચ વરસાદ ખાબકયો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ તો નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ ગઈ હતી જેના પગલે આજરોજની પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન (Train) રદ કરવામાં આવી છે. બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પણ ખોરવાઈ ગયો હતો જેના પગલે લોકોએ ફરિજીયાત પણે ઘરમાં કેદ થવું પડ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈ ગયા હતા આ સાથે અમુક વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા અટકવાનું નામ નથી લેતા. ત્યારે સવારથી ધોધમાર વરસાદ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બોડેલીના રાજનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે પલાસની કાળીડોળી પુલનો એપ્રોચ ધોવાઈ ગયો હતો. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર રસ્તા બંધ કર્યાં છે, ત્યારે બોડેલી-વડોદરા હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા મોટા વાહનોને જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. પાવી જેતપુરમાં ઝાબ ગામનું કોતર છલકાયું છે. જેને પગલે ઝાબ ગામ બે ભાગમાં વહેચાઈ ગયું છે. ભારે વરસાદને પગલે રાજવાસના ડેમ ઓવર ફલો થઈ ગયો છે. રાજવાસના ડેમ ઓવર ફલો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. બીજી તરફ બોડેલી તાલુકાના ઝંડ હનુમાન ખાતે કોતરમાં પાણી આવી જતા ભક્તો ફસાઈ ગયા હતા. ફસાઈ ગયેલ તમામ લોકો માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો.