ખાનપુર : ખાનપુરના નાના ખાપુર ગામે રહેતી 19 વર્ષિય યુવતીનું પખવાડિયા પહેલા અજાણ્યા શખસોએ અપહરણ તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેની લાશને કોથળામાં નાંખી મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી. આ અંગે બાકોર પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે, આ હત્યાના આરોપી પકડાઇ નહીં ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારી નહતી અને તે વડોદરા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. બીજી તરફ પોલીસે મધ્યપ્રદેશના એક શખસને હત્યા કેસમાં પકડી પાડ્યો છે. ઉર્ષના મેળામાં ચટ્ટાઇ વેચતા આ શખસને હાલ પાંચ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યાં છે. જોકે, સમગ્ર ઘટનાનો સિનારીયો જોતા આ હત્યા પાછળ વધુ કેટલાક શખસો સંડોવાયા હોવાનું પરિવારજનો માની રહ્યા છે.
મહિસાગરના ખાનપુર તાલુકાના કારંટા ગામના બસ સ્ટેન્ડ નજીક પખવાડિયા પહેલા મહિસાગર નદીના કિનારે પાણીના ટાંકા પાસે કોથળામાં અજાણી યુવતીની લાશ મળી હતી. આ અંગે બાકોર પોલીસે તપાસ હાથ ધરતાં યુવતીની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેની ઓળખ કરતાં તે ચંદ્રીકાબહેન પરમાર (ઉ.વ.19) હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પરિવારજનોની પુછપરછ હાથ ધરી હતી. આ પુછપરછમાં ચંદ્રીકાબહેનના ભાઈ ઋત્વીકકુમાર પરમારે પોલીસમાં ફરિયાદ આપી હતી.
આ ફરિયાદમાં ઋત્વીકકુમારે જણાવ્યું હતું કે, મારી નાની બહેન ચંદ્રિકાબહેન (ઉ.વ.19) ધો.12માં અભ્યાસ કરતી હતી અને હાલ તેની પરીક્ષા ચાલુ હતી. દરમિયાનમાં 18મી માર્ચના રોજ કારંટા ગામના ઉર્ષનો મેળો ચાલતો હોય ચંદ્રિકા તથા કાકી સવિતાબહેન કાંતિભાઈ, કાકાની દિકરી ગીતાબહેન કાંતિભાઈ અને અન્ય કુટુંબી તથા પડોશી સાથે સાંજના સાતેક વાગ્યે ઘરેથી ચાલતા કારંટા ગામનો મેળો જોવા ગયાં હતાં. બાદમાં મોડી રાત્રે જાણવા મળ્યું હતું કે, ચંદ્રિકા મેળામાંથી ક્યાંક ગુમ થઇ ગઈ હતી.
આથી, ઋત્વીક અને તેનો ભાઈ કેતન તુરંત ચંદ્રિકાની તપાસ કરવા કારંટા ગામે ગયાં હતાં. જોકે, પત્તો લાગ્યો નહતો. આ અંગે તેની સાથે ગયેલી ભાવનાબહેનની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મેળો જોતા હતા તે સમયે વરસાદ, વાવાઝોડું આવતા કારંટા બસ સ્ટેશનેથી થોડે દુર આઠેક વાગ્યે આવતા માણસો ભીડમાં ચંદ્રિકાબહેન ક્યાંક ગુમ થઇ ગયાં હતાં. આખી રાત ચંદ્રિકાબહેનની તપાસ કરવા છતાં તેઓ જે તે સમયે મળી આવ્યાં નહતાં.આ બાબતે બાકોર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ પણ કરી હતી. દરમિયાનમાં 21મી માર્ચના રોજ સાંજના મહિસાગર નદીના કિનારે કોથળામાં લાશ યુવતીની લાશ મળી આવી હતી.
ખાનપુરમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં હતાં. ચંદ્રિકાબહેનના પરિવારજનોએ જ્યાં સુધી આરોપી પકડાઇ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડીને આપવા પણ માગણી ઉઠી હતી. આખરે પોલીસે પખવાડિયાની તપાસમાં મધ્યપ્રદેશના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભીમસેન નામના શખસને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ચંદ્રિકાબહેન પરિવાર સાથે ઉર્ષના મેળામાં હતાં તે સમયે વરસાદ અને વાવાઝોડું આવતા ભાગદોડ મચી હતી.
જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભીમસેન (રહે.મધ્યપ્રદેશ)નજીકમાં ચટ્ટાઇ વેચતો હતો. તેનો સામાન ઉડ્યો હતો. તે લેવા જતાં ભાગદોડમાં ચંદ્રિકાબહેનને ધક્કો વાગી ગયો હતો અને મૃત્યું નિપજ્યું હતું. આથી, બાજુમાંથી કોથળો લઇ તેને મહિ નદીમાં નાંખી દીધી હતી. આથી, પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. અલબત્ત, પોલીસની આ થિયરી હજુ ચંદ્રિકાબહેનના પરિવારજનોના ગળે ઉતરી નથી. તેઓએ હાલ લાશ સ્વીકારી છે. પરંતુ પોલીસ કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચંદ્રિકાબહેનના ભાઈ ઋત્વીકે તો સીબીઆઈ તપાસની માગણી કરી છે. આ ઘટનાના એકથી વધુ આરોપી સંડોવાયા હોવાની શંકા તેઓએ વ્યક્ત કરી છે.