ગાંધીનગર: ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની (Gujarat) સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમીના (Ramnavmi) દિવસે એટલે કે, ૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી યોજાશે. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું આયોજન થાય છે.
આ મેળાના આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ને સાકાર કરતો આ મેળો ર૦૧૮ થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે માધવરાય મંદિરમાં રૂકમણિજી સાથે વિવાહ કરીને દ્વારકા પ્રસ્થાન કર્યુ હતું. ત્યાં સુધીનો પાંચ દિવસનો સમગ્ર ઉત્સવ માધવપુરમાં સાંસ્કૃતિક મેળા અને બે પ્રદેશોની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના ઉદ્દેશથી સ્થાનિક સમુદાય ઉજવે છે. ‘બારાત’ થી ‘બિદાઇ’ સુધીની આ આનંદદાયક અને પવિત્ર લગ્નવિધિને પૂનઃ તાદૃશ્ય કરવા પ્રતિવર્ષ આ મેળામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે.
આ મેળામાં ગુજરાત સહિત ૯ રાજ્યો અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરામ, મેઘાલય, સિક્કીમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહભાગી થવાના છે. આ મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રી દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ પાઠવવામાં આવશે. ઉપરાંત સહભાગી રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલઓ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ ગુજરાત સરકાર મેળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવાની છે.
ઐતિહાસિક સુસંગતતા સાથે પારંપારિક નૃત્યોને કેન્દ્રમાં રાખીને ગુજરાત અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના કલાકારો, કલા સંસ્થાઓ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણ પર મલ્ટીમીડિયા શો પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલા કારીગરોની વિવિધ ચીજવસ્તુઓ, વાનગી, તેમના પ્રદેશોના ઓર્ગેનિક ફૂડને ગુજરાતમાં વધુ લોકપ્રિય બનાવવા ”વોકલ ફોર લોકલ”ની પહેલને પ્રોત્સાહન આપતાં તા. ૧૮ માર્ચથી ૩૦ માર્ચ સુધીના દિવસોમાં વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતે પ્રાદેશિક હસ્તકલા મેળા યોજવામાં આવશે. માધવપુર-ઘેડના દરિયાકિનારે આ વર્ષે મેળા દરમિયાન ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની પરંપરાગત રમતો તથા દરિયાકાંઠાની રમતો-બીચ સ્પોર્ટ્સનું આયોજન પ્રથમવાર કરવામાં આવશે. આ રમતોમાં બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, ૧૦૦ મીટર બીચદોડ, બીચ હેન્ડબોલ અને નારિયેળ ફેંક જેવી રમતો રમાડવામાં આવશે.