National

બેંગલુરુ એરપોર્ટ પર માથાભારેએ કુહાડીથી સ્ટાફનું ગળું કાપ્યું, એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે થયું આવું?

નવી દિલ્હી: કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુના એરપોર્ટ (Bangalore Airport) ઉપર સનસનાટીભરી હત્યાનો બનાવ બન્યો હતો. દરમિયાન આખા એરપોર્ટ ઉપર નાસભાગ મચી ગઇ હતી. તેમજ એરપોર્ટ લોહીથી રંગાઇ ગયો હતો. જો કે ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી.

અસલમાં આ બનાવ બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બન્યો હતો. જ્યાં બુધવારે મોડી રાત્રે માથાભારે ઇસમએ પોતાની પત્નિના એક્સ્ટ્રા મેરિટલ અફેરની શંકાને કારણે એક યુવકની કુહાડી વડે હત્યા કરી હતી. ત્યારે મૃતકની ઓળખ રામકૃષ્ણ તરીકે થઈ હતી. તેમજ 45 વર્ષીય મૃતક એરપોર્ટ પર ટ્રોલી ઓપરેટર તરીકે કામ કરતો હતો. રામકૃષ્ણની હત્યા બાદ તરત જ પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી રમેશ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનેલી આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે કેસની માહિતી આપતા ડીસીપી નોર્થ ઈસ્ટએ જણાવ્યું હતું કે આરોપીએ તીક્ષ્ણ હથિયાર બેગમાં મુક્યું હતું અને BMTC બસમાં બેસીને એરપોર્ટ પહોંચ્યો હતો. જેના કારણે તેની બેગ સ્કેન થઈ શકી ન હતી. બાદમાં, આ બાબતનો લાભ લઈને આરોપી રમેશ અરાઈવલ્સ ટર્મિનલ 1 (લેન 1)માંથી પસાર થયો અને પાર્કિંગ એરિયા થઈને શૌચાલયમાં પહોંચ્યો હતો અને ત્યારે જ તેણે રામકૃષ્ણ પર કુહાડી વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે રામકૃષ્ણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ રામકૃષ્ણ જમીન પર પડ્યો હતો અને આખા ફ્લોર પર લોહી ફેલાઈ ગયું હતું. આ ઘટના બાદ એરપોર્ટ ઉપર ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો.

સમગ્ર મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક્સ્ટ્રા મેરીટલ અફેરના કારણે મોતનો લોહિયાળ ખેલ ખેલાયો હતો. રમેશને રામકૃષ્ણ પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. આ કારણથી રમેશ ઘણા સમયથી રામકૃષ્ણ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. દરમિયાન રમેશને ખબર પડી કે રામકૃષ્ણ એરપોર્ટ પર કામ કરતો હતો. આ પછી રમેશ ગુસ્સામાં એરપોર્ટ પહોંચી ગયો અને રામકૃષ્ણ પર હુમલો કર્યો હતો. આ સાથે જ બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેમજ પુરાવાના આધારે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવશે.

Most Popular

To Top