Dakshin Gujarat

માંડળ ટોલપ્લાઝા ઉપર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ફરી ટોલ વસૂલાતાં ઘર્ષણ

સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે ફરી એકવાર “તુંતુંમૈમૈ” થઈ હતી. ગત તા.૨૫મી ઓગસ્ટે નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ પ્લાઝાના અધિકારીઓ સાથે કલેક્ટરે મીટિંગ યોજી સ્થાનિક કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનોને ટોલ ફ્રી કરવા જણાવ્યું હતું. આંદોલનકારીઓ સાથેની આ બેઠકમાં સ્થાનિક વાહનોનો ટોલટેક્સ વસૂલવા બાબતે કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો ન હતો. કલેક્ટરે પણ કોઇ લેખિત આદેશ કર્યો ન હતો.

ત્રણ મહિના સુધી સ્થાનિક વાહનો પાસે ટોલટેક્સ નહીં લેવાના આદેશ કર્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માત્ર મૌખિક આદેશથી ટોલપ્લાઝાના અધિકારી ટોલ વસૂલવા બાબતે મૂંઝવણમાં મુકાયા હતા. લેખિતમાં હુકમ માંગ્યો પણ કલેક્ટરે ન આપતાં ફરી ટોલ વસૂલવાનું બુધવારે શરૂ કરાયું હતું. ટોલપ્લાઝા પર જીજે ૨૬ પાસિંગનાં કોમર્શિયલ વાહનો પાસેથી ટોલ લેવાનું શરૂ કરાતાં ટોલ પ્લાઝાના સંચાલકો સાથે ઘર્ષણ થયું હતું. પોલીસની હાજરીમાં જ બેરિકેટ્સ હટાવી લોકો કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વિના નીકળતા જોવા મળ્યાં હતાં.

જો કે, ટોલપ્લાઝાના વહીવટકર્તાઓએ આવી પ્રવૃત્તિને બિન અધિકૃત ગણાવી હતી. તાપી કલેક્ટરે ટોલ નહીં વસૂલવાનો મૌખિક આદેશ કર્યાનાં મેસેજ વાયરલ થયા પછી રોજે સ્થાનિક વાહનો પાસે ટોલ ફી બાબતે ઘર્ષણ થઈ રહ્યું છે. ટોલપ્લાઝાના સંચાલકોનું કહેવું છે કે, કલેક્ટર ટોલ ફ્રી કરાવવા ઇચ્છતા હોય તો તેમણે ટોલમુક્તિ બાબતનો લેખિત આદેશ કરવો જોઇએ. જેથી તેનો કાયમી ઉકેલ લાવી શકાય.

Most Popular

To Top