તાપી જિલ્લામાં ચૂંટણી આવે એટલે વાહનચાલકોનો મત બેંક તરીકે ઉપયોગમાં લેવા ટોલ ટેક્સમાં સ્થાનિકોને મુક્તિનો લોલીપોપ છેલ્લા ઘણા સમયથી આપવામાં આવી રહ્યું છે. જેનો રાજકીય લાભ ખાટવા લોકો ટોળું કરી ઊમટી પડે છે. પણ થોડાક સમય પછી સ્થિતિ “જૈસે થે”ની જ નિર્માણ પામતી હોય છે. આ લડતથી સ્થાનિક વાહનચાલકોને આજદિન સુધી કોઇ લાભ થયો નથી. આજે પણ તાપી કલેક્ટરે ટોલનાકાના વહીવટકર્તાઓને બોલાવી ત્રણ માસ માટે સ્થાનિક કોમર્શિયલ-નોન કોમર્શિયલ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો મૌખિક આદેશ કર્યો પણ તેનો ટોલનાકા પર કોઇ અમલ ન થતાં ભાજપનાં આગેવાનોએ ટોલનાકા પર નાકાબંધી કરી વાહનોની અવરજવર અટકાવતાં આશરે કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો.
આદેશ આપ્યા પછી તેનો અમલ ન થતાં આ ફતવાથી ટોલનાકા પર કાયદો વ્યવસ્થા ખોરવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં જીજે 26નાં તમામ કોમર્શિયલ અને બિનકોમર્શિયલ વાહનોને ટોલ મુક્તિ આપવા તાપી કલેક્ટરે ઓરલ ઓર્ડર કર્યાનું જણાવ્યું હતું કલેક્ટર કચેરીએ યોજાયેલી મીટિંગ બાદ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, તા.૨૫/૦૮/૨૦૨૧ના દિને એસ.પી.મેડમ તાપીને સ્થાનિક આગેવાનોની ટોલ ફ્રીની માંગને પગલે કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આદિવાસી એકતા અને વિકાસ આંદોલન સંગઠનના પ્રમુખ પ્રજ્ઞેષ ગામીત, જયરામ ગામીત, સામાજિક કાર્યકર જિમ્મી પટેલ, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ ડો. જયરામ ગામીત, તાપી જિલ્લા ભાજપ મહામંત્રી વિક્રમ તરસાડિયા, સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામીત (કોંગ્રેસ) તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી અને માંડલ ટોલના અધિકારીઓ સામેલ હતા. આ મીટિંગમાં ચર્ચાના અંતે આગામી 3 મહિના ઓગસ્ટ સાથે સપ્ટેમ્બર/ઓક્ટોમ્બર/નવેમ્બર સુધી હાઇવે ઓથોરિટી અને સોમા કંપની, માંડલ ટોલનાકા માટે ચોક્કસ નિર્ણય ના લે ત્યાં સુધી જીજે 26નાં તમામ કોમર્શિયલ અને બિનકોમર્શિયલ વાહનોને ટોલ મુક્તિ આપવા તાપી કલેક્ટરે ઓરલ ઓર્ડર કર્યો છે. જેથી આગામી નવેમ્બર સુધી માંડળ ટોલનાકેથી તાપી જિલ્લાના તમામ વાહનો ટોલ ફ્રી જશે. જો ટોલ મેનેજર ફ્રી જવા માટે ના પાડે અથવા ગાડીઓ રોકી ઉદ્ધતાઇભર્યું વર્તન કરે તો તાત્કાલિક કલેક્ટર તાપી અને એસ.પી.-તાપીને જાણ કરવા જણાવ્યું હતું. જો કે, આ નિર્ણય બાદ તેનો અમલ થયો ન હતો. એકેય સ્થાનિક કોમર્શિયલ વાહનો ટોલટેક્સ ભર્યા વિના જવા દેવામાં આવ્યાં ન હતાં.
સૂચના ન હોવાથી અમલ કરવાનો અધિકારીઓનો નનૈયો
કલેક્ટરનો આ ટોલ ફ્રીનો કોઈપણ લેખિત અને નક્કર કાર્યવાહી વિના કરાયેલું મૌખિક સૂચન સ્થાનિક વાહનચાલકો માટે દિશાવિહિન બન્યું હતું. જેને લઈ સ્થાનિક વાહન ચાલકો અને ટોલ પ્લાઝાના અધિકારીઓને અચાનક ફરી ઘર્ષણમાં ઊતરવું પડ્યું હતું. ટોલ પ્લાઝાના ઉચ્ચ અધિકારીઓએ હાલ કલેક્ટરે કરેલા મૌખિક આદેશનો અમલ કરવા ઉપરી કચેરી કે હાઇવે ઓથોરિટીનું કોઇ સૂચન મળ્યું ન હોય તેનો અમલ કરવાની સ્પષ્ટ ના પાડી છે.