સુરતમાં સીટીબસ તથા બીઆરટીએસ બસની સગવડ ઘણી સારી છે. તેમાં ત્રીસ રૂપીયાવાળી ટીકીટમાં આખો દિવસ આખા શહેરમાં ગમે ત્યાં ફરી શકાય, એ વ્યવસ્થા તો પ્રસંશાને પાત્ર છે, પરંતુ સીટીબસના કંડકટરોના મશીન મોટા ભાગે બંધ હોય કે બગડી ગયેલા હોય તેવું જાણવા મળે છે. ખાસ કરીને સીટીબસ જે બ્લ્યુ કલરની છે તેના કંડકટરોને ટીકીટ આપવાની ઈચ્છા જ હોતી નથી તેમ જણાય છે. મશીન બગડી ગયું હોવાથી ત્રીસ રૂપિયાવાળી ટીકીટ નીકળતી નથી અથવા ઉતરી પડો, બીજી બસમાં આવો, અથવા દસ રૂપિયા આપી દો અને જ્યાં જવું હોય ત્યાં ઊતરી બીજી બસમાંથી ટીકીટ લઈ લેજો, એવા જવાબ મળે છે.
ક્યારેક તો આખી બસના તમામ પેસેન્જરો પાસેથી પૈસા ઉઘરાવી લેવામાં આવે છે અને ટીકીટ આપવામાં આવતી નથી, કેટલીકવાર પેસેન્જર ટીકીટ માટે માંગણી કરતા હોય ત્યારે કંડક્ટર કાર્ડવાળા સાથે મગજમારી કર્યા કરતા હોય છે. બીઆરટીએસ બસમાં પણ ટૂંકા અંતરના સ્ટેન્ડ પર ઉતરનારા પેસેન્જરને કંડક્ટર ટીકીટ આપતા નથી. આ વર્તનની ઈમ્પ્રેશન સુરત બહારથી આવતા લોકો પર ખરાબ પડે છે. ત્રીસ વાળી ટીકીટની જેમ આખા મહિનાની ટીકીટ મળતી થાય તો આ સમસ્યા હલ થઈ શકે. વળી સીટીબસના દરેક સ્ટેન્ડ પરથી ટીકીટ મેળવવાની વ્યવસ્થા હોવી જોઈએ. દરેક બસ સ્ટેન્ડ પર બસ આવવાનો સમય લખેલો હોવો જોઈએ.
સુરત -પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
કોમનમેનનો હક
ટાયરફિટર, ફેરિયા, કુરિયર બોય, મજૂર, પાણીપુરીવાળા, ખૂમચાવાળા, અગરિયા, કઠિયારા, કડિયા, કાછિયા, ગુમાસ્તા, સફાઈવાળા, દૂધવાળા, ધોબી, પખાલી, પહેરેગીર, બાવરચી, માળી, વાળંદ, ઢોલી આદિ આમઆદમી ટેરાકોટાથી ઘર સજાવતાં નથી. ટેસ્ટી વાનગીઓથી પેટ પૂરતાં નથી, ટ્રિક્સની અજમાયશ કરતાં નથી યા આમલી પીપળી રમાડતાં નથી કે ખેલા હોબે કહેતા નથી. ટંબ્લર, ટોપલી, ટોયલી, ઢોચકી, સાઈકલ આદિ રાચરચીલું ધરાવતાં આમજન જુવાર-મકાઈ-બાજરાના રોટલા કે ડબલરોટી સાથે આમટી અગર મરચાં–લસણની ચટણી ખાતાં હોય છે. ટાઢ તડકો વેઠનાર, સામાન્ય રહેનાર, ટપાટપી-ટંટા ફિસાદથી અળગા રહેનાર, ઢસડપટ્ટી-ટાંગાતોડ કરનાર આવા કોમનમૅન અન્યોની માફક સુખસગવડ- યોગક્ષેમ મેળવવા પૂરા હકદાર છે જ.
અમદાવાદ -જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે